ભારતમાં આજે તા.26 નવેમ્બર બંધારણ દિવસ ઉજવાઈ રહ્યો છે. 1949ના આ જ દિવસે દેશે પોતાનું બંધારણ સત્તાવાર રીતે અપનાવ્યું હતું. આ અવસરે સંસદ ભવનના ઐતિહાસિક સેન્ટ્રલ હોલમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી અને સમારોહનું નેતૃત્વ કર્યું. પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિ મુર્મુએ દેશવાસીઓને બંધારણ દિવસની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે ભારતનું લોકશાહી આજે સમગ્ર વિશ્વ માટે એક પ્રેરણામૂલક ઉદાહરણ બની ગયું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત ટૂંક સમયમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે.
નવ ભાષાઓમાં બંધારણનું વિમોચન
આ ખાસ પ્રસંગે રાષ્ટ્રપતિ મુર્મુએ બંધારણના અનુવાદિત સંસ્કરણનું વિમોચન કર્યું. આ સંસ્કરણ મલયાલમ, મરાઠી, નેપાળી, પંજાબી, બોડો, કાશ્મીરી, તેલુગુ, ઓડિયા અને આસામી સહિત કુલ નવ ભાષાઓમાં તૈયાર કરવામાં આવ્યું છે.
રાષ્ટ્રપતિએ જણાવ્યું કે તા.26 નવેમ્બર 1949ના દિવસે આ જ સેન્ટ્રલ હોલમાં બંધારણસભાએ ભારતના બંધારણના મુસદ્દાને અંતિમ સ્વરૂપ આપ્યું હતું. તેમણે ભારતના બંધારણના મુખ્ય શિલ્પકાર ડૉ. ભીમરાવ આંબેડકરના યોગદાનને યાદ કરતાં જણાવ્યું કે તેમનાં દ્રષ્ટિકોણ અને નેતૃત્વે દેશને મજબૂત લોકતંત્રને આધાર આપ્યો. સ્વતંત્રતા પછી બંધારણસભાએ વચગાળાની સંસદ તરીકે પણ કામ કર્યું હતું.
ઉપરાષ્ટ્રપતિનું સંબોધન
કાર્યક્રમ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણને પોતાના સંબોધનમાં કહ્યું કે ભારતનું બંધારણ લાખો સ્વતંત્રતા સેનાનીઓના બલિદાન, સપનાઓ અને સામૂહિક શાણપણનું પ્રતિબિંબ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે બંધારણ ભારતની એકતા અને અખંડિતતાનું પ્રતિક છે અને ભારત એક છે અને હંમેશા એક રહેશે. તેમના કહેવા મુજબ ભારતનું લોકશાહી મોડલ આજે વિશ્વમાં સૌથી સફળ અને સૌથી મોટું છે.
મહાનુભાવોની હાજરી
બંધારણ દિવસના આ રાષ્ટ્રીય સમારોહમાં અનેક અગ્રણીઓ અને સંસદ સભ્યો ઉપસ્થિત રહ્યા. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ સિવાય વડા પ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને કેન્દ્રીય મંત્રીઓએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો.
કાર્યક્રમ દરમિયાન બંધારણના મૂલ્યોને જનજન સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે રાષ્ટ્રીય એકતા અને લોકશાહી પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી.
આ રીતે બંધારણ દિવસનો કાર્યક્રમ દેશના લોકશાહી પરંપરાના ગૌરવ અને બંધારણ પ્રત્યેના સન્માનનું પ્રતિક બની રહ્યો.