Comments

ચાઈલ્ડ લેબર અને સેકસ ટ્રાફિકિંગના ગુનાઓ માટે એક ખાસ તપાસ એજન્સીની જરૂર

મહાનગરોની પોલીસ જાણે છે કે એમના શહેરના કયા વિસ્તારમાં રૂપ બઝાર ચાલે છે. કામ કરતી દેખાય એ માટે પોલીસ કયારેક શહેરોના અમુક ફલેટ્સ પર દરોડો પાડે છે, પણ જયાં ગેરકાયદેસર રીતે ચાલતાં, કાયદેસર દેખાતાં રૂપ બજારોમાં જઇને પોલીસ કેમ તપાસ કરતી નથી કે એ બજારમાં સ્ત્રીઓને કોણે, કયારે અને કઇ રીતે પહોંચાડી છે? જો પીડિતાઓને ન્યાયની ખાતરી આપીને પૂછપરછ અને તપાસ કરાય તો દરેક સ્ત્રી દીઠ ત્રાસ, યાતના, છેતરપિંડીઓ, ફસામણી વગેરેની એક એક કરુણ કહાની બહાર આવે. પણ પોલીસ કહેતી હોય છે કે કામનું ભારણ ખૂબ રહે છે.

ઉઠાવી જવાતાં બાળકો, સ્ત્રીઓ માટે શોધખોળ કરવાનો સમય જ રહેતો નથી. આજકાલ દૂર દૂરનાં પ્રદેશોનાં મૂળ યુવાન-યુવતીઓ એક સાથે કોઇ ત્રીજા શહેરમાં લાઈવ ઇનમાં વસવા માંડે છે. કોઇ વ્યક્તિનો કે એના મૂળનો ઇતિહાસ-ભૂતકાળ જાણ્યા વગર સાથે રહેવા લાગી જવું તે આંધળુકિયાપણું છે. આ સાહસો સૂટકેસોમાં કે રેફ્રીજરેટરોમાં લાશ બનીને પૂર્ણ થાય છે. આવા ગુનાઓ ખૂબ વધી ગયા છે. શું તેની અચાનક વૃદ્ધિ સાથે પોલીસદળની સપ્રમાણ વૃદ્ધિ કરવામાં આવી છે?

વરસો અગાઉ, એક સંસ્થા સાથે મળીને આ લખનારે એક રિપોર્ટ તૈયાર કર્યો હતો. જેમાં અમુક યુવાનો ગ્રામીણ યુવતીઓને પ્રેમમાં ફસાવે. જે પ્રદેશોમાં સ્ત્રીઓ કામ શોધતી હોય, તેઓને મુંબઇમાં કામ અપાવવાનું વચન આપે. જો સ્ત્રી ખૂબસૂરત હોય તો ફિલ્મમાં કામ અપાવવામાં વચનો સાથે મુંબઇ લઇ જાય. ત્યાં કોઠા ચલાવતાં લોકોને એ વેચી નાખીને યુવાનો રફુચક્કર થઇ જાય. થોડો સમય અહીં આશરો લેવાનું બહાનું કહીને એ નરપિશાચ દલાલ એને રૂપબજારમાં છોડીને જતો રહે. મુંબઇ જેવા શહેરમાં પોતે કઇ જગ્યાએ છે તેની સાનભાન એ સ્ત્રી કે બાળાને હોતી નથી એ તો પ્રેમમાં મગ્ન બનીને આવી હોય છે. પ્રેમભંગ થવાનો, સ્વજનોને ગુમાવવાનો રંજ અને તદ્દન નવા સ્થળે દેહ વેચવા માટે પડાતી ફરજ, એમ ત્રણ પ્રકારનાં વિકટ દુ:ખોનો તેઓએ સામનો કરવો પડે છે. આવી હૃદયવિદારક કથાઓ લગભગ તમામ સ્ત્રીઓ સાથે જોડાયેલી હોય છે. આ કૃત્ય અધમાધમ છે તેથી પોલીસે તે માટે ખૂબ સક્રિય બનવું પડે. ભારતમાં આ સમસ્યાઓનો હલ કરવાના કાનૂન તો છે, પણ તેનો અમલ કરાવવા માટે કોઇ ખાસ દળ નથી.

બાળકો, સ્ત્રીઓ અને મજૂરોને ઉઠાવી જઇ, અપહરણ કરીને કે બીજી કોઇ લાલચમાં એમને ન ગમતું કામ એમની પાસે કરાવવું, તે માટે મારઝૂડ કરવી, બાળમજૂરી કરાવવી વગેરે કૃત્યોને ભારતીય બંધારણના આર્ટીકલ ત્રેવીસ અને ચોવીસ તેમ જ ભારતીય ન્યાયસંહિતાની કલમ 143 મુજબ હ્યુમન ટ્રાફિકિંગના ગુનામાં ગણાવવામાં આવ્યા છે અને તેના ગુનેગારને સખ્ત સજા કરવાની ન્યાયસંહિતાની કલમ 144માં જોગવાઈ છે. આવા ગુનાની ગંભીરતા મુજબ ગુનેગારને પાંચ વરસથી માંડીને આજીવન કેદની સજા થઇ શકે છે. આ ઉપરાંત ભારતમાં ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ પણ છે. જેમાં કોમર્સિયલ ઇરાદા સાથે સ્ત્રીઓના જાતીય શોષણને ગંભીર ગુનો ગણાવવામાં આવ્યો છે.

વરસ 2011માં, આ વિષય પરના સંયુકત રાષ્ટ્ર સંઘના, ટ્રાન્સનેશનલ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (યુએનસીટીઓસી) કાનૂન પર પણ ભારતે સહી કરી હતી અને ટ્રાફિકિંગના ગુનાઓ બાબતમાં સંયુકતપણે કાર્યવાહી કરવા માટે બાંગ્લાદેશ,કમ્બોડિયા અને યુનાઈટેડ આરબ અમીરાત, સાથે દ્વિપક્ષીય એમઓયુ પર પણ સહીઓ કરી હતી. પણ આ પ્રયત્નોનો અમલ સંતોષકારક રહ્યો નથી. વરસ 2015માં પ્રજવલા વિ. ભારત સરકારના એક કેસમાં સુપ્રીમ કોર્ટે હુકમ આપ્યો હતો કે ભારતનું ગૃહમંત્રાલય સેકસ ટ્રાફિકિંગને નાથવા માટે એક ખાસ એક અલગ ‘ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ઇન્વેસ્ટિગેટિવ એજન્સી (ઓસીઆઈએ)ની ખાસ રચના કરે.

જે રીતે ઇડી, સીબીઆઈ વગેરે છે તે રીતે સુપ્રીમ કોર્ટે તેની રચના કરવા માટે પહેલી ડિસેમ્બર, 1916ની આખરી તારીખ (ડેડલાઈન) આપી હતી. છતાં આજ સુધી આ પ્રકારની કોઇ એજન્સી રચી શકાઇ નથી. સરકારને કદાચ ડર હશે કે જેમ ઇડી, સીબીઆઈ બાબતમાં વિપક્ષો શોરબકોર કરી મૂકે છે. તેમાં આ એક નવી એજન્સી વિપક્ષોને માટે સરકારની ટીકા કરવાનું એક હથિયાર બની જશે. પણ જયારે સુપ્રીમ કોર્ટના હુકમથી તેનું ગઠન થવાનું છે તેથી સરકારે તેમાં આગળ વધવું જોઇએ. શકય છે કે સરકાર કોઇ અન્ય કારણોથી નિષ્ક્રિયતા ના દાખવતી હોય!

હકીકત એ છે કે આજના સ્માર્ટફોન, સીસીટીવી કેમેરાના યુગમાં પણ આ પ્રકારની ગુનાખોરી વધી ગઈ છે. સુપ્રીમ કોર્ટે નવેમ્બર, 2024માં આવી એજન્સીની રચના નહીં કરવા બદલ કેન્દ્ર સરકારને ઠપકો આપ્યો હતો. કારણ કે પોલીસ દ્વારા બધા ગુનાઓની તપાસ થતી નથી અને જે થાય છે તે પણ નબળી હોય છે. મધ્યપ્રદેશના એક શહેરની પોલીસે એક સ્ત્રીની હત્યા સંબંધમાં જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યો હતો તેનું પરબીડિયું ત્રણ વરસ સુધી ખોલ્યું ન હતું. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત સીજેઆઈ શ્રી ચન્દ્રચૂડે હમણાં જ એક નિવેદન આપ્યું હતું કે અદાલતોને પોલીસ પર ભરોસો નથી. પરંતુ જજ સાહેબોને માટે પોતાનો કાયદો, પોતાની ખાનગી એકસકલુઝિવ વ્યવસ્થા છે. પોલીસ પર ભરોસો પ્રજાને પણ નથી પણ કયાં જાય?

લોકસભામાં પૂછાયેલા એક સવાલના જવાબરૂપે દેશના ગૃહ મંત્રાલય દ્વારા જે આંકડાઓ રજૂ કરાયા તે મુજબ વરસ 2018થી 2022ના સમયગાળામાં જયારે લગભગ દોઢ વરસ કોવિડ સંકટ ચાલ્યું, તે દરમ્યાન પણ હ્યુમન ટ્રાફિકિંગના ગુનાઓ સબબ છવ્વીસ હજાર આઠસો ઓગણપચાસ લોકોની ધરપકડ કરાઈ તેમાંથી માત્ર પાંચ ટકાથી પણ ઓછા ગુનેગારોને સજા થઇ હતી. ચોક્કસ ફીગરમાં કહીએ તો 4.8 ટકા સજાનો આટલો નીચો દર આખી ન્યાયપાલિકા અને પોલીસ સામે પ્રશ્નાર્થ બનીને ઊભો રહે છે.

આ તો બહાર આવેલા કેસ છે. પરંતુ સામાજિક લજ્જા, કસુરવારો દ્વારા ધાકધમકી તેમ જ રૂશ્વત જેવાં પરિબળોને કારણે દબાઈને રહી જતા, અપ્રગટ, કેસોની સંખ્યા ખૂબ મોટી હશે. વરસ 2020માં સંયુકત રાષ્ટ્ર સંઘના એક અહેવાલમાં ભારતની ગુમ થયેલી સ્ત્રીઓ પર પ્રકાશ ફેંકવામાં આવ્યો હતો. દુનિયાભરમાં સવા ચૌદ કરોડ સ્ત્રીઓ ગુમ થઇ છે તેમાં એકલા ભારતની સ્ત્રીઓની સંખ્યા ચાર કરોડ અઠ્ઠાવન લાખની છે. ‘યુએન ગ્લોબલ રિપોર્ટ ઓન ટ્રાફિકિંગ ઇન પરસન્સ શીર્ષક હેઠળના અહેવાલમાં જણાવાયું છે કે દુનિયામાં દક્ષિણ એશિયાના દેશો જેવા કે પાકિસ્તાન, ભારત, નેપાળ, બાંગલા દેશ વગેરેમાં બાળકોની પણ તસ્કરી અથવા ટ્રાફિકિંગ મોટી સંખ્યામાં થાય છે. બીજો ક્રમ સહારાની દક્ષિણે આવેલા આફ્રિકાનો છે.

આ ટ્રાફિક થયેલા લોકો 44 (ચુમાલીસ) ટકા સ્ત્રીઓ હોય છે. જેઓને મુખ્યત્વે જાતીય શોષણ કરવાના ઇરાદાઓ સાથે ફોસલાવીને, ડરાવીને કે બ્લેક મેઇલ કરીને ઉઠાવી જવામાં આવી હોય છે. અમુકને બળજબરીથી મંજૂરીએ લગાવી દેવામાં આવે છે અને અમુકને લગ્ન કરવાની ફરજ પડાય છે તેમ રાષ્ટ્રસંઘનો વરસ 2024નો રિપોર્ટ કહે છે.ભારતના નેશનલ ક્રાઈમ રેકોર્ડસ, બ્યુરોના એક અહેવાલ મુજબ વરસ 2002માં સેકસ ટ્રાફિકિંગના કુલ 2250 (બાવીસસો પચાસ) ગુનાઓ નોંધાયા હતા. 2021માં 2189 (બે હજાર એકસો નેવ્યાસી) ગુના નોંધાયા હતા.

કુલ 6036 જણ ટ્રાફિકિંગનો શિકાર બન્યાં હતાં જેમાં 3158 વયસ્કો અન 2878 બાળકો હતાં. પરંતુ આગળ જણાવ્યું તેમ રિપોર્ટ નહીં થવાને કારણે અનેક કિસ્સાઓ, ઘટનાઓ દબાયેલાં રહી જાય છે. કોવિડ સંકટ વખતે હજારો લોકો માર્યા ગયાં અને અનાથ બનેલાં બાળકો સહિત અનેક લોકોને બીજે ઉઠાવી જવામાં આવ્યાં હતાં. તે અનુસંધાને જે ‘બચપણ બચાવો આંદોલન’ શરૂ કરવામાં આવ્યું હતું તેમાં જ દસ હજારથી વધુ બાળકોને બચાવી લેવામાં આવ્યાં હતાં. 

કોવિડ દરમ્યાન કરોડો લોકો આર્થિક રીતે પણ બેહાલ બની ગયાં હતાં તેથી અનેક લોકોએ જોખમી કામો, શોષણ કરનારી મૂડી લોન વગેરે સ્વીકારવાં પડયાં હતાં અને ક્રૂર અને નિર્દયી લોકોએ તેનો ખૂબ ગેરલાભ ઉઠાવ્યો હતો. અનાથ બની ગયેલાં કિશોર-કિશોરીઓ, તરુણ-તરુણીઓ અને બાળકોનું પણ તેઓએ અનેક રીતે શોષણ કર્યું હતું. તેઓ પાસે આકરી મજૂરી કરાવીને અપૂરતું વેતન અપાતું હતું.ભારત સરકારે દરેક રાજ્યોમાં એન્ટી-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટોની રચના કરવાના હુકમો આપ્યા છે. પરંતુ અમુક રાજયોમાં તેઓનું અસ્તિત્વ માત્ર કાગળ પર જ છે. ટ્રાફિકિંગ અને શોષણને લગતા પોલીસ અને અદાલતી કેસોનો વરસો સુધી નિર્ણય આવતો નથી તેથી ભોગ બનેલાં લોકોને વળતર પણ મળતું નથી. સમાજ અને સરકાર બન્નેએ આ બાબતમાં ખૂબ સંવેદનશીલ બનવાની જરૂર છે. પીડા જાણવી હોય તો એ માતાઓને જઇને પૂછો, જેમનાં બચ્ચાંઓને કોઈ ઉઠાવી ગયું છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top