સિગ્નલ સાથે ચેડાં કરી ટ્રેન રોકી મુસાફરોને બનાવ્યા નિશાન
મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં સહ્યાદ્રિ એક્સપ્રેસમાં મધરાતે ફિલ્મી સ્ટાઈલમાં લૂંટની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અજાણ્યા બદમાશોએ ટ્રેનની સિગ્નલ સિસ્ટમ સાથે ચેડાં કરીને ટ્રેનને અટકાવી દીધી અને ત્યારબાદ મુસાફરો પાસેથી સોના-ચાંદીના દાગીના અને મોબાઈલ ફોન લૂંટી ફરાર થઈ ગયા. આ ઘટનાથી મુસાફરોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે.
મળતી માહિતી અનુસાર, કોલ્હાપુરથી મુંબઈ જતી સહ્યાદ્રિ એક્સપ્રેસ સતારા જિલ્લાના કરાડ તાલુકાના શેનોલી સ્ટેશન નજીક મધરાતના સમયે પહોંચી ત્યારે લૂંટારુઓએ પહેલાથી જ સિગ્નલના વાયર સાથે ચેડાં કરીને સિગ્નલ બંધ કરી દીધો હતો. સિગ્નલ લાલ થતાં ટ્રેનના ડ્રાઇવરે ટ્રેન રોકવી પડી હતી. આ તકનો લાભ લઈ બદમાશોની ટોળકી ટ્રેનમાં ચડી ગઈ અને મુસાફરોને નિશાન બનાવ્યા.
બદમાશોએ ખાસ કરીને એક બોગીને ટાર્ગેટ કરીને મુસાફરો પાસેથી સોનાની ચેઇન, દાગીના તેમજ મોંઘા મોબાઈલ ફોન લૂંટી લીધા હતા. અંધારાનો લાભ લઈને આરોપીઓ થોડા જ સમયમાં ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા. મુસાફરોને કંઈ સમજાય તે પહેલાં જ સમગ્ર ઘટના બની જતા ટ્રેનમાં ભય અને ગભરાટ ફેલાયો હતો.
ઘટનાની જાણ થતાં મિરજ રેલવે પોલીસ તરત જ સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી હતી. આરોપીઓને ઝડપી લેવા માટે ડોગ સ્ક્વોડની મદદ પણ લેવામાં આવી છે અને આસપાસના વિસ્તારોમાં શોધખોળ તેજ કરવામાં આવી છે. પોલીસના પ્રાથમિક અંદાજ મુજબ, આ ઘટના કોઈ સુનિયોજિત ગુનેગાર ટોળકી દ્વારા અંજામ આપવામાં આવી હોવાની શક્યતા છે.
આ ઘટના બાદ મુસાફરોમાં સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે. ખાસ કરીને રાત્રિના સમયે રેલવે માર્ગ પર સુરક્ષા વધારવાની માંગ ઉઠી રહી છે. હાલ પોલીસ દ્વારા આરોપીઓની ઓળખ અને ધરપકડ માટે તીવ્ર તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ ઘટનાના ઘણા કલાકો બાદ પણ આરોપીઓનો કોઈ સૂરાગ મળ્યો નથી.