Gujarat

બીલીમોરાના ચંચલ જવેલર્સમાં ધોળે દિવસે લૂંટનો નિષ્ફળ પ્રયાસ, જ્વેલર્સની બહાદુરીથી બચી દુકાન

બીલીમોરાના ગોહરબાગ નર્સરી રોડ પર આવેલી ચંચલ જ્વેલર્સમાં મંગળવારે બપોરે લૂંટનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. બે બુકાનીધારી લૂંટારાઓ દુકાનમાં ઘૂસી આવ્યા હતા અને બંદૂકની અણીએ માલિકને ધમકાવી સોના-ચાંદીના દાગીના લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ દુકાન માલિક અશોક સોહનલાલ કટારિયાએ હિંમત દાખવી સામો પ્રતિકાર કરતાં લૂંટનો બનાવ નિષ્ફળ રહ્યો હતો. મળતી માહિતી મુજબ, બપોરે પોણા ત્રણ વાગ્યે અશોક કટારિયા પોતાની રિચા કોમ્પ્લેક્સમાં આવેલી દુકાને એકલા હાજર હતા. તે સમયે બે લૂંટારાઓ ગન લઈને અચાનક દુકાનમાં ઘૂસી આવ્યા હતા. પરિસ્થિતિને ભાળી જતા તેમણે દુકાનમાં રાખેલી હોકી વડે લૂંટારાઓનો પ્રતિકાર કર્યો, જેના કારણે લૂંટારાઓ ગભરાઈ ગયા અને લૂંટ કર્યા વગર ભાગવા મજબૂર બન્યા હતા. આ દરમિયાન ભાગતા લૂંટારાઓએ અશોક કટારિયા પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળી તેમની દાઢી પાસેથી ઘસાઈને નીકળી જતા તેઓ લોહીલુહાણ થયા હતા. સદનસીબે ગોળી ગંભીર રીતે લાગી નહોતી, જેથી તેમનો જીવ બચી ગયો હતો. હાલ તેઓ નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ઘટના બાદ લૂંટારાઓ ભૂરા રંગની બલેનો કારમાં ફરાર થઈ ગયા હતા, જેમાં તેમનો ત્રીજો સાથીદાર પહેલેથી જ હાજર હતો. તેઓ ચીખલી તરફ ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે અશોક કટારિયાના પુત્ર ચિંતલ કટારિયાએ બીલીમોરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. સીસીટીવી કેમેરાની મદદથી આરોપીઓને પકડવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. નવસારી, વલસાડ અને સુરત જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલે જણાવ્યું હતું કે આ બનાવ ખરેખર લૂંટ છે કે અન્ય કોઈ કારણ છે તે અંગે પણ તપાસ ચાલી રહી છે. ચીખલી ડીવાયએસપી ભગીરથસિંહ ગોહિલ, બીલીમોરાના પી.આઈ. અશ્વિન સરવૈયા અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસમાં લાગી ગયા છે. આરોપીઓને ઝડપી લેવા માટે લગભગ 15 પોલીસ ટીમો કાર્યરત કરવામાં આવી છે.

Most Popular

To Top