ઉતર પ્રદેશના લખનૌમાં ગુરુવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જનતા દરબારમાં ગાઝિયાબાદના 65 વર્ષીય નિવૃત્ત સૈનિક સતબીર ગુર્જર ઝેર પીધા પછી પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે તેમણે ‘ઝેર પી લીધું છે’ આ વાતની જાણ થતાં જ ત્યાં હાજર લોકો અને અધિકારીઓમાં હડકંપ મચી ગયો હતો. પોલીસકર્મીઓએ તરત જ સતબીરને હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં હાલ તેમની સ્થિતિ પહેલાથી સુધરી છે.
સતબીર ગુર્જરે આ પગલું કેમ ભર્યું તેની પાછળનું કારણ પણ બહાર આવ્યું છે. પોલીસેની પૂછપરછ દરમિયાન તેમણે જણાવ્યું કે તેઓ ગાઝિયાબાદના લોની વિસ્તારમાં રહે છે અને કારગિલ યુદ્ધના યોદ્ધા તથા નિવૃત્ત સૈનિક છે. તેઓ ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરથી નારાજ છે અને તેમના પર ગંભીર આરોપો લગાવી રહ્યા છે.
સૈનિકે પોલીસને આપેલા પત્રમાં લખ્યું છે કે મુખ્યમંત્રી યોગી તેમના ઇષ્ટ દેવ સમાન છે. તેથી તેઓ સુરક્ષા માટે સીધા જ તેમની પાસે પહોંચ્યા હતા. સતબીર ગુર્જરનો આક્ષેપ છે કે ધારાસભ્ય નંદકિશોર ગુર્જરે એપ્રિલમાં એક કાવતરું ઘડીને કળશ યાત્રા કાઢી હતી. તેનું ઉદ્દેશ્ય ભાજપ સરકારને પાડી દેવાનું હતું. જ્યારે સતબીરને આ બાબતની જાણ થઈ ત્યારે તેમણે સોશિયલ મીડિયા પર તેની ખુલાસો કર્યો હતો.
તેમનું કહેવું છે કે ત્યારથી ધારાસભ્ય તેમને અતીક અહેમદ અને મુખ્તાર અહેમદ જેવા ગેંગસ્ટર સમાન ત્રાસ આપી રહ્યા છે. સાથે સાથે તેમણે બીજો આક્ષેપ કર્યો કે નંદકિશોર ગુર્જર લોની વિસ્તારમાં ‘નંદુ ટેક્સ’ નામે દરરોજ કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે. જેમાંથી પૈસાનો એક હિસ્સો ઉપર બેઠેલા તેમના સમર્થકોને પહોંચે છે. આ કારણે તેમની જાનને ગંભીર જોખમ છે અને તેઓ સતત ભયભીત છે.
મુખ્યમંત્રીના જનતા દરબારમાં રજૂ કરેલા તેમના પત્રમાં સતબીરે સ્પષ્ટ લખ્યું છે કે તેમને સુરક્ષાની તાત્કાલિક જરૂર છે.
આ મામલે આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ વિકાસ જયસ્વાલે જણાવ્યું હતું કે સતબીર ગુર્જર સાથે વિગતવાર વાતચીત કરવામાં આવી છે.
ત્યારબાદ સંબંધિત પોલીસ સ્ટેશનને આ સમગ્ર પ્રકરણની માહિતી આપવામાં આવી અને ધારાસભ્ય વિરુદ્ધ લગાવવામાં આવેલા તમામ આક્ષેપો જિલ્લાના એસપીને મોકલવામાં આવ્યા છે. સાથે સાથે એ પણ તપાસ ચાલી રહી છે કે સતબીરે ઝેર પીધું તે પોતાની ઇચ્છાથી કર્યું કે કોઈના દબાણમાં આવીને જો દબાણમાં આવીને આ કૃત્ય કરાવાયું હશે તો દોષીતો સામે કાયદેસર કાર્યવાહી થશે.
આ ઘટનાએ ઉત્તર પ્રદેશની રાજનીતિમાં ચકચાર મચાવી છે.