આજરોજ ગુરુવારે પટનાની પારસ હોસ્પિટલમાં ગુનેગારોએ હોસ્પિટલમાં ઘૂસીને દાખલ એક (આજીવન કેદી) દર્દીને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. મૃતકનું નામ ચંદન મિશ્રા છે, જે હાલ બેઉર જેલમાંથી પેરોલ પર સારવાર માટે બહાર આવ્યો હતો. આ દરમિયાન 4 ગુનેગારોએ હોસ્પિટલમાં ઘૂસીને તેના પર ગોળીબાર કર્યો હતો. ઘટનાને પગલે સમગ્ર હોસ્પિટલ અને આસપાસના વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી.
હોસ્પિટલ શાસ્ત્રીનગર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ છે. ઘટનાની જાણ મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. મૃતક ચંદન મિશ્રા બક્સરનો રહેવાસી હતો અને 2011માં થયેલી બકસરના ચૂનાના વેપારી રાજેન્દ્ર કેસરીની હત્યા કેસમાં દોષિત ઠેરવાઈ ચૂક્યો હતો.

જેલમાં આજીવન કેદ ભોગવી રહ્યો હતો:
મૃતક ચંદન મિશ્રા 2011ની ખંડણી કેસમાં આરોપી બન્યો હતો. આરોપ મુજબ, રાજેન્દ્ર કેસરીએ ખંડણી ન ચુકવતા તેમને ધોળા દિવસે ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. આ કેસમાં વર્ષ 2020માં પટણા હાઈકોર્ટે ચંદન મિશ્રા અને સહઆરોપી શેરુ સિંહને IPC કલમ 302 હેઠળ આજીવન કેદની સજા ફટકારી હતી. ચંદન મિશ્રા છેલ્લા 12 વર્ષથી જેલમાં સજા ભોગવી રહ્યો હતો અને હાલમાં પેરોલ પર બહાર આવ્યો હતો.
18 જુલાઈએ પેરોલ પૂરો થવાનો હતો:
ચંદન મિશ્રાને 15 દિવસ માટે પેરોલ પર છોડવામાં આવ્યો હતો અને તા.18 જુલાઈએ તેને ફરી જેલમાં પાછા ફરવાનું હતું. આ દરમિયાન તેઓ તબિયત ખરાબ થવાના કારણે પટનાની પારસ હોસ્પિટલમાં દાખલ થયા હતા. ત્યાં જ આજરોજ ગુરુવારે તેની ચકચારભરી હત્યા થઇ.
રાજકીય પ્રતિસાદ પણ આવ્યો:
પટનાની પારસ હોસ્પિટલમાં થયેલા ગોળીબાર અંગે ભાજપના પ્રવક્તા કુંતલ કૃષ્ણાએ કહ્યું, ‘ચંદન પર ગુનાહિત ઘટનાઓમાં સામેલ હોવાનો આરોપ છે. તે આજીવન કેદની સજા કાપી રહ્યો હતો અને 12 વર્ષથી જેલમાં હતો.
ગુનેગારો સાથે હંમેશા ખરાબ ઘટનાઓ બને છે, પછી ભલે તેઓ જેલમાં મૃત્યુ પામે કે ગોળી વાગવાથી. આ ઘટના પર પોલીસ તાત્કાલિક કામ કરી રહી છે. ગુનેગારોને ટૂંક સમયમાં ઓળખી કાઢવામાં આવશે.’
હવે પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઓળખવાનો પ્રયાસ કરી રહી છે અને, તેમજ સુરક્ષા વ્યવસ્થાઓ પર પણ પ્રશ્નો ઉઠવા લાગ્યા છે.