સુરત: સુરત પોલીસ (Surat Police) ભક્ષક નહિ પણ રક્ષક હોવાનું ફરી એકવાર પુરવાર થયું છે. સુરતની ચાલુ કોર્ટમાં (Court) એક યુવતી અચાનક જમીન પર ઢળી પડ્યા બાદ શરીર ઠંડુ થઈ ગયુ હતું. જેના પરીણામે રાંદેરના PSI પરમાર યુવતીને ખભે ઉપાડી ત્રીજા માળેથી દાદર ઉતરી 125 મીટર સુધી કોર્ટના મેઈન ગેટ સુધી દોડ્યા હોવાનું સામે આવ્યું છે.
સુરત પોલીસની માનવતાનો વિડીયો સામે આવ્યા બાદ લોકો હૃદયથી PSI પરમારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી નમન કરી રહ્યા છે. કોર્ટમાં આખો કિસ્સો નજરે જોનાર લોકોએ કહ્યું હતું કે, આટલી ગરમીમાં લગભગ 50 કિલોનું વજન ધરાવતી યુવતીને ખભે ઉપાડીને દોડવું એ ખાવા ના ખેલ નથી, PSI નું ગળું સુકાઈ ગયું હતું. પાણીનો ઘુંટડો પણ ઉતરતો ન હતો. આવું કાર્ય માત્ર સુરત પોલીસ જ કરી શકે છે.
BS પરમાર (PSI રાંદેર)એ જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનમાં બે PSI પરમાર છે મને ભૂલમાં બોલાવવામાં આવ્યો હતો. હું કોર્ટમાં જતાની સાથે જ મારી નજર સામે એક યુવતી ત્રીજા માળે જમીન પર લથડી પડી હતી. મહિલા કોન્સ્ટેબલે ચેક કરતા એનું શરીર ઠંડુ પડી રહ્યું હતું. ત્યારબાદ હું તાત્કાલિક યુવતીને ખભે ઉપાડી લઈ ત્રીજા માળેથી દાદર વડે નીચે લઈ આવ્યો હતો.
દરમિયાન કોન્સ્ટેબલે 108ને ફોન કરી દીધો હતો. ગ્રાઉન્ડ ફ્લોર પર આવ્યા બાદ યુવતીની તબિયત વધુ બગડી હતી. જેથી ફરી ખભે ઉપાડી મેઈન ગેટ સુધી એટલે કે 125 મીટર દોડીને મેઈન ગેટ પર પહોંચ્યો હતો. જ્યાં સેકન્ડમાં જ 108 એમ્બ્યુલન્સ આવી ગઈ હતી. બસ યુવતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ રવાના કરાઇ હતી.