અમદાવાદ : આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, છતાં પણ ખુલ્લેઆમ દારૂ મળે છે. તેવામાં ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલના ધાબા પરથી 10 જેટલી, જ્યારે હોસ્ટેલ કેમ્પસમાંથી 100 થી વધુ દારૂની ખાલી બોટલો મળતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલના ડી બ્લોકના ધાબા ઉપર 10 જેટલી વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવી હતી. જ્યારે હોસ્ટેલ બિલ્ડીંગની આસપાસમાંથી 100થી વધુ દારૂની ખાલી બોટલો મળી આવી હતી.
આ રીતે શિક્ષણના ધામમાં નશાનો કારોબાર ચાલતો હોવાનો જણાય છે. ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં 24 કલાક ચુસ્ત સિક્યુરિટી હોવા છતાં પણ દારૂ કેવી રીતે યુનિવર્સિટી કેમ્પસમાં હોસ્ટેલ સુધી પહોંચે છે, તે હજુ સુધી જાણી શકાયું નથી. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, અગાઉ શિક્ષણ મંત્રીએ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી ત્યારે સફાઈ ઝુંબેશમાં ખુદ શિક્ષણ મંત્રીને પણ દારૂની ખાલી બોટલ હાથ લાગી હતી. આ ઘટના બની હોવા છતાં, યુનિવર્સિટીમાં ખુલ્લેઆમ દારૂ આવી રહ્યો છે. તંત્ર દ્વારા કોઇ જ પગલાં ભરવામાં નથી.