સુરતથી મતદારોને મફત ટ્રેન યાત્રા!
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય ગરમાવો વધ્યો છે, ભાજપે એક નવી અને ચર્ચાસ્પદ રણનીતિ તૈયાર કરી છે. મમતા બેનર્જીના મજબૂત ગઢમાં પોતાની પકડ મજબૂત બનાવવા માટે ભાજપ હવે ગુજરાતના સુરત શહેર માંથી મોટું પગલું ભરતી નજરે પડે છે. સુરતમાં વસતા બંગાળી શ્રમિકોને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા ચાર વિશેષ ટ્રેનો દોડાવવાની યોજના બનાવાઈ છે. આ ટ્રેનો મારફતે આશરે 5000 જેટલા મતદારોને સંપૂર્ણ મફતમાં કોલકાતા પહોંચાડવામાં આવશે. સુરતના હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા બંગાળી કામદારોને આ યોજનાનો મુખ્ય ભાગ બનાવવામાં આવ્યા છે.
સુરતમાં અંદાજે લાખો બંગાળી પરિવારો વસે છે, જેમાંથી મોટા ભાગના મતદારો ચૂંટણી દરમિયાન પોતાના વતનમાં જઈ શકતા નથી. મોંઘી મુસાફરીને કારણે તેઓ મતદાનથી વંચિત રહે છે. ભાજપ આ જ પરિસ્થિતિને તક તરીકે જોઈ રહી છે અને મતદારોને વતનમાં પહોંચાડીને સીધી રાજકીય અસર ઊભી કરવાનો પ્રયાસ કરી રહી છે. આ સમગ્ર આયોજનમાં મુસાફરીનો ખર્ચ ભાજપ કાર્યાલય તથા સુરતના બંગાળી સમાજ દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે.
ગરીબ અને મધ્યમ વર્ગ માટે આ યોજના મોટી રાહત સાબિત થઈ શકે છે.જો કે, નોંધણી પ્રક્રિયા દરમિયાન કડક ચકાસણી કરવામાં આવી હતી, જેમાં લગભગ 1200થી વધુ ફોર્મ રદ કરવામાં આવ્યા હતા. ભાજપનો દાવો છે કે આ માત્ર 5000 મતદારો નહીં, પરંતુ તેમના માધ્યમથી લાખો મતદારો સુધી પહોંચવાનો રસ્તો બની શકે છે. હાલમાં આ યોજનાને સફળ બનાવવા માટે કાર્યકરો સતત મેદાનમાં સક્રિય છે અને ચૂંટણી પહેલા આ પ્રયાસો કેટલા અસરકારક સાબિત થશે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.