વર્તમાન સમયમાં ટેકનોલોજીના ક્ષેત્રે ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ (AI) એક એવું પરિબળ બની ગયું છે જે જેટલું આશાસ્પદ છે, એટલું જ ભયજનક પણ લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી વૈશ્વિક સ્તરે અને ખાસ કરીને ભારત જેવી આઈટી હબ ગણાતી અર્થવ્યવસ્થાઓમાં ટેક કર્મચારીઓની છટણીના સમાચારો હેડલાઇન્સ બની રહ્યા છે. આ પરિસ્થિતિ પાછળનું મુખ્ય કારણ ‘AI’ હોવાનું માનવામાં આવે છે. પ્રશ્ન એ થાય છે કે, શું ખરેખર AI માણસની જગ્યા લઈ લેશે? હાલમાં જ્યારે ઓરેકલ કંપનીએ ૩૦૦૦૦ જેટલા કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત કરી તેના પછી ખાસ કરીને ટેક કંપનીઓના કર્મચારીઓની ચિંતાઓ વધી છે.
AI માત્ર એક સાધન નથી, પણ એક એવી ક્ષમતા છે જે માણસની જેમ શીખી શકે છે અને જટિલ કાર્યો સેકન્ડોમાં પૂર્ણ કરી શકે છે. પ્રોગ્રામિંગ, ડેટા એનાલિસિસ, સોફ્ટવેર ટેસ્ટિંગ અને કન્ટેન્ટ રાઈટિંગ જેવા કાર્યો, જે અગાઉ હજારો કર્મચારીઓ દ્વારા કરવામાં આવતા હતા, તે હવે AI ટૂલ્સ વધુ સચોટતાથી અને ઓછા ખર્ચે કરી રહ્યા છે. ટેક કંપનીઓ પોતાનો ખર્ચ ઘટાડવા અને નફો વધારવા માટે માનવબળને બદલે આધુનિક ટેકનોલોજી પર વધુ નિર્ભર બની રહી છે. પરિણામે, મધ્યમ અને નીચલા સ્તરના એન્જિનિયરો અને કર્મચારીઓ પર નોકરી ગુમાવવાનું જોખમ તોળાઈ રહ્યું છે.
છેલ્લા કેટલાક સમયમાં અનેક કંપનીઓએ છટણીઓની જાહેરાત કરી છે, જેમાં ઘણી કંપનીઓએ AIનુ નામ લીધું નથી, પણ હાલના એક સર્વેક્ષણ પ્રમાણે ૨૦૨૬મા એઆઇ પ્રેરિત અનેક છટણીઓ થઇ શકે છે. જોકે, સિક્કાની બીજી બાજુ એ પણ છે કે ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ નવી ટેકનોલોજી આવી છે, ત્યારે જૂની નોકરીઓ ગઈ છે અને નવી તકો ઊભી થઈ છે. જ્યારે કોમ્પ્યુટર આવ્યા ત્યારે પણ આવો જ ડર હતો, પરંતુ કોમ્પ્યુટરે લાખો નવી નોકરીઓનું સર્જન કર્યું. AIના કિસ્સામાં પણ એવું જ કહી શકાય. જે કાર્યો પુનરાવર્તિત (Repetitive) છે, તે ચોક્કસપણે મશીનો પાસે જશે. પરંતુ સર્જનાત્મકતા, ભાવનાત્મક બુદ્ધિ (Emotional Intelligence) અને જટિલ નિર્ણય લેવાની ક્ષમતા હજુ પણ માણસ પાસે જ શ્રેષ્ઠ છે.
કર્મચારીઓએ હવે માત્ર ડિગ્રીના ભરોસે રહેવાને બદલે ‘અપસ્કિલિંગ’ પર ધ્યાન આપવું પડશે. AI ને દુશ્મન માનવાને બદલે તેને એક સહાયક તરીકે સ્વીકારીને તેની સાથે કામ કરતા શીખવું પડશે. જે કર્મચારીઓ AI ટૂલ્સનો ઉપયોગ કરીને પોતાની કાર્યક્ષમતા વધારશે, તેમની માંગ બજારમાં ક્યારેય ઘટશે નહીં. AI ટેક જગત માટે જોખમ ઓછું અને પડકાર વધુ છે. ટેક કંપનીઓએ પણ માત્ર નફા પાછળ દોડવાને બદલે નૈતિક જવાબદારી સમજીને પોતાના કર્મચારીઓને નવી ટેકનોલોજી શીખવવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. જો પરિવર્તન સાથે તાલ મિલાવવામાં આવશે, તો આ ક્રાંતિ છટણીનું કારણ નહીં, પણ પ્રગતિનું સોપાન સાબિત થશે. જે ગતિએ દુનિયા બદલાઈ રહી છે, તેમાં ‘સતત શીખતા રહેવું’ એ જ રોજગાર સુરક્ષાની એકમાત્ર ચાવી છે.