જશની આગળ GSRTCની વોલ્વો બસ જઈ રહી હતી. બસને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વેળાએ સામેથી એક બાઇક આવતાં જશે અચાનક બ્રેક માર્યા. એ જ ક્ષણે મોપેડ સ્લીપ થઈ ગયું અને સંતુલન ગુમાવતા જશ સીધો ચાલતી બસના પાછળના ટાયર નીચે આવી ગયો. નજીકમાં લાગેલા CCTV કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઈ છે, જે જોઈને કોઈનું પણ દિલ દ્રવી ઊઠે.અકસ્માત બાદ સ્થાનિક લોકો તરત દોડી આવ્યા અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી. લોહીલુહાણ હાલતમાં જશને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ ફરજ પરના તબીબોએ હોસ્પિટલ પહોંચતા જ તેને મૃત જાહેર કર્યો. એક ક્ષણમાં પરિવારના સપનાઓ ચકનાચૂર થઈ ગયા.

જશ તેના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. પિતા ગીરીશભાઈ બુંદેલા સિક્યુરિટી સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે. દીકરાના અકાળ અવસાનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. જહાંગીરાબાદ વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે, જ્યારે કોલેજના મિત્રો અને સ્ટાફમાં પણ ભારે શોકની લાગણી જોવા મળી રહી છે.ઘટનાની જાણ થતાં મહીધરપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. CCTV ફૂટેજના આધારે અકસ્માતના કારણો તપાસાઈ રહ્યા છે અને બસચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની પ્રક્રિયા ચાલી રહી છે.આ ઘટના ફરી એકવાર સંદેશ આપે છે કે રસ્તા પરની થોડી બેદરકારી પણ જીવન અને પરિવાર બંનેને અંધકારમાં ધકેલી શકે છે.
