Pakistan Super League (PSL) 2026ની શરૂઆત જ વિવાદો સાથે થઈ છે. લાહોરના Gaddafi Stadium ખાતે રમાયેલી પ્રથમ મેચ દરમિયાન એક અનોખી ઘટના સામે આવી, મેચ દરમિયાન સફેદ બોલ અચાનક પિંક થઈ ગયો, જેના કારણે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાઈ છે.
આ મુકાબલામાં Lahore Qalandarsએ Hyderabad Kingsmenને 69 રનથી હરાવ્યું. Shaheen Afridiની આગેવાનીમાં લાહોરે પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં 199/6નો મજબૂત સ્કોર ઉભો કર્યો હતો. જેમાં Fakhar Zamanએ 53 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી. જવાબમાં હૈદરાબાદ ટીમ માત્ર 130 રન સુધી સીમિત રહી ગઈ. ફખર ઝમાનને ‘મેન ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યા. પરંતુ મેચનું મુખ્ય આકર્ષણ બન્યું બોલનું રંગ બદલાવું. રમતમાં ખેલાડીઓ વારંવાર બોલને પોતાની પેન્ટ અથવા ગ્રાઉન્ડ પર ઘસતા હતા, જેના કારણે બોલ પર પિંક રંગ ચડી ગયો હોવાનું માનવામાં આવે છે. કેટલાક લોકોએ આ માટે નીચી ગુણવત્તાવાળી જર્સીને જવાબદાર ઠેરવી છે, જ્યારે કેટલાકે ડ્યૂ (ભેજ)ને કારણ ગણાવ્યું છે. અંતે 15મી ઓવર બાદ બોલ બદલવો પડ્યો હતો.
આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર PSLને ભારે ટ્રોલ કરવામાં આવી રહી છે. ઘણા યુઝર્સે લીગની ગુણવત્તા પર સવાલો ઉઠાવ્યા છે અને તેને “ઇન્ટરનેશનલ લીગ કે ગલી ક્રિકેટ?” તરીકે ટિપ્પણી કરી છે. બીજી તરફ, સમગ્ર ટૂર્નામેન્ટ પર પણ સંકટની અસર જોવા મળી રહી છે. પશ્ચિમ એશિયાના તણાવને કારણે PSL 2026ના તમામ મેચ દર્શકો વગર રમાઈ રહ્યા છે.
Pakistan Cricket Boardના ચેરમેન Mohsin Naqviએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન Shehbaz Sharifએ ઈંધણ સંકટને ધ્યાનમાં રાખીને લોકોને ઓછું મુસાફરી કરવાની અપીલ કરી છે. ઉપરાંત, ટૂર્નામેન્ટને 6 સ્થળોની જગ્યાએ ફક્ત 2 શહેર લાહોર અને કરાચીમાં મર્યાદિત કરવામાં આવ્યા છે અને ઓપનિંગ સેરેમની પણ રદ કરવામાં આવી છે. આ રીતે PSL 2026ની શરૂઆત ક્રિકેટ કરતાં વધુ વિવાદોથી ભરપૂર રહી છે.