ક્વોરન્ટાઈન બાદ મળશે રૂબરૂ દર્શન
સુરતના સરથાણા નેચર પાર્કમાં આજે એક ખાસ આકર્ષણ ઉમેરાયું છે. ઓરિસ્સાના ભુવનેશ્વર સ્થિત નંદનકાનન ઝૂઓલોજિકલ ગાર્ડનમાંથી લાવવામાં આવેલી વાઘ અને વાઘણની જોડી સુરતમાં પહોંચી ગઈ છે. ‘અભય’ નામનો વાઘ અને ‘શ્રી’ નામની વાઘણ હાલ નેચર પાર્કમાં રાખવામાં આવ્યા છે અહી નું વાતાવરણ સેટ થયા બાદ તેમને ડિસ્પ્લે માટે મુકવામાં આવશે. જોકે, સુરતીઓએ આ શાનદાર જોડીને નિહાળવા માટે થોડી રાહ જોવી પડશે.

વાઘણ
ઓરિસ્સાથી સુરત સુધી ૪૮ કલાકની યાત્રા
સુરત મહાનગરપાલિકા સંચાલિત ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ઝૂલોજીકલ ગાર્ડન, સરથાણા નેચર પાર્કમાં એનિમલ એક્સચેન્જ સ્કીમ અંતર્ગત આ વાઘ–વાઘણની જોડી લાવવામાં આવી છે. સતત ૪૮ કલાકની લાંબી મુસાફરી કરીને, અંદાજે ૧૬૭૫ કિલોમીટરનું અંતર કાપીને આ પ્રાણીઓ સુરત પહોંચ્યા છે. લાંબી મુસાફરી અને નવા શહેરના વાતાવરણને ધ્યાનમાં રાખીને પ્રાણીઓ માટે ક્વોરન્ટાઈન પિરિયડ રાખવામાં આવ્યો છે.
આ અંગે નેચર પાર્કના અધિકારી હિના પટેલે જણાવ્યું હતું કે, ક્વોરન્ટાઈન પિરિયડનો હેતુ પ્રાણીઓને નવા વાતાવરણ સાથે અનુકૂળ થવામાં મદદ કરવાનો છે. ભુવનેશ્વર અને સુરતના હવામાનમાં રહેલા ફરકને કારણે વાઘ અને વાઘણને સમય આપવો જરૂરી હોય છે, જેથી તેઓ આરામથી એડજસ્ટ થઈ શકે. આ ક્વોરન્ટાઈન પિરિયડ પૂર્ણ થયા બાદ જ પ્રાણી સંગ્રહાલયના મુલાકાતીઓ તેમને નજીકથી નિહાળી શકશે.
સરથાણા નેચર પાર્કનું મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનું અને લુપ્ત થતી પ્રજાતિઓ વિશે જાણકારી આપવાનું છે. વાઘ જેવી દુર્લભ અને શક્તિશાળી પ્રજાતિને નજીકથી જોવા મળે તે માટે સુરતીઓમાં પહેલેથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.આ વાઘની જોડીના બદલામાં સુરત મહાનગરપાલિકાએ નંદનકાનન ઝૂને ત્રણ મેલ અને બે ફીમેલ જળ બિલાડી, એક જોડી સિલ્વર તેતર તેમજ બે મેલ વુલ્ફ આપી, બદલામાં બે ફીમેલ વુલ્ફ ને સુરત લાવવામાં આવ્યા છે. આ એનિમલ એક્સચેન્જથી બંને ઝૂને ફાયદો થશે, અને જૈવ વૈવિધ્યમાં વધારો થશે.ક્વોરન્ટાઈન પિરિયડ પૂર્ણ થતાં જ સરથાણા નેચર પાર્ક ફરી એકવાર સુરતીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે, જ્યાં વાઘ–વાઘણની આ ભવ્ય જોડીને નિહાળવાની સૌને આતુરતા છે.