સુરત શહેરમાં આર્થિક સંકટ અને પરિવારની પરિસ્થિતિ એક મહિલાને ખોટા રસ્તે દોરી ગઈ હોવાની ઘટના સામે આવી છે. ચોકબજાર પોલીસે 31 વર્ષીય મહિલાને આશરે 8.432 કિલો ગાંજા સાથે ઝડપી પાડી છે, જેની કિંમત અંદાજે ₹4.25 લાખ થાય છે. પોલીસે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરતાં આ નશીલા પદાર્થનો જથ્થો તેના રહેણાંક સ્થળેથી જપ્ત કર્યો હતો.
પોલીસ ની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મહિલાના પતિનું થોડા સમય પહેલા અવસાન થયું હતું અને તેની દીકરી પણ ગંભીર રીતે બીમાર છે. આ કારણે આખા પરિવારની જવાબદારી તેના ખભા પર આવી પડી હતી. જીવન નિર્વાહ માટે તે સિલાઈ કામ કરતી હતી, પરંતુ વધતા ખર્ચ અને દેવાના કારણે આવક પૂરતી નહોતી. આ પરિસ્થિતિમાં તેણે ઝડપી કમાણી માટે ગેરકાયદેસર માર્ગ અપનાવ્યો.
પોલીસ તપાસ મુજબ, મહિલા ઓડિશાના ભરમપુરથી ગાંજો લાવી હતી. તેને આ જથ્થો ‘બલ્લુ માલિયા’ નામના વ્યક્તિ દ્વારા મળ્યો હતો. સુરતમાં આવીને તે ગાંજાને ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં વેચવાનો ઇરાદો રાખતી હતી, જેથી શંકા ઓછું થાય અને નફો વધારે મળે.
ચોકબજાર પોલીસ છેલ્લા કેટલાક સમયથી તેની હરકતો પર નજર રાખી રહી હતી. ખાસ કરીને ઓડિશાની તેની તાજેતરની મુસાફરી બાદ શંકા વધુ ગાઢ બની હતી. ત્યારબાદ મહિલા પોલીસની હાજરીમાં દરોડો પાડતા આખો કૌભાંડ બહાર આવ્યું.
હાલ પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. સાથે જ આ રેકેટમાં સંકળાયેલા અન્ય લોકોની શોધખોળ ચાલુ છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.