Editorial

રાંધણગેસ કટોકટીનો બોધપાઠ: ઉર્જાના વધુને વધુ વૈકલ્પિક સ્ત્રોતો વિકસાવવાની જરૂર છે

જ્યારથી ઇરાન-અમેરિકા યુદ્ધ શરૂ થયું છે ત્યારથી દુનિયાભરમાં ઇંધણની કટોકટી ઉભી થઇ છે. તેમાં પણ વિશાળ વસ્તી ધરાવતા અને ઓછા ઉર્જા  સ્ત્રોતો ધરાવતા ભારતમાં ખાસ કરીને રાંધણગેસ સહિતના વિવિધ પ્રકારના નેચરલ ગેસની મોટી કટોકટી ઉભી થઇ છે. એલપીજી પુરવઠામાં  ખેંચતાણને કારણે હોટલો, વ્યવસાયો અને ઘરગથ્થુ ગ્રાહકો લાંબા પ્રતીક્ષા સમય અને ગભરાટમાં કરવામાં આવતા બુકિંગથી પ્રભાવિત થયા છે. આ  સ્થિતિને પહોંચી વળવા કેન્દ્ર સરકારે અનેક પગલા ભર્યા છે પણ તે ટાંચા પડી રહ્યા છે. રાજ્યોને પાઈપ્ડ ગેસ પ્રોજેક્ટ્સ માટેની મંજૂરીઓ ઝડપી  બનાવવા જણાવ્યું છે, જેથી તેનો વ્યાપ વધારી શકાય અને રાંધણ ગેસના સિલિન્ડરોની ઉપલબ્ધતા પરનું દબાણ ઓછું કરી શકાય. જો કે ફક્ત  સિલિન્ડરોની તંગીનો પ્રશ્ન નથી. ગેસની પણ તંગી છે અને તેવા સંજોગોમાં કટોકટી વધુ વકરે તો પીએનજીનું પણ રેશનિંગ કરવું પડી શકે છે.

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના કારણે ભારતની જરૂરિયાતના લગભગ 60 ટકા એલપીજી પુરવઠાનો માર્ગ અવરોધાયો છે. આ યુદ્ધનો કોઈ  અંત દેખાતો ન હોવાથી સરકાર હવે ઇન્ડક્શન કૂકર જેવા વૈકલ્પિક રાંધણ માધ્યમોના ઉપયોગ પર ભાર મૂકી રહી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ  મંત્રાલયના સંયુક્ત સચિવે હાલમાં મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, સ્થિતિ ચિંતાજનક છે, પરંતુ અમે ઘરગથ્થુ ગ્રાહકોને અગાઉની જેમ જ પુરવઠો  પૂરો પાડી રહ્યા છીએ.

રિફાઇનરીઓને સ્થાનિક ઉત્પાદન વધારવા માટે કહેવામાં આવ્યું હતું, જેને ત્યારબાદ ઘરગથ્થુ રસોડા માટે અગ્રતા  આપવામાં આવી હતી. હોટલ અને રેસ્ટોરાં જેવા વ્યાપારી એકમો માટે એલપીજીનો વપરાશ શરૂઆતમાં ઘટાડવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં  તેને તેમના સામાન્ય વપરાશના પાંચમા ભાગ (20%) સુધી પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, આપણે વિકલ્પો તરફ જોવું પડશે. આંકડા આપતા તેમણે જણાવ્યું કે રિફિલ એલપીજી સિલિન્ડર માટે પેનિક બુકિંગ 13 માર્ચે 87.7 લાખની ટોચે પહોંચ્યું હતું, જે સોમવારે ઘટીને  લગભગ 70 લાખ થયું છે. યુદ્ધ પહેલાના દિવસોમાં આ આંકડો લગભગ 55 લાખ બુકિંગનો હતો. ગભરાટને કારણે લોકો કેવી રીતે વધારે પડતી  ખરીદી કરી રહ્યા છે તેનું આ ઉદાહરણ છે.

એલપીજી પરનું દબાણ ઘટાડવા માટે સરકાર વ્યાપારી અને ઘરગથ્થુ વપરાશકર્તાઓને પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) પર સ્વિચ કરવા પ્રોત્સાહિત  કરી રહી છે. સિટી ગેસ કંપનીઓ આ માટે પ્રોત્સાહનો અને ઝડપી જોડાણો આપી રહી છે. કેન્દ્ર સરકારે 16 માર્ચે તમામ રાજ્ય સરકારોને પત્ર લખીને સિટી ગેસ પ્રોજેક્ટ્સ માટેની મંજૂરીઓ ઝડપી બનાવવા જણાવ્યું છે. રાજ્યોને મોટી સિટી  ગેસ પાઈપલાઈન માટે પેન્ડિંગ અરજીઓને  આપવા, નવા પ્રોજેક્ટ્સને 24 કલાકમાં મંજૂરી આપવા, રોડ  રિસ્ટોરેશન ચાર્જ માફ કરવા અને કામના સમયપત્રકમાં છૂટછાટ આપવા જણાવાયું છે.

તેમણે કહ્યું, સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે, પરંતુ કોઈ પણ એલપીજી ડિસ્ટ્રિબ્યુટર પાસે સ્ટોક ખાલી થયો નથી. હોર્મુઝની સામુદ્રધુની — જે આયાત માટેનો મુખ્ય માર્ગ છે — ત્યાં અમેરિકા અને ઈઝરાયેલના ઈરાન પરના હુમલા અને ઈરાનના વળતા પ્રહાર  બાદ વિક્ષેપ સર્જાતા ભારતનો એલપીજી પુરવઠો દબાણ હેઠળ આવ્યો છે. સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત જેવા મુખ્ય સપ્લાયરો  પાસેથી આવતા શિપમેન્ટ પ્રભાવિત થતાં, ભારતે પુરવઠાનું રેશનિંગ શરૂ કર્યું છે. આ વિક્ષેપની અસર અનેક ક્ષેત્રોમાં જોવા મળી રહી છે.

રેસ્ટોરાંએ તેમના મેનૂમાંથી ધીમી આંચ પર રાંધતી વાનગીઓ દૂર કરવાનું શરૂ કર્યું છે  કારણ કે તેમાં વધુ ગેસ વપરાય છે. ઈંટ-ટાઈલ્સ, સિરામિક અને ગ્લાસ ઉદ્યોગો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હોસ્પિટલના રસોડા,  સ્મશાનગૃહો અને લોન્ડ્રી જેવી આવશ્યક સેવાઓને પણ મુશ્કેલી પડી રહી છે. સચિવે જણાવ્યું કે ઇંધણનો પુરવઠો સ્થિર છે કારણ કે તમામ રિફાઇનરીઓ ઉચ્ચ ક્ષમતા પર કામ કરી રહી છે. બિહાર, દિલ્હી, હરિયાણા,  રાજસ્થાન, ગુજરાત સહિતના રાજ્યોએ એલપીજી વિતરણની માર્ગદર્શિકા જારી કરી દીધી છે. ઉપરાંત, રાજ્યોને 48,000 કિલોલિટર વધારાનો  કેરોસીનનો જથ્થો પણ ફાળવવામાં આવ્યો છે.

નાગરિકોને ગભરાટમાં ખરીદી ન કરવા સલાહ  આપવામાં આવી છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં અવરોધને કારણે ગેસ સપ્લાયમાં 30 ટકાની અસર થઈ હોવા છતાં, PNG અને CNG જેવી  અગ્રતા ધરાવતી શ્રેણીઓ સુરક્ષિત રાખવામાં આવી છે. આ ઘટનાક્રમનો બોધપાઠ એ જ છે કે ઉર્જાના થોડાક જ સ્ત્રોતો પર નિર્ભર રહેવાને બદલે હવે વૈકલ્પિક સ્ત્રોતો વિકસાવવા પર પણ વધુને વધુ ધ્યાન આપવાની જરૂર છે.  બાયોગેસ જેવા વિકલ્પોને સ્થાનિક સ્તરે વધુ વિકસાવવાની અને છાણા જેવા વિકલ્પોને પણ પ્રોત્સાહન આપવાની જરૂર છે.

Most Popular

To Top