Editorial

અખાતી પ્રદેશમાંની વહાણવટા કટોકટીને હાથ ધરવાની ભગીરથ કામગીરી

ઇરાન પર અમેરિકા અને ઇઝરાયેલે હુમલો કરતા યુદ્ધ ફાટી નિકળ્યું તેના થોડા જ દિવસોમાં લગભગ આખા વિશ્વને અસર કરતી કટોકટી ઇરાનના હોર્મુઝના સાંકડા અખાત વિસ્તારમાં શરૂ થઇ અને તેના કારણે અનેક દેશોના જહાજો મુશ્કેલીમાં મૂકાઇ ગયા. આ હોર્મુઝની સામુદ્રધૂનિના માર્ગ વિશ્વના કુલ તેલ પુરવઠાના ૨૦ ટકા જેટલો પુરવઠો પસાર થાય છે અને ઇરાને આનો ભરપૂર ઉપયોગ પોતાના લાભમાં કરવા માંડ્યો. અનેક જહાજો પર હુમલા થયા અને ધમકીભર્યા માહોલમાં ત્યાંથી પસાર થવાનું મુશ્કેલ થઇ ગયું.  વિદેશી જહાજોમાં કામ કરતા ભારતીય કેટલાક ભારતીય કર્મચારીઓના મોત પણ થયા. આના પછી જો કે ભારતે મુત્સદ્દીગીરીનો ઉપયોગ કર્યો અને આપણા વિદેશમંત્રીએ ઇરાની સમકક્ષ સાથે વાત કરી અને ચીનની જેમ જ ભારતીય જહાજો માટે પણ ઇરાને માર્ગ મોકળો કરી દીધો.

હાલ છેલ્લા અહેવાલો મુજબ સંયુક્ત આરબ અમીરાત (UAE)ના ફુજૈરાહ ઓઈલ ટર્મિનલ પર હુમલો થયો હોવા છતાં, તેલ ભર્યા બાદ ભારતીય ધ્વજ ધરાવતું એક ક્રૂડ ટેન્કર  ત્યાંથી સુરક્ષિત રીતે રવાના થયું છે. લગભગ 80,800 ટન મુરબન ક્રૂડ ઓઈલ લઈને જતું જહાજ, ‘જગ લાડકી’, ભારતીય સમય અનુસાર રવિવારે સવારે 10:30 વાગ્યે ફુજૈરાહથી રવાના થયું  છે અને તે ભારત આવી રહ્યું છે. સરકાર દ્વારા તૈયારીના પગલાં અંગે જાહેર કરવામાં આવેલા અપડેટ મુજબ, જહાજના તમામ ક્રૂ સભ્યો સુરક્ષિત છે. 

યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી હેમખેમ બહાર આવનારું ‘જગ લાડકી’ ચોથું ભારતીય ધ્વજ ધરાવતું જહાજ છે. આ સુરક્ષિત માર્ગ ભારતીય મુત્સદ્દીગીરી માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હોવા ઉપરાંત, તે જે કાર્ગો લાવી રહ્યું છે તે પણ અત્યંત મહત્વનો માનવામાં  આવે છે, કારણ કે હોર્મુઝની સામુદ્રધુનીમાં શિપિંગ અવરોધોને કારણે ભારતની ઊર્જા પુરવઠા પર અસર પડી છે. શનિવારે, લગભગ 92,712 ટન LPG લઈને જતા બે ભારતીય ધ્વજ ધરાવતા LPG કેરિયર્સ – શિવાલિક અને નંદા દેવી – યુદ્ધગ્રસ્ત હોર્મુઝની  સામુદ્રધુની ઓળંગી ગયા હતા. આ છપાશે ત્યારે આ બંને જહાજ કદાચ ગુજરાતના મુંદ્રા અને કંડલા બંદરે આવી પણ પહોંચ્યા હશે.

સરકારે જણાવ્યું હતું કે આ પ્રદેશમાં કાર્યરત ભારતીય જહાજો અને નાવિકો સુરક્ષિત છે અને દરિયાઈ કામગીરીનું સતત નિરીક્ષણ કરવામાં આવી  રહ્યું છે. હાલમાં, 611 નાવિકો સાથેના 22 ભારતીય ધ્વજ ધરાવતા જહાજો પર્સિયન ગલ્ફ ક્ષેત્રની પશ્ચિમ બાજુએ છે. ભારત તેના ક્રૂડ ઓઈલની જરૂરિયાતના આશરે 88 ટકા, કુદરતી ગેસની 50 ટકા અને LPG જરૂરિયાતના 60 ટકા જેટલી આયાત કરે છે. 28  ફેબ્રુઆરીએ ઈરાન પર અમેરિકા-ઈઝરાયેલના હુમલા અને તેહરાન દ્વારા કરવામાં આવેલા વળતા હુમલા પહેલા ભારતની ક્રૂડ આયાતના અડધાથી  વધુ, ગેસના લગભગ 30 ટકા અને LPG આયાતના 85-90 ટકા સાઉદી અરેબિયા અને UAE જેવા પશ્ચિમ એશિયાઈ દેશોમાંથી આવતા હતા.

આ સંઘર્ષને કારણે ગલ્ફ એનર્જી સપ્લાય માટેના મુખ્ય માર્ગ એવા હોર્મુઝની સામુદ્રધુનીમાં નાકેબંધી થઈ છે. જોકે ભારતે રશિયા સહિતના  દેશોમાંથી તેલ મંગાવીને ક્રૂડ સપ્લાયમાં આવેલા અવરોધોને આંશિક રીતે સરભર કર્યા છે, પરંતુ ઔદ્યોગિક વપરાશકારો માટે ગેસ સપ્લાયમાં કાપ  મૂકવામાં આવ્યો છે અને હોટલ તેમજ રેસ્ટોરન્ટ જેવા વ્યાપારી એકમો માટે LPGની ઉપલબ્ધતામાં ઘટાડો થયો છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ  જહાજ માલિકો, RPSL એજન્સીઓ અને ભારતીય મિશનો સાથે સંકલન સાધીને પરિસ્થિતિ  પર સતત નજર રાખી રહ્યું છે.

DG શિપિંગ કંટ્રોલ રૂમ સક્રિય થયા પછી, નાવિકો, તેમના પરિવારો અને દરિયાઈ હિતધારકો પાસેથી માહિતી અને  સહાય મેળવવા માટે 2,995 ફોન કોલ્સ અને 5,357 થી વધુ ઈમેઈલ્સ હેન્ડલ કરવામાં આવ્યા છે. DG શિપિંગે અત્યાર સુધી ગલ્ફ પ્રદેશમાંથી 276 ભારતીય નાવિકોને સુરક્ષિત રીતે વતન પરત લાવવાની સુવિધા પૂરી પાડી છે, જેમાં છેલ્લા કેટલાક સમયમાં એરપોર્ટ અને પ્રાદેશિક સ્થળોએથી પરત લાવવામાં આવેલા 23 નાવિકોનો સમાવેશ થાય છે. વિકસતી જતી દરિયાઈ પરિસ્થિતિને  ધ્યાનમાં રાખીને દેશભરના બંદરો જહાજોની અવરજવર અને કાર્ગો કામગીરી પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છે.

શિપિંગ મંત્રાલય, વિદેશ મંત્રાલય, ભારતીય મિશનો, શિપિંગ કંપનીઓ અને અન્ય હિતધારકો સાથે સતત સંકલન કરી રહ્યું છે જેથી ભારતીય  નાવિકોની સુરક્ષા અને કલ્યાણ સુનિશ્ચિત કરી શકાય અને સાથે જ દરિયાઈ વેપાર અને બંદરની કામગીરીની સાતત્યતા જળવાઈ રહે. આજે વિશ્વ ઘણુ નાનુ બની ગયું છે અને અન્ય દેશો પર આધાર રાખ્યા વિના ભાગ્યે જ કોઇ દેશને ચાલે તેમ છે.

આમ તો બધુ  સમુસુતરુ ચાલ્યા કરતું હોય છે પરંતુ આવી કોઇ યુદ્ધ કે સંઘર્ષની સ્થિતિ સર્જાય ત્યારે મુશ્કેલીઓ ઉભી થાય છે અને સરકારોએ પોતાના દેશ અને પોતાના દેશના નાગરિકોના હિતો માટે બાહોશીભરી રીતે કામગીરી કરવી પડી છે. અખાતી પ્રદેશમાં લાખો ભારતીય નાગરિકો વસે છે. તેમને ત્યાંથી સલામત બહાર કાઢવાની કામગીરી અત્યાર સુધી તો હાથ ધરવી પડી નથી પણ આ જહાજી કટોકટી હાથ ધરવાની ભગીરથ કામગીરી સરકાર પર આવી પડી છે અને અત્યારે તો તેમાં સારી સફળતા મળેલી જણાય છે.

Most Popular

To Top