સોમનાથમાં પવિત્ર પ્રભાસક્ષેત્રમાં ચાલી રહેલા સોમનાથ સ્વાભિમાન પર્વ દરમિયાન સોમનાથે શિવભક્તિનો અદભુત નજારો સર્જાયો હતો. પર્વના બીજા દિવસે યોજાયેલી સાધુ-સંતોની ડમરું યાત્રાએ સમગ્ર સોમનાથ નગરને ભક્તિમય વાતાવરણમાં ફેરવી દીધું હતું. ડમરુંના તાલ અને ‘હર હર મહાદેવ’ના નાદથી સોમનાથ ભવનાથ સમાન લાગ્યો હતો.
દેશભરના વિવિધ અખાડાઓમાંથી આવેલા 500થી વધુ સાધુ-સંતો અને મહંતો આ ભવ્ય યાત્રામાં જોડાયા હતા. પરંપરાગત વેશભૂષામાં, માથે જટા અને હાથમાં ડમરું ધારણ કરેલા સાધુઓ યાત્રાના મુખ્ય આકર્ષણ રહ્યા હતા. યાત્રા શંખ સર્કલથી શરૂ થઈ હમીરજી સર્કલ મારફતે સોમનાથ મહાદેવ મંદિર સુધી પહોંચી હતી.
ડમરુંના ગુંજતા તાલ, શંખનાદ અને જયઘોષ સાથે આગળ વધતી યાત્રાએ સમગ્ર પ્રભાસક્ષેત્રમાં આધ્યાત્મિક ઉર્જા ફેલાવી હતી. રસ્તાની બંને બાજુ મોટી સંખ્યામાં ભક્તો અને સ્થાનિક નાગરિકો ઉમટી પડ્યા હતા. અનેક શ્રદ્ધાળુઓએ ફૂલવર્ષા કરી સાધુ-સંતોનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું.
યાત્રા દરમિયાન સાધુ-સંતોની સાથે સાંસદ રાજેશ ચુડાસમા તથા તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ પણ પગપાળા જોડાયા હતા. તેમની હાજરીએ આ ધાર્મિક કાર્યક્રમને વિશેષ મહત્વ મળ્યું હતું.
સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત આગામી દિવસોમાં પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાનાર છે. આજે સાંજે સાધુ-સંતોની દિગમ્બર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે પર્વના ભાગરૂપે સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત રવેડી યાત્રા પણ યોજાવાની છે. આ રવેડી યાત્રામાં અંદાજે 1500 જેટલા સાધુ-સંતો જોડાશે તેવી શક્યતા છે.
હજારો વર્ષોની આસ્થા અને સંસ્કૃતિનું પ્રતિક એવા સોમનાથમાં યોજાતો આ સ્વાભિમાન પર્વ દેશભરમાં શિવભક્તિ, એકતા અને આત્મગૌરવનો સંદેશ આપી રહ્યો છે.