૨૧મી સપ્ટેમ્બર, એટલે કે સંયુક્ત રાષ્ટ્ર ઘોષિત ‘વિશ્વશાંતિ દિવસ’ સામે આવી રહ્યો છે, જ્યારે લગભગ અડધું જગત એક યા બીજા પ્રકારના અશાંત પ્રવાહોનો સામનો કરી રહ્યું છે. વિશ્વને શાંતિની તાતી જરૂર છે. પાછલા થોડાક જ દિવસો પર નજર નાખીએ તો દેખાય છે કે વિશ્વના દેશો વિવિધ પ્રકારની ઉથલપાથલમાંથી પસાર થઇ રહ્યા છે, જેમાં વિવિધ રાજકીય રંગો છે – એક તરફ અમેરિકા સમર્થિત ઈઝરાઈલના સંસ્થાનવાદી હુમલા અટકી જ નથી રહ્યા તો બીજી તરફ નેપાળ અને ઇન્ડોનેશિયા જેવા એશિયાઈ દેશોમાં લોકશાહીને મુઠ્ઠીભર સત્તાલોલુપ શ્રીમંતોથી બચાવી લોકાભિમુખ બનાવવા યુવાઓએ ભ્રષ્ટાચાર સામે વિદ્રોહ કર્યો છે.
ફ્રાન્સમાં પણ વધતા જતા જીવનનિર્વાહના ખર્ચને કાબૂમાં લાવવા અસમર્થ સરકાર સામે હજારો લોકોએ સડક પર ઊતરી વિરોધ પ્રદર્શન કર્યાં. તુર્કીમાં પણ મુખ્ય વિરોધ પક્ષ પર કાયદાકીય કાર્યવાહી સામે હજારો લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું. તો ત્રીજી બાજુ વિકસિત દેશોમાં રૂઢિવાદી પ્રવાહોની લહેર વધુ પ્રબળ બનતી પ્રગટ થઇ રહી છે. લંડનના રસ્તાઓ પર રૂઢિવાદી નેતા ટોમી રોબીન્સનની હાકલ પર લાખેક જેટલાં લોકો ઉમટી પડ્યાં અને સ્થળાંતરિતો સામે પ્રદર્શન કર્યાં.
વિશ્વશાંતિ દિવસની 2025ની ઉજવણીનો વિષય છે – ‘એક્ટ નાઉ ફોર અ પીસફુલ વર્લ્ડ’ – એટલે કે વિશ્વશાંતિ માટે હમણાં જ પગલાં લો. શાંતિ, અહિંસા અને સંવાદિતાને પ્રોત્સાહન આપવા માટે તાત્કાલિક અને નક્કર કાર્યવાહીનું આહ્વાન છે. ગાઝાની પરિસ્થિતિના સંદર્ભે અ વિષય ખૂબ જ પ્રસ્તુત છે. હવે તો સંયુક્ત રાષ્ટ્રે પણ સ્વીકાર્યું છે કે ઈઝરાઈલ પેલેસ્તીનમાં જે કરતું આવ્યું છે અને હાલમાં ગાઝાપટ્ટીમાં જે કરી રહ્યું છે એ માનવસંહાર છે! ગાઝાથી આવતા સમાચાર પ્રમાણે ઈઝરાઈલે ગાઝા શહેરમાં એક કલાકની મુદત પર લોકોને ઘર ખાલી કરવાની ચેતવણી આપી, મકાનોને ધરાશાયી કરવાનો સિલસિલો ચાલુ છે.
સાથે સાથે વેસ્ટ બેંકના વિવાદિત સેટલમેન્ટ પ્રોજેક્ટને મંજૂરી પણ આપી દીધી જે પછી સ્વતંત્ર પેલેસ્તીન રાજ્યની શક્યતા નહીંવત્ બની જશે. કોઈ પણ શબ્દો ચોર્યા વિના ઈઝરાઈલી વડાપ્રધાન નેતન્યાહુએ જાહેરમાં કહ્યું જ છે કે પેલેસ્તીન નામનું કોઈ રાજ્ય રહેશે જ નહીં. વેસ્ટબેન્કની જમીન અમારી છે! આ વચ્ચે ભલે ને સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં ૧૪૨ દેશોએ પેલેસ્તીનના સમર્થનમાં અને માત્ર ૧૦ દેશોએ વિરુદ્ધમાં મત આપ્યો હોય કે પછી દેશની પૂર્વ રાજધાની તલઅવિવમાં હજારો લોકો યુદ્ધ બંધ કરવાની માંગ સાથે રસ્તા પર ઊતરી આવ્યાં હોય – સત્તાશાળી રાજ્યો કોઈની પણ દરકાર શું કામ કરે?
‘વિશ્વશાંતિ’ની પરિકલ્પનામાં માત્ર યદ્ધવિરામ પૂરતી નથી. લાંબા ગાળાની સાચી શાંતિ સ્થાપવી હોય તો અસમાનતા અને અન્યાયને દૂર કરી સૌના માનવ અધિકાર જળવાય એવું વાતાવરણ ઊભું કરવું પડે. આજના સમયમાં જ્યારે મોબાઈલ થકી દુનિયાભરની સાચી ખોટી માહિતી દરેક વ્યક્તિ સુધી પહોંચે છે ત્યારે સરકારની નીતિઓ અને ભ્રષ્ટ આચરણ કઈ રીતે સામાન્ય માણસ સુધી એના હક પહોંચવા નથી દેતા એ સૌને ખબર પડે છે. સોશ્યલ મિડિયા પર પરસ્પર નેટવર્કીંગ પણ આસાનીથી થઇ શકે છે. સોશ્યલ મિડિયા દ્વારા વિદ્રોહની શરૂઆત ૨૦૧૧માં આરબ સ્પ્રિંગ દરમ્યાન થઇ, જ્યારે ઈજીપ્ત, ત્યુનીશિયા, સીરીયા, લીબિયા જેવા મધ્ય એશિયાના ઘણા દેશોમાં સત્તાપલટો થયો. આ દેશોમાં ઉદારમતવાદી સરકારનું સ્થાન રૂઢિચુસ્ત શાસને લીધું.
આ સંદર્ભે નેપાળ અને ઈન્ડોનેશિયાની ઘટના પર ખાસ ધ્યાન આપવા જેવું છે. જેન-ઝી, જેમને માટે એવી માન્યતા છે કે તેમને ઈન્સ્ટાની રીલ જોવા બનાવવા સિવાય કશામાં રસ નથી પડતો. તે રાજકારણમાં રસ લે, ભ્રષ્ટાચાર સામે અવાજ બુલંદ કરે એ હર્ષની વાત ગણાય. બેરોજગારી, ગરીબી, ભ્રષ્ટાચાર જેવા રોજિંદા જીવનને અસર કરતા પ્રશ્નો માટે લાખોની સંખ્યામાં લોકો વિરોધ પ્રદર્શન કરે તો લોકશાહી સાચી દિશામાં છે એવું મનાય. પણ ઠોસ નેતૃત્વ વિના ઊભું થયેલું આંદોલન તરત જ હિંસક અને અરાજક સ્વરૂપ ધારણ કરી શકે છે. એ માર્ગે સુખ અને શાંતિ જોજનો પાછળ રહી જાય છે.
શાંતિ ગમે તેટલી ઇચ્છનીય હોય, પણ વિશ્વમાં સંપૂર્ણ શાંતિની સ્થિતિ સ્થપાતી નથી. જેની પાસે સત્તા છે તે અન્ય પર નિયંત્રણ કરતા રહેશે ત્યાં સુધી સાચા અર્થમાં શાંતિ કઈ રીતે આવશે? સંયુક્ત રાષ્ટ્ર જ્યારે એક્ટ નાઉ ફોર પીસ’કહે છે તો એનો મતલબ થયો કે દરેક પ્રકારની હિંસા સામે સૌ કોઈએ અવાજ ઉઠાવવો પડશે. એ પણ સ્વીકારવું પડશે કે હિંસા પાછળ જાતીય, ધાર્મિક કે રાષ્ટ્રીય અસમાનતા કામ કરતી હોય છે એટલે અન્યોને નિયંત્રિત કરતી દરેક પ્રકારની સત્તા સામે બોલવું પડે, સત્તાનો બેફામ ઉપયોગ કરનાર સામે ખાસ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.