Editorial

સામાન્ય નિવેદન કે પછી મોદીને ઈશારો ??, મોહન ભાગવતે ફરી કહ્યું કે, 75 વર્ષની ઉંમરે નિવૃત્ત થઈ જવું જોઈએ

ભાજપ અને આરએસએસ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી હોવાની ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. આરએસએસની ઘણી વાતો એવી છે કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની વિચારણાથી અલગ હોય છે. ભાજપમાં 75 વર્ષની ઉંમર પછી નેતાએ નિવૃત્તિ લઈ લેવી જોઈએ તેવું મોહન ભાગવત દ્વારા અગાઉ નિવેદન કરવામાં આવ્યું હતું. હવે આરએસએસના વડા મોહન ભાગવતે ફરી એવું નિવેદન કર્યું છે કે નેતાઓએ 75 વર્ષની ઉંમરે નિવૃત્તિ લઈ લેવી જોઈએ. નાગપુરના એક કાર્યક્રમમાં ભાગવતે કરેલી ટિપ્પણી કે જ્યારે કોઈ તમને 75 વર્ષ થવા બદલ અભિનંદન આપે છે તો તેનો અર્થ એવો થાય છે કે તમારે બંધ થઈ જવું જોઈએ. બીજાઓને કામ કરવાની તક આપવી જોઈએ, ને પગલે ફરી વિવાદ શરૂ થયો છે. કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્ટેમ્બર માસમાં 75 વર્ષના થઈ રહ્યા છે.

ભાગવતના નિવેદનને પગલે શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના નેતા સંજય રાઉતે તો એવું કહી પણ દીધું છે કે સંઘના વડાએ વડાપ્રધાન મોદીને આ સંદેશો આપ્યો છે. રાઉતે એવી ટિપ્પણી કરી કે , મોદીએ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને જશવંતસિંહ જેવા નેતાઓને 75 વર્ષ થવાને કારણે જબરદસ્તી રિટાયર કરી દીધા ત્યારે હવે એ જોવાનું છે કે તેઓ ખુદ તેનું પાલન કરે છે કે કેમ?.

મોહન ભાગવતની આ ટિપ્પણીનો સંદર્ભે ભાજપે વડાપ્રધાનની નિવૃત્તિનો ઈન્કાર કર્યો છે. ગયા વર્ષે પણ અમિત શાહે એવું કહ્યું હતું કે, 75 વર્ષના થયા બાદ વડાપ્રધાન મોદી સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થવાના નથી. ભાજપના બંધારણમાં આવી કોઈ જ જોગવાઈ નથી. મોદીજી 2029 સુધી દેશનું નેતૃત્વ કરશે અને આગામી ચૂંટણીઓમાં પણ ભાજપનું નેતૃત્વ કરશે. ભાજપના મહારાષ્ટ્રના તત્કાલિન પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેએ તો ત્યાં સુધી કહ્યું કે, મોરારજી દેસાઈ 83, મનમોહનસિંગ 81 વર્ષની વયે વડાપ્રધાન હતા. ખુદ વાજપાઈ પણ 79 વર્ષની ઉંમર સુધી વડાપ્રધાન રહ્યા હતા.

જોકે, ભાજપ ગમે તેટલા નિવેદનો કરે પરંતુ મોહન ભાગવત દ્વારા કરવામાં આવી રહેલા નિવેદનો એટલું તો ચોક્કસ દર્શાવી રહ્યા છે કે ભાજપ અને આરએસએસ વચ્ચે ‘સબ સલામત’ નથી. થોડા સમય પહેલા ખુદ મોદીએ પણ નાગપુર જઈને આરએસએસના કાર્યાલયની મુલાકાત લીધી હતી. ત્યારે પણ વિપક્ષો દ્વારા એવું કહેવાયું હતું કે મોદી નિવૃત્ત થઈ રહ્યા છે. ભાગવતના નિવેદનને પગલે ફરી રાજકીય વમળો જરૂરથી સર્જાયા છે ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર માસમાં તેમના 75 વર્ષ પુરા થતાં શું નિર્ણય લે છે તેની પર સૌની નજર છે.

Most Popular

To Top