સુરતના સચિન વિસ્તારમાં પોલીસે એક ગંભીર અને જોખમી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. કિરાણા સ્ટોરની આડમાં ચાલતા આ ધંધામાં આરોપીઓ ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી નાની બોટલોમાં ગેસ ભરીને ઊંચા ભાવે વેચાણ કરતા હતા. ખાસ વાત એ છે કે, આ સમગ્ર કામગીરી કોઈપણ સુરક્ષા વિના અને રહેણાંક વિસ્તારમાં ચાલી રહી હતી, જે કોઈપણ સમયે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે તેવી હતી.
સચિન પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે ટીમે જમશેદનગર અને સુડા સેક્ટર વિસ્તારમાં એકસાથે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે ગેસ રિફિલિંગ માટે વપરાતા પાઇપ, વાલ્વ અને મોટી સંખ્યામાં સિલિન્ડર જપ્ત કર્યા હતા. તપાસમાં સામે આવ્યું કે, આરોપીઓ એલ્યુમિનિયમ પાઇપ અને ખાસ વાલ્વ કનેક્શન વડે મોટા સિલિન્ડરમાંથી ગેસ કાઢીને નાની બોટલોમાં ભરી રહ્યા હતા.
આ ગેરકાયદેસર પ્રવૃત્તિ પાછળ મુખ્ય ઉદ્દેશ માત્ર નફો કમાવવાનો હતો. સબસિડીવાળો ઘરેલું ગેસ સસ્તા ભાવે મેળવી, તેને નાની બોટલોમાં ભરી મોંઘા ભાવે વેચીને આરોપીઓ લોકોના જીવન સાથે જોખમભર્યો ખેલ કરી રહ્યા હતા. ગેસ લીકેજ અથવા બ્લાસ્ટ જેવી ભયાનક ઘટના કોઈપણ સમયે બની શકે તેવી સ્થિતિ હોવા છતાં આ નેટવર્ક બેફામ ચાલી રહ્યું હતું.
હાલ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને તેમના વિરુદ્ધ BNS 2023 તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસ આ નેટવર્ક પાછળ કોઈ મોટા સપ્લાયર અથવા એજન્ટ જોડાયેલા છે કે નહીં તેની પણ તપાસ કરી રહી છે. સમયસર કાર્યવાહીથી એક મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.