પંજાબ(Punjab): પંજાબી ગાયક(Punjabi Singer) સિદ્ધુ મૂસેવાલા(Sidhu Moosewala)ની હત્યા કેસ(Murder Case) સાથે જોડાયેલા 2 આરોપી સહિત 4 ગેંગસ્ટરને પોલીસે(Police) એન્કાઉન્ટર(Encounter)માં ઠાર માર્યા છે. આ ચારમાંથી બે શૂટરોની ઓળખ થઈ ગઈ છે. તેમના નામ જગરૂપ રૂપા અને મનપ્રીત મન્નુ છે. અન્ય બે તેના સાથી હોવાનું કહેવાય છે. મનપ્રીત એ જ શૂટર છે જેણે મૂઝવાલા પર પહેલી ગોળી ચલાવી હતી. તેણે મુસેવાલા પર એકે-47 વડે ગોળીબાર કર્યો હતો.આ અથડામણ પાકિસ્તાન સરહદની એકદમ નજીકના વિસ્તાર ભકના કલાન ગામમાં ચાલી રહી હતી. મૂઝવાલા હત્યામાં સામેલ આ શૂટર્સ ચિચા ભકના ગામમાં જૂની હવેલીમાં છુપાયેલા હતા. પોલીસે SOG કમાન્ડો સાથે મળીને ચારેય શૂટરોને ઠાર માર્યા હતા.
પોલીસે વિકટ્રી સાઈન બતાવી
ભકના કલાન ગામમાં એન્કાઉન્ટર પૂર્ણ થઇ ગયું છે. પોલીસે વિકટરી સાઈન બતાવી એન્કાઉન્ટર પૂર્ણ થયાની જાણકારી આપી હતી. પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે. હાલ હવેલીમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. ગેંગસ્ટરો પાસેથી એકે-47, વિદેશી પિસ્તોલ અને મોટી સંખ્યામાં કારતુસ અને મેગેઝીન મળી આવ્યા છે. આ એન્કાઉન્ટરમાં બે પોલીસકર્મીઓ અને એક પત્રકારને ગોળી વાગતા તેઓ ઘાયલ થયા છે. જેથી તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મનપ્રીતે જ સૌથી પહેલા કર્યું હતું ફાયરીંગ
સૂત્રોના જણાવ્યા અનુસાર કેનેડામાં બેઠેલા ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે આદેશ આપ્યો હતો કે મનપ્રીત મૂસેવાલા પર સૌથી પહેલા ફાયરિંગ કરશે. જ્યારે મનપ્રીત પંજાબની જેલમાં બંધ હતો ત્યારે પટિયાલા ગેંગના સભ્યોએ તેને જેલમાં ચપ્પલ વડે માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ આ લોકોએ વાયરલ કર્યો હતો. આ કારણે મનપ્રીતે પટિયાલા ગેંગને પાઠ ભણાવવા અને બદલો લેવા ગોલ્ડી બ્રારને પહેલી ગોળી ચલાવવાની વિનંતી કરી હતી. આ જ કારણ છે કે મનપ્રીતને પ્રથમ ગોળી ચલાવવાની સૂચના આપવામાં આવી હતી.
ફાયરીંગનાં અવાજથી ગામ ગુંજી ઉઠ્યું
એન્કાઉન્ટરનાં પગલે ગોળીબારના અવાજથી ભકના કલાન ગામ ગુંજી ઉઠ્યું હતું. બંને તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. ગોળીબારનાં અવાજના પગલે ગામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. પોલીસે ગ્રામજનોને ઘરની બહાર ન નીકળવાની જાહેરાત કરી હતી. પોલીસ ડઝનબંધ વાહનોના કાફલા સાથે એન્કાઉન્ટર સ્થળ પર પહોંચી ગઈ હતી. એમ્બ્યુલન્સ અને બખ્તરબંધ વાહનો પણ ઘટનાસ્થળે હાજર હતી.
મુસેવાલાની હત્યા ક્યારે થઈ હતી?
પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની 29 મેના રોજ જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હત્યા સમયે તે તેના બે મિત્રો સાથે થાર કારમાં ક્યાંક જઈ રહ્યો હતો. ત્યારે મુસેવાલા પર ઘણા વિદેશી હથિયારો સહિત શોટ ગનથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં મુસેવાલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. હત્યાકાંડ પછી જેલમાં રહેલા કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેના કેનેડિયન સાથી ગોલ્ડી બ્રારે એક કથિત સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સિદ્ધુ મુસેવાલાના મૃત્યુની જવાબદારી સ્વીકારી હતી. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ પહેલેથી જ પંજાબ પોલીસના હાથમાં છે, જ્યારે ગોલ્ડી બ્રાર કેનેડામાં બેઠો છે.