શેર બજારમાં ગેરંટી નફાના નામે મોટું કૌભાંડ ચાલતું હોવાનું સામે આવ્યું છે,સુરત સાયબર ક્રાઇમ સેલે મુંબઈથી બે ઠગોને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે,શેર બજારમાં ઝડપી નફો અપાવવાની લાલચ આપી ટિપ્સના પેકેજ તથા ફંડેડ એકાઉન્ટ ખોલવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરનાર બે આરોપીઓને સુરત સાયબર ક્રાઇમ સેલે મુંબઈથી ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીથી શેર માર્કેટમાં ઠગાઈ કરનાર તત્વોમાં ખળભળાટ મચી ગયો છે.પકડાયેલા આરોપીઓની ઓળખ અજય મહિલ અને અજરોદ્દીન જમાદાર તરીકે કરવામાં આવી છે. આરોપીઓ સોશિયલ મીડિયા, વોટ્સએપ અને કોલ દ્વારા લોકોને સંપર્ક કરી, ખાતરીપૂર્વક નફો અપાવવાની વાતો કરીને શેર બજારની ટિપ્સના પેકેજ વેચતા હતા. ત્યારબાદ ફંડેડ એકાઉન્ટ ખોલાવવાની લાલચ આપી, રોકાણકારોને પોતાના નિયંત્રણ હેઠળના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવતાં હોવાનું તપાસમાં ખુલ્યું છે.
સાયબર ક્રાઇમ સેલ પોલીસની તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપીઓ પોતાના બેંક એકાઉન્ટ કમિશનના લાલચમાં અન્ય લોકોને આપી દેતા હતા અને આ એકાઉન્ટ મારફતે ઠગાઈના પૈસાની લેવડદેવડ કરવામાં આવતી હતી.આ રીતે ડિજિટલ ટ્રાન્જેક્શનનો દુરુપયોગ કરીને આરોપીઓ અનેક લોકોને આર્થિક નુકસાન પહોંચાડી રહ્યા હતા.આ સમગ્ર મામલે સાઇબર ક્રાઇમ ડીસીબી વિશાખા જૈન નાં માર્ગદર્શન હેઠળ ટીમે ટેક્નિકલ સર્વેલન્સ, બેંક ટ્રાન્જેક્શન અને ડિજિટલ પુરાવાના આધારે આરોપીઓ સુધી પહોંચીને મુંબઈથી ધરપકડ કરી છે.
સાયબર ક્રાઇમ સેલે લોકો ને અપીલ કરી છે કે કોઈપણ પ્રકારની શેર બજારની ટિપ્સ, ગેરંટી નફા કે ફંડેડ એકાઉન્ટના લાલચમાં આવીને અજાણ્યા વ્યક્તિને પૈસા ન આપે. કોઈ શંકાસ્પદ કોલ કે મેસેજ મળે તો તાત્કાલિક સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવે .આ કેસમાં વધુ આરોપીઓ અને મોટા નેટવર્કની સંભાવનાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.