SURAT

લગ્નના નામે લૂંટનો ખેલ!

બે દિવસમાં બે પતિ, ફેસબુક પોસ્ટે ખોલી દીધી પોલ

સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ‘લૂંટેરી દુલ્હન’ અને તેની ટોળકીએ લગ્નના બહાને યુવકોને ફસાવી લાખો રૂપિયા હડપ કરવાનો ખેલ ચલાવ્યો હતો. પાસોદરા વિસ્તારમાં રહેતા 43 વર્ષીય હીરા મેનેજર સાથે ઓક્ટોબર 2025માં આ યુવતીએ સાદાઈથી લગ્ન કર્યા હતા. યુવતી પોતે અનાથ હોવાનું કહી વિશ્વાસ જીત્યો હતો, જ્યારે લગ્ન ગોઠવનાર વચેટિયાએ રૂપિયા 1.70 લાખ લીધા હતા.

લગ્ન પછી થોડા મહિનામાં જ કાવતરું બહાર આવવાનું શરૂ થયું. 13 માર્ચે યુવતી રાજકોટ હોસ્પિટલમાં કામના બહાને ગઈ અને ત્યારબાદ તેનો ફોન બંધ થઈ ગયો. પરિવારજનોએ શોધખોળ શરૂ કરી પરંતુ કોઈ પત્તો લાગ્યો નહીં. આ દરમિયાન એક સગાએ ફોન કરી ચોંકાવનારી માહિતી આપી, યુવતીએ જસદણમાં બીજા યુવક સાથે ફરી લગ્ન કરી લીધા હતા.આ સમગ્ર મામલો ત્યારે ખુલ્લો પડ્યો જ્યારે બીજા લગ્નના ફોટા સોશિયલ મીડિયા, ખાસ કરીને ફેસબુક પર અપલોડ થયા. ફોટા જોઈ પ્રથમ પતિને છેતરપિંડીનો ભાન થયુ.

જે બાદ વધુ તપાસમાં સામે આવ્યું કે બીજા યુવક પાસેથી પણ લગભગ 1.80 લાખ રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા.
બીજા પતિએ સાવચેત થઈ યુવતીને ઝડપી લઈ પોલીસને સોંપી દીધી. ત્યારબાદ સુરત પોલીસ તેને કબ્જામાં લઈને તપાસ માટે લાવી. પૂછપરછમાં જાણવા મળ્યું કે યુવતી મહારાષ્ટ્રના નાગપુરની છે અને ઘરકામ કરીને જીવન જીવતી હતી. વચેટિયો કમલેશ સાથે મળીને તેણે લગ્ન ઇચ્છુક યુવકોને ટાર્ગેટ કરીને આ ગેરકાયદેસર ધંધો શરૂ કર્યો હતો.

હાલ પોલીસે યુવતીની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર કમલેશને વોન્ટેડ જાહેર કર્યો છે. આ ગેંગ દ્વારા અન્ય કેટલાં લોકોને શિકાર બનાવાયા છે તેની પણ તપાસ તેજ કરવામાં આવી રહી છે.

Most Popular

To Top