National

દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળતા અમદાવાદમાં કરાયુ ઇમરજન્સી લેન્ડીંગ

નવી દિલ્હી: વિસ્તારા બાદ અકાસા એર એરલાઈન્સની (Akasa Air Airlines) ફ્લાઈટમાં બોમ્બની (Bomb) ધમકી મળી હતી. વિમાનમાં બોમ્બ હોવાની માહિતી મળ્યા બાદ સુરક્ષાના કારણોસર અકાસાની દિલ્હી-મુંબઈ ફ્લાઈટને (Delhi-Mumbai flight) અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી. આ ધમકી એરલાઇનને સોમવારે સવારે મળી હતી. દિલ્હીથી મુંબઈ જઈ રહેલી આ ફ્લાઈટ નંબર QP 171માં 186 મુસાફરો સવાર હતા.

પ્રાપ્ત વિગતો મુજબ બોમ્બની ધમકી મળ્યા બાદ મુંબઈથી નીકળતા પહેલા જ પ્લેનને અમદાવાદ તરફ વાળવામાં આવ્યું હતું. જેને સવારે 10.13 કલાકે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું. આ ફ્લાઈટે દિલ્હીથી મુંબઈ માટે ઉડાન ભરી હતી. ધમકી મળ્યા બાદ આ પ્લેનમાં સવાર 186 યાત્રીઓને એરપોર્ટ પર સુરક્ષિત ફ્લાઇટમાંથી ઉતારવામાં આવ્યા હતા. હવે ડોગ સ્ક્વોડ દ્વારા ફ્લાઈટ અને યાત્રીઓના સામાનની તપાસ કરવામાં આવી રહી છે. અકાસા એરએ પણ આ વાતની પુષ્ટિ કરી હતી.

ફ્લાઈટમાં 186 મુસાફરો સવાર હતા
ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી સામે આવ્યા બાદ આકાસા એરલાઈન્સ દ્વારા પણ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું હતું. અકાસા એરલાઈન્સ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર 3 જૂન, 2024ના રોજ દિલ્હીથી મુંબઈ જઈ રહેલી Akasa એરની ફ્લાઈટ QP 1719ને સુરક્ષા માટે ચેતવણી મળી હતી. આ ફ્લાઈટમાં 186 યાત્રીઓ સવાર હતા, જેમાં 1 બાળક અને 6 ક્રૂ મેમ્બર હતા.

યાત્રીઓને સુરક્ષિત ઉતારવામાં આવ્યા હતા
સુરક્ષા ચેતવણી મળ્યા બાદ નિર્ધારિત સલામતી અને સુરક્ષા પ્રક્રિયાઓ અનુસાર વિમાનને અમદાવાદ તરફ વાળવામાં આવ્યું હતું. ફ્લાઇટના કેપ્ટને તમામ જરૂરી કટોકટીની પ્રક્રિયાઓનું પાલન કર્યું હતું. તેમજ દિલ્હીથી મુંબઈ જતી આ ફ્લાઈટ સવારે 10:13 વાગ્યે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થઈ હતી. અહીં ઉતર્યા બાદ તમામ યાત્રીઓને પ્લેનમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા. વિમાનમાંથી યાત્રીઓને ઉતાર્યા બાદ ફ્લાઇટની તપાસ કરવામાં આવી હતી. Akasa Air જમીન પરના તમામ સલામતીનાં પગલાં અને સુરક્ષા પ્રોટોકોલને અનુસરી રહી છે.

સોમવારે ચેન્નાઇથી કોલકાતા જઇ રહેલી ફ્લાઇટને પણ ધમકી મળી હતી
સોમવારે સવારે ચેન્નાઈથી કોલકાતા જઈ રહેલા ‘ઈન્ડિગો’ પ્લેનમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી. ત્યાર બાદ ફ્લાઈટ સેવામાં બે કલાકનો વિલંબ થયો હતો. તેમજ સમગ્ર મામલે અધિકારીઓએ જણાવ્યું હતું કે અહીંના થુરાઈપક્કમ ખાતે ઈન્ડિગો કોલ સેન્ટરમાં માહિતી મળ્યા બાદ અધિકારીઓએ વિમાનને ‘અલગ લોકેશન’ પર લઈ જઈને સુરક્ષા તપાસ હાથ ધરી હતી. સુરક્ષા પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ વિમાનને સવારે 10:30 વાગ્યે રવાના થવા દેવામાં આવ્યું હતું.

Most Popular

To Top