National

પેરિસ ઓલિમ્પિક ઉદ્ઘાટન પહેલા ફ્રાન્સના રેલ્વે સ્ટેશન પર આગચંપી, 8 લાખ લોકો ફસાયા

પેરિસ: પેરિસ ઓલિમ્પિક 2024 (Paris Olympics 2024) ગુરુવારથી શરૂ થઈ ચુકી છે. ત્યારે ફ્રાન્સની (France) રાજધાનીમાં તમામ ખેલાડીઓ પણ એકઠા થઇ ગયા છે અને સીન નદી (Seine River) પર ઐતિહાસિક ઓલિમ્પિક સમારોહના ઉદ્ઘાટનની તૈયારીઓ પણ પૂર્ણ થઇ ગઇ છે. આ દરમિયાન ફ્રાન્સની હાઈસ્પીડ રેલ્વે લાઈનો પર હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારોહની (Opening ceremony) શરૂઆત પહેલા પેરિસમાં રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો.

અસલમાં ફ્રાન્સની રાષ્ટ્રીય રેલ કંપની એસએનસીએફએ શુક્રવારે જણાવ્યું હતું કે હાઈ-સ્પીડ લાઈનો પર શુક્રવારે ઘણી શંકાસ્પદ ગતિવિધિઓ થઈ હતી. જેના કારણે હાઈ રિસ્ક ઓલિમ્પિક ગેમ્સના ઉદઘાટન સમારોહના દિવસે રેલવે ટ્રાફિકમાં વિક્ષેપ પડ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે રેલ્વે ટ્રેકને ભારે નુકસાન થયું છે. તેમજ માથાભારે ઇસમો દ્વારા રેલ્વેના પાટા ઉપર પણ આગ લગાવવામાં આવી હતી. આ ઘટનાઓને કારણે રેલવે લાઈનોના સમારકામમાં એક અઠવાડિયાનો સમય લાગી શકે છે. ત્યારે આ ઘટનાથી રેલ ટ્રાફિક પર ખૂબ જ ગંભીર પરિણામો આવશે. દરમિયાન ફ્રાન્સની સરકારી રેલવે કંપની SNCFએ બધા જ મુસાફરો માટે ચેતાવણી જાહેર કરીને તેમને સ્ટેશન ન જવાની સલાહ આપી છે.

ફ્રાન્સના પશ્ચિમ, ઉત્તર અને પૂર્વમાં રેલ્વે લાઈનોને અસર થઈ છે
સમગ્ર મામલે SNCF એ જાહેરાત કરી હતી કે ફ્રાન્સના પશ્ચિમ, ઉત્તર અને પૂર્વમાં રેલ લાઇનને અસર થઈ છે. તેમજ પેરિસ ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહના થોડા કલાકો પહેલા જ બનેલી ઘટનાઓની ફ્રેન્ચ અધિકારીઓએ નિંદા કરી હતી. એસએનસીએફના ચીફ એક્ઝિક્યુટિવ જીન-પિયર ફેરાન્ડૌએ જણાવ્યું હતું કે આ ઘટનાથી ફ્રાન્સમાં આઠ લાખ મુસાફરોને અસર થઈ છે. જો કે, આ ઘટનાઓ ઓલિમ્પિક ગેમ્સ સાથે જોડાયેલી હોવાના કોઈ તાત્કાલિક સંકેત મળ્યા નથી.

ઓપનિંગ સેરેમની નિહાળવા લાખો દર્શકો આવી શકશે
પેરિસ ઓલિમ્પિક 2024ના ઉદઘાટન સમારોહને લગભગ નિહાળવા માટે લગભગ 6 લાખ દર્શકો પેરિસ પહોંચે તેવી અપેક્ષા છે. ત્યારે જણાવી દઇયે કે ઓપનિંગ સેરેમની માટે 2,22,000 ફ્રી ટિકિટ રાખવામાં આવી છે, જ્યારે 1,04,000 પેઇડ ટિકિટ રાખવામાં આવી છે.

Most Popular

To Top