રક્ષાબંધનના દિવસે શરૂ થયેલી દુર્ઘટના નો 13 વર્ષ પછી કરુણ અંત
દેશના ન્યાયિક ઇતિહાસમાં સંવેદનશીલ અને ભાવુક બનાવ ગણાતા એક કેસમાં Supreme Court of India એ ગાઝિયાબાદના હરિશ રાણાને જીવનરક્ષક સારવાર પાછી ખેંચવાની મંજૂરી આપી છે. આ નિર્ણય બાદ હરિશના પિતા અશોક રાણાએ કહ્યું કે પિતા તરીકે આ ક્ષણ અત્યંત પીડાદાયક છે, પરંતુ માનવતા દ્રષ્ટિએ તેમના પુત્ર માટે કદાચ આ જ યોગ્ય નિર્ણય છે.
હરિશ રાણા લગભગ 13 વર્ષથી વેજિટેટિવ સ્થિતિમાં બેડ પર પડેલા હતા. તેઓને ખોરાક અને પાણી માટે ફીડિંગ ટ્યુબ પર નિર્ભર રહેવું પડતું હતું. પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી દિવસ-રાત તેમની સંભાળ રાખી રહ્યો હતો. આ દુર્ઘટનાની શરૂઆત વર્ષ 2013ના રક્ષાબંધનના દિવસે થઈ. તે સમયે હરિશ ચંડીગઢમાં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો હતો. અને ફિટનેસ પ્રત્યે તે ખૂબ ઉત્સાહી હતો, તે બોડીબિલ્ડિંગ સ્પર્ધાઓમાં ભાગ લઈને પોતાના અભ્યાસની ફી ભરવા થતા પરિવારને મદદ કરવા માંગતો હતો.પરંતુ એક દિવસ તેમના પેઇંગ ગેસ્ટના ચોથા માળેથી પડી જતાં તેમને ગંભીર માથાના ઈજાઓ થઈ. ત્યારથી તેઓ ક્યારેય સંપૂર્ણ રીતે હોશમાં આવી શક્યા નહોતા.
પરિવારે શરૂઆતમાં હરિશને દિલ્હીના All India Institute of Medical Sciences (AIIMS)માં દાખલ કર્યો હતો. ત્યાં લગભગ એક અઠવાડિયા સારવાર બાદ તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. માત્ર 18 દિવસમાં જ સારવારનો ખર્ચ લગભગ 7 લાખ રૂપિયા પહોંચી ગયો હતો.
પિતા અશોક રાણાએ જણાવ્યું કે છેલ્લા દાયકામાં તેઓ પોતાના પુત્રને અનેક હોસ્પિટલો લઈ ગયા. થોડા મહિના પહેલા પણ નોઇડાની એક હોસ્પિટલમાં “હાઇપરબેરિક ઓક્સિજન થેરાપી” અપાઈ હતી, પરંતુ તેમાં પણ કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નહીં.
પરિવાર પર આ સારવારનો ભારે આર્થિક બોજ પડ્યો. અશોક રાણાએ ત્રણ વર્ષ પહેલા દિલ્હીના મહાવીર એન્ક્લેવમાં આવેલું પોતાનું ઘર વેચી દીધું અને ગાઝિયાબાદના રાજનગર એક્સ્ટેન્શનમાં રહેવા લાગ્યા.અંતે જ્યારે ડોક્ટરોએ જણાવ્યું કે હરિશની સ્થિતિ અચૂક અને અસાધ્ય છે, ત્યારે પરિવારે કોર્ટનો દરવાજો ખટખટાવ્યો. અગાઉના Common Cause vs Union of India કેસમાં આપવામાં આવેલી માર્ગદર્શિકાના આધારે સુપ્રીમ કોર્ટએ જીવનરક્ષક સારવાર પાછી ખેંચવાની મંજૂરી આપી.
અશોક રાણાએ કહ્યું, “પિતા તરીકે આ ખૂબ જ પીડાદાયક છે, પરંતુ માનવતા માટે કદાચ આ જ શ્રેષ્ઠ નિર્ણય છે. માત્ર મારા પુત્ર માટે જ નહીં, દેશમાં આવી સ્થિતિમાં રહેલા અનેક લોકો માટે આ નિર્ણય માર્ગદર્શન આપશે.”
હવે હરિશને આપવામાં આવતી PEG ટ્યુબ દ્વારા મળતી જીવનરક્ષક સારવાર હટાવવામાં આવશે અને તેમને પેલિયેટિવ અને કમ્ફર્ટ કેર આપવામાં આવશે.