એક સિલ્વર બોલ્ટ જેવી વસ્તુ છે. તેની લંબાઈ માત્ર 8 mm છે. લંબાઈમાં તે 5 રૂપિયાના સિક્કા કરતાં પણ નાનો છે. અડધા ઇંચથી પણ નાના આ કેપ્સ્યુલે દેશને અપંગ બનાવી દીધો છે. આ કોઈ ફિલ્મનો ડાયલોગ નથી. ઓસ્ટ્રેલિયાની આજની વાસ્તવિકતા આ છે. હકીકતમાં, 16 જાન્યુઆરી, 2023ના રોજ, એક રેડિયોએક્ટિવ (કિરણોત્સર્ગી) કેપ્સ્યુલ ટ્રકમાં લોડ કરવામાં આવી હતી અને અત્યંત કાળજી સાથે તેને રિપેરિંગ માટે મોકલવામાં આવી હતી. કેપ્સ્યુલનું પેકિંગ પણ જબરદસ્ત હતું, જેથી કોઈને હાનિ ન પહોંચે. આ પેકેજ 25 જાન્યુઆરીએ ખોલવામાં આવ્યું ત્યારે તેમાં કેપ્સ્યુલ ન હોવાનું જાણવા મળતાં હડકંપ મચી ગયો હતો! કેપ્સ્યુલ રસ્તામાં પડી હોવાની આશંકા હતી. તે જ્યાંથી આવી હતી તે જગ્યા 1500 km દૂર હતી. મકાઈના દાણા જેટલી વસ્તુ 1500 kmની ત્રિજ્યામાં ગમે ત્યાં પડી હોઈ શકે છે એટલે કે ભૂસાના ઢગલામાં રાઈનો દાણો શોધવા જેવું કઠીન છે.
આ માહિતી બહાર આવતાની સાથે જ સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો. સરકાર તરત જ એક્શનમાં આવી ગઈ હતી. સર્ચ ઓપરેશન ચલાવવા માટે આખી ટીમ તૈનાત કરી હતી. હવે ઓસ્ટ્રેલિયાની ન્યૂક્લિયર એજન્સી પણ આ મિશનમાં જોડાઈ ગઈ હતી. આ ઉપરાંત ઈમરજન્સી વિભાગે પણ લોકોને સાવચેત રહેવા જણાવ્યું હતું. ત્યાર બાદ 1 ફેબ્રુઆરીએ સમાચાર આવ્યા કે કેપ્સ્યુલ મળી ગઈ છે. જ્યાં સુધી મળી ન હતી ત્યાં સુધી આખા ઓસ્ટ્રેલિયાનો શ્વાસ અદ્ધર થઈ ગયો હતો.
અલબત્ત, તમને સવાલ થતો હશે કે, ઓસ્ટ્રેલિયામાં ખોવાયેલી આ નાનકડી કેપ્સ્યુલ કેવી રીતે મળી? ઓસ્ટ્રેલિયા આટલી નાની કેપ્સ્યુલને લઈને આટલું ગભરાયેલું કેમ હતું? – અને, કદાચ જો આ કેપ્સ્યુલ ન મળી હોત તો શું થયું હોત? રિયો ટિંટો એ 145 વર્ષ જૂની એંગ્લો-ઓસ્ટ્રેલિયન કંપની છે. તેનું હેડક્વાર્ટર લંડનમાં છે પરંતુ ધંધો ઓસ્ટ્રેલિયામાં ફેલાયેલો છે. શું ધંધો કરે છે? ધાતુ અને ખાણકામનો. તે આ ક્ષેત્રમાં વિશ્વની 3 સૌથી મોટી કંપનીઓમાંની એક છે.
રિયો ટિંટોની કેટલીક ખાણો પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં પણ છે. પશ્ચિમ ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયાનો એક પ્રાંત છે. પિલબારા આ પ્રાંતના ઉત્તરમાં છે. અહીં રિયો ટિંટોની આયર્ન ઓરની ખાણો છે. આયર્ન ઓર લોખંડનો કાચો માલ છે. સમગ્ર વિશ્વમાં ખાણોમાંથી કાચો માલ કાઢવા માટે દરરોજ રેડિયોએક્ટિવ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે, આમાં ખૂબ કાળજી લેવામાં આવે છે. કિરણોત્સર્ગી સામગ્રીને રાખવા, તેને લઈ જવા અથવા એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે તમામ પ્રકારના સુરક્ષા પગલાંનું ધ્યાન રાખવામાં આવે છે. જો આખી પ્રક્રિયામાં ક્યાંય પણ ભૂલ થઈ જાય તો તે ખતરનાક બની શકે છે.
આ ભયનું એક સ્વરૂપ 25મી જાન્યુઆરીએ અહીંના લોકોને સમજાયું હતું. વાસ્તવમાં, 10 જાન્યુઆરીએ પિલબારામાં એક કેપ્સ્યુલમાં ગડબડ થઈ હતી. તેને રિપેર કરવા માટે પર્થ મોકલવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. પર્થ પશ્ચિમ ઓસ્ટ્રેલિયાની રાજધાની છે. પિલબારાથી પર્થ સુધીનો રસ્તો લગભગ 1,500 km લાંબો છે. કેપ્સ્યુલને સ્ટીલના બોક્સમાં સીલ કરીને પછી ટ્રકમાં લોડ કરવામાં આવી હતી અને 12 જાન્યુઆરીએ ટ્રક પર્થ જવા રવાના થઈ હતી. ટ્રક 16 જાન્યુઆરીએ પર્થ પહોંચી હતી. 25 જાન્યુઆરીએ પેકેજ ખોલવામાં આવ્યું હતું. જો કે પેકેજ ખોલ્યું ત્યારે જાણવા મળ્યું કે કેપ્સ્યુલ ધરાવતું પેકેજ ગાયબ હતું. ટ્રકના કેટલાક નટ અને બોલ્ટ બહાર આવી ગયા હતા! કંપનીને આ અંગેની જાણ થતાં જ તેણે પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના સરકારી વિભાગોને જાણ કરી હતી. તેની ગંભીરતાની જાણ થતાં જ સમગ્ર વિભાગ એક્શનમાં આવી ગયો હતો. આ પછી લાંબું સર્ચ ઓપરેશન શરૂ થયું હતું.
આખી સરકાર કેપ્સ્યુલની શોધમાં લાગી ગઈ હતી પરંતુ એક અઠવાડિયા સુધી તેના વિશે કોઈ સર્ચ-સમાચાર મળ્યા ન હતા! આના 2 મોટા કારણો હતા. – પ્રથમ. કેપ્સ્યુલનું કદ. કેપ્સ્યુલ કદમાં એટલી નાની હતી કે તેને શોધવાનું મુશ્કેલ હતું. તદુપરાંત, પિલબારાથી પર્થનો રસ્તો એટલો લાંબો હતો કે દરેક ખૂણાને આવરી શકાય તેમ ન હતો. બીજું કારણ વિલંબ સાથે સંકળાયેલું હતું. કેપ્સ્યુલ 12 થી 16 જાન્યુઆરીની વચ્ચે ટ્રકમાંથી પડી હતી અને ટ્રકમાંથી પેકેજ ખોલવામાં બીજા દિવસો લાગી ગયા હતા. મતલબ કે કેપ્સ્યુલ ગુમ થયાને 10 દિવસ થઈ ગયા હતા! એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે કેપ્સ્યુલ રસ્તા પર પડી ગઈ હશે અને કોઈ વાહનના ટાયરમાં ફસાઈને રહેણાંક વિસ્તારમાં પહોંચી ગઈ હશે. જો આમ થયું હોય તો લોકો સીધા જ ડેન્જરસ કેપ્સ્યુલના સંપર્કમાં આવી શકે. આ વિચારથી જ આખા 150 kmના વિસ્તારમાં ગભરાટનો માહોલ છવાઈ ગયો હતો.
પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગે એક નિવેદન બહાર પાડી લોકોને ચેતવણી આપી અને કહ્યું કે – કેપ્સ્યુલ દેખાય તો શું કરવું અને શું ન કરવું? આ ચેતવણી અનુસાર – જો તમને કેપ્સ્યુલ દેખાઈ તો તેનાથી 5 mt દૂર રહેવું. કોઈ પણ સંજોગોમાં તેને સ્પર્શ કરવો નહીં. કેપ્સ્યુલ ઉપાડીને બેગમાં, ખિસ્સામાં કે કારમાં તો રાખવી જ નહીં અને સૌથી પહેલાં ઇમરજન્સી વિભાગને કૉલ કરવો.
જો કોઈ વ્યક્તિ આકસ્મિક રીતે કેપ્સ્યુલના સંપર્કમાં આવી જાય તો આવી સ્થિતિમાં તરત જ હોસ્પિટલમાં પહોંચી જવું અને ડૉક્ટરને સંપૂર્ણ માહિતી આપવી. બીજી તરફ આરોગ્ય વિભાગે કહ્યું કે – તેના સંપર્કમાં આવવાથી ત્વચામાં બળતરા અને શરીરમાં નબળાઈ આવી શકે છે. મીડિયા રિપોર્ટસમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે – તેને માત્ર સ્પર્શ કરવાથી ગંભીર બીમારી થઈ શકે છે અને તેની અસર 300 વર્ષ સુધી રહી શકે છે. હવે પ્રશ્ન એ છે કે ખોવાયેલી આ કેપ્સ્યુલ માત્ર ઓસ્ટ્રેલિયામાં જ હતી કે અન્ય દેશોમાં પણ હોય છે? નિષ્ણાતોનું કહેવું છે કે – આ પ્રકારની ઘણી કેપ્સ્યુલ્સ દુનિયામાં છે. ખૂબ જ સામાન્ય છે.
તમે સીઝિયમ કેપ્સ્યુલ વિશે બધું જાણી લીધું, હવે ચાલો જાણીએ કે, આ મામલે છેવટે શું થયું? 1 ફેબ્રુઆરીએ અધિકારીઓએ માહિતી આપી હતી કે ખોવાયેલી કેપ્સ્યુલ મળી આવી છે. સર્ચ ઓપરેશનમાં લાગેલા એક વાહનને આ કેપ્સ્યુલ રોડની બાજુમાંથી મળી આવી હતી. જો કે, કેપ્સ્યુલ જ્યાં મળી એ વિસ્તારમાં આસપાસની 20 mtની ત્રિજ્યાને હોટ ઝોન તરીકે જાહેર કરવામાં આવી હતી. એક વિશેષ ટીમ તે કેપ્સ્યુલને સુરક્ષિત જગ્યાએ લઈ ગઈ હતી. નિષ્ણાતોનું કહેવું છે કે એક મોટો ખતરો ટળી ગયો છે.
આ ઘટના પછી હવે ઓસ્ટ્રેલિયન સરકારે રેડિયોએક્ટિવ મટીરિયલ સંબંધિત કાયદામાં ફેરફાર કરવાનું વચન આપ્યું છે. હાલમાં આવી સામગ્રીના પરિવહનમાં અનિયમિતતા માટે માત્ર 80,000 રૂપિયાનો દંડ છે. વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે કહ્યું છે કે આ દંડ પૂરતો નથી. ઓસ્ટ્રેલિયાને સમયસર રેડિયોએક્ટિવ કેપ્સ્યુલ મળી, સારું થયું પરંતુ આ ઘટનાએ ચોક્કસપણે સમગ્ર વિશ્વને સાવચેત રહેવાની સલાહ આપી છે.