વિધાનસભામાં માહિતી વિભાગની રૂ. ૩૨૫ કરોડથી વધુની અંદાજપત્રીય માંગણીઓ પસાર થઈ
ગાંધીનગર,તા.16
ગુજરાત વિધાનસભા ગૃહમાં માહિતી અને પ્રસારણ વિભાગની વર્ષ ૨૦૨૬-૨૭ની અંદાજપત્રીય માંગણીઓ પર ચર્ચા દરમિયાન સીનીયર કેબીનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ વિભાગની કામગીરીને બિરદાવી જણાવ્યું હતું કે માહિતી અને પ્રસારણ વિભાગ કદમાં નાનો હોવા છતાં રાજ્ય સરકાર, માધ્યમો અને પ્રજા વચ્ચે વિશ્વાસનો સેતુ બનીને અત્યંત મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી રહ્યો છે. સરકારની ઇમેજ બિલ્ડિંગ તેમજ જનકલ્યાણકારી યોજનાઓની વિશ્વસનીય માહિતી છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં વિભાગની ભૂમિકા ખૂબ જ અગત્યની છે.મોઢવાડિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વર્ષ ૨૦૨૬-૨૭ માટે રજૂ કરાયેલી રૂ. ૩૨૫ કરોડથી વધુની અંદાજપત્રીય માંગણીઓ ડિજિટલ તથા પરંપરાગત માધ્યમોના સમન્વય દ્વારા રાજ્યના વિકાસને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડશે.
તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી રાજ્યની સીમાઓને પાર કરીને દેશ-વિદેશ સુધી પહોંચે તે માટે વિભાગ દ્વારા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષાઓમાં અખબારી યાદીઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ બહુભાષી અભિગમના કારણે ગુજરાતના વિકાસ મોડલની ચર્ચા આજે વિશ્વભરમાં થાય છે.
તેમણે ગૃહનું ધ્યાન દોરતા જણાવ્યું હતું કે દિલ્હીમાં આયોજિત ૨૬ જાન્યુઆરીની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોએ સતત ચાર વર્ષથી લોકપ્રિય પસંદગી શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવીને અનોખો ઇતિહાસ રચ્યો છે. ચાલુ વર્ષે ૭૭મા પ્રજાસત્તાક દિને ‘સ્વતંત્રતા કા મંત્ર: વંદે માતરમ’ વિષય આધારિત ટેબ્લોએ સતત ચોથીવાર પ્રથમ સ્થાન મેળવ્યું છે. અગાઉ ‘સ્વચ્છ-હરિત ઊર્જાયુક્ત ગુજરાત’ (૨૦૨૩), ‘ધોરડો’ (૨૦૨૪) અને ‘આનર્તપુરથી એકતાનગર’ (૨૦૨૫) જેવા વિષયો દ્વારા ગુજરાતે પોતાની સાંસ્કૃતિક તથા વિકાસલક્ષી ઓળખ રાષ્ટ્રીય મંચ પર રજૂ કરી છે.લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકારોના હિત માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવતાં મોઢવાડિયાએ કહ્યું હતું કે માહિતી વિભાગ દ્વારા રાજ્યના પત્રકારોને પ્રેસ માન્યતા કાર્ડ આપવામાં આવે છે, જેના આધારે તેમને અનેક સરકારી યોજનાઓના લાભ મળે છે. ઉપરાંત પત્રકારો માટે સામૂહિક જૂથ વીમા યોજના પણ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ કુદરતી મૃત્યુના કિસ્સામાં પરિવારને રૂ. ૨ લાખ અને અકસ્માતજન્ય મૃત્યુના કિસ્સામાં રૂ. ૧૦ લાખનું સુરક્ષા કવચ આપવામાં આવે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આધુનિક તકનીકી યુગ હોવા છતાં છેવાડાના નાગરિકો સુધી પહોંચવા માટે વિભાગ ભવાઈ, લોકડાયરા અને શેરી નાટક જેવા પરંપરાગત માધ્યમોનો પણ અસરકારક ઉપયોગ કરે છે. સાથે જ “ગુજરાતી ચલચિત્રો માટે પ્રોત્સાહન નીતિ-૨૦૧૯” અંતર્ગત આર્થિક સહાય અને પારિતોષિકો આપીને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે. આ પ્રોત્સાહનના પરિણામે “લાલો – શ્રી કૃષ્ણ સદા સહાયાતે” જેવી ફિલ્મોએ આશરે રૂ. ૧૦૦ કરોડ જેટલી કમાણી કરી છે.
તેમણે કહયું હતું કે માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત થતું ગુજરાત સરકારનું મુખપત્ર ‘ગુજરાત પાક્ષિક’ પણ સરકારના નિર્ણયો અને વિકાસગાથાઓને જન-જન સુધી પહોંચાડવાનું મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યું છે. આ પ્રકાશન મહિનામાં બે વાર બહાર પડે છે અને પ્રજા તથા શાસન વચ્ચેના અંતરને ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ખાસ કરીને યુવાનોમાં તેનો વાચક વર્ગ સતત વધી રહ્યો છે.