દક્ષિણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર મહેશ બાબુ અને પીઢ દિગ્દર્શક એસ.એસ. રાજામૌલીની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘વારાણસી’ને લઈને સતત નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે. આ ફિલ્મને લઈને દર્શકોમાં ભારે ઉત્સુકતા છે પરંતુ હવે એક ચોંકાવનાર સમાચાર સામે આવ્યા છે. સૂત્રો અનુસાર જાણવામાં મળ્યું છે કે આ ફિલ્મમાંથી એક બોલિવૂડ અભિનેતાને બહાર કરવામાં આવી શકે છે.
ફિલ્મ જગતના સૂત્રો અનુસાર શરૂઆતમાં મહેશ બાબુના પિતાની ભૂમિકા માટે બોલિવૂડના જાણીતા અભિનેતા રજત કપૂરને પસંદ કરવામાં આવ્યા હતા. જોકે હવે રાજામૌલી આ કાસ્ટિંગમાં ફેરફાર કરવા પર વિચાર કરી રહ્યા છે.
ફિલ્મ સાથે જોડાયેલા એક નજીકના સૂત્રએ જણાવ્યું હતું કે રજત કપૂરને તેમની અભિનય ક્ષમતાને ધ્યાનમાં રાખીને પસંદ કરવામાં આવ્યા હતા. તેમણે ‘મિથ્યા’, ‘મિક્સ્ડ ડબલ્સ’ અને ‘સિદ્ધાર્થ’ જેવી ફિલ્મોમાં પ્રશંસનીય કામ કર્યું છે પરંતુ પાત્રના વિકાસ દરમિયાન દિગ્દર્શક અને અભિનેતા વચ્ચે પાત્રની રજૂઆતને લઈને સહમતિ બની શકી નથી. રાજામૌલી પોતાના પાત્રો માટે અત્યંત સ્પષ્ટ દૃષ્ટિકોણ ધરાવે છે અને તેઓ દરેક ભૂમિકામાંથી શ્રેષ્ઠ પ્રદર્શન ઇચ્છે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજામૌલીને લાગ્યું કે આ મહત્વપૂર્ણ પાત્ર માટે જે પ્રકારનું પ્રભાવશાળી પ્રદર્શન જરૂરી છે તે કદાચ રજત કપૂરમાંથી પ્રાપ્ત નહીં થઈ શકે. તેથી તેમણે શૂટિંગમાંથી વિરામ લઈને બીજા વિકલ્પો પર વિચારવાનું શરૂ કર્યું છે. જોકે આ નિર્ણય કોઈ વ્યક્તિગત કારણે લેવામાં આવ્યો નથી.
હાલ સુધી ફિલ્મની ટીમ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ આ કાસ્ટિંગ ફેરફારની ચર્ચાએ ફિલ્મને લઈને ઉત્સુકતા વધુ વધારી દીધી છે.