Columns

શાળા કરતાં મોટી શાળા ઘરને કેમ ન બનાવી શકાય?

મનુષ્ય પશુઓથી જુદો પડે છે, તેવી ઘણી ભેટ ઇશ્વરે મનુષ્યને આપેલી છે. પશુપક્ષીઓ બોલી શકતાં નથી પરંતુ મનુષ્ય બોલી શકે છે અને એ જે વિચારે તે શબ્દદેહે બીજાને સમજાવી શકે છે. મનુષ્યના મનમાં જે છે તે અન્યને શબ્દોથી આપી શકે છે. પશુપંખીઓ ચોકકસ પ્રકારનો અવાજ કાઢી શકે છે પરંતુ એ અવાજમાં અન્ય કોઇ સમજી શકે તેવી સ્પષ્ટતા નથી કે જે મનુષ્યની વાણીમાં છે. પ્રભુ તરફથી વાણીની ભેટ મનુષ્યને મળી છે પરંતુ આ ભેટને મનુષ્ય સમજી શકયો નથી. તેથી ભેટરૂપે મળેલી વાણીનો તે દુરુપયોગ કર્યા કરે છે. જે મોંથી મીઠી વાણી પણ નીકળે છે, તે જ મોંથી બીજાને ખોટું લાગી જાય તેવી વાણી ઉચ્ચારતા સમાજમાં આપણી આજુબાજુ ઘણા છે.

એક ઘરમાં એક વૃદ્ધ તેના કુટુંબ સાથે રહે છે. આ ઘરના યુવાનો કે બાળકો આ વૃદ્ધને બાપા, દાદા એવા સંબોધનથી નથી બોલાવતા પરંતુ સૌ તિરસ્કારયુકત વાણીથી તે વૃદ્ધને ‘ડોહલું’ કહી બોલાવે છે. તે વૃદ્ધ કહે કે, હું ડોસામાંથી પણ ગયો? આ મારા સંતાનોને અક્કલ નથી કે સૌ વચ્ચે તમે મને ઉતારી પાડી ‘ડોહલું’ જેવા સંબોધનથી બોલાવો છો, પણ તમારા જ સંતાનો પણ આવતીકાલે તમને આ જ રીતે બોલાવશે. ‘મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડિયા’નું ચક્ર ચાલવાનું જ છે. ઘરનાં સંતાનો પાછા યુનિવર્સિટીમાં ભણે છે. પેલા વૃદ્ધ કહે કે, ‘અમારા સમયમાં આટલું મોંઘું ભણતર ન હતું, પરંતુ મા-બાપ કે વડીલો સાથે વિનયપૂર્વક અને નમ્રતાથી બોલવાની અમને ઘરમાંથી જ શીખામણ આપેલી છે. ભીંત પર કાળા અને લાલ અક્ષરોમાં લખાયેલા પ્રમાણપત્રો(સર્ટિફિકેટસ) અમારી પાસે તો નથી, પરંતુ કોની સાથે કેવું બોલવું કે કેવું વર્તન કરવું તેની શીખામણ ઘરની શાળામાંથી જ અમને મળેલી છે.’ 

પશુ, પંખીઓ બોલી શકતાં નથી છતાં પરસ્પર પ્રેમથી રહે છે, જ્યારે માણસ જાત પાસે અભિવ્યકિતની શકિત હોવા છતાં તેનો કેટલો દુરુપયોગ મનુષ્ય કરે છે તે તો આવા પ્રસંગો પરથી જોઇ શકાય છે. વડીલો સાથે કેવી રીતે વર્તવું તેવા પાઠો કદાચ શાળામાં ન પણ શીખવાતા હોય, પરંતુ પ્રત્યેક ઘરમાં વડીલો જ ઘરના બાળકોને કોની સાથે કેમ બોલવું એ વાણીનો વહેવાર તો જરૂર શીખવી શકે છે. બાળક છે તેથી ભૂલી પણ જાય પરંતુ ઘરના વડીલોએ જ બાળકોને ઘરમાંથી જ કેવી વાણી બોલવી તથા કોની સાથે કેવું વર્તન કરવું એ બધું તો શીખવી શકાય ને? જેઓ ઘરમાં જ વિવેકી વાણીનો વહેવાર કરે છે, તે ઘરના બાળકો જ સમાજમાં વિવેકીવાણીનો વહેવાર કરી શકશે. શાળા કરતાં મોટી શાળા ઘરને કેમ ન બનાવી શકાય?

Most Popular

To Top