ભારતીય રેલવેના ઇતિહાસમાં આજ રોજ તા. 8 નવેમ્બર શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીથી એકસાથે ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી. આ ટ્રેનોના પ્રારંભ સાથે દેશમાં વંદે ભારત સેવાઓની સંખ્યા 164 પર પહોંચી ગઈ છે.
વારાણસી રેલ્વે સ્ટેશનથી લોન્ચ કરાયેલી આ ચાર નવી વંદે ભારત ટ્રેનો ભારતીય રેલવેના આધુનિકીકરણ તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. વંદે ભારત ટ્રેન ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ હેઠળ બનેલી છે અને તે ગતિ, આરામ અને ટેકનોલોજીના અનોખા સંયોજનનું પ્રતીક છે.
ટ્રેનોને લીલી ઝંડી આપ્યા બાદ પીએમ મોદીએ જાહેર સભાને સંબોધિત કરતાં જણાવ્યું કે “આજે વંદે ભારત, નમો ભારત અને અમૃત ભારત જેવી ટ્રેનો ભારતની આગામી પેઢીની રેલવે પ્રણાલીની શરૂઆત છે. વંદે ભારત એ ભારતીયો માટે, ભારતીયો દ્વારા અને ભારતીયો માટે બનેલી ટ્રેન છે. જે આપણા ગૌરવનું પ્રતિક છે.”
નવી 4 ટ્રેનોના રૂટ:
બનારસ–ખજુરાહો વંદે ભારત એક્સપ્રેસ
વારાણસીથી ખજુરાહો સુધીની આ નવી ટ્રેન મુસાફરીનો સમય આશરે 2 કલાક અને 40 મિનિટ ઓછો કરશે. વારાણસી, પ્રયાગરાજ, ચિત્રકૂટ અને ખજુરાહોને જોડતી આ ટ્રેન ધાર્મિક અને સાંસ્કૃતિક પર્યટન માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
લખનૌ–સહારનપુર વંદે ભારત એક્સપ્રેસ
આ ટ્રેન લખનૌ અને સહારનપુર વચ્ચેની મુસાફરીને માત્ર 7 કલાક 45 મિનિટમાં પૂર્ણ કરશે. તે સીતાપુર, બરેલી, મુરાદાબાદ અને બિજનૌર જેવા શહેરોને જોડશે, જેનાથી પશ્ચિમ અને મધ્ય ઉત્તર પ્રદેશ વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત થશે.
ફિરોઝપુર–નવી દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ
પંજાબ અને રાજધાની દિલ્હીને જોડતી આ ટ્રેન ફક્ત 6 કલાક 40 મિનિટમાં સફર પૂર્ણ કરશે. ફિરોઝપુર, ભટિંડા અને પટિયાલા જેવા શહેરોને સીધી રાજધાની સાથે જોડતાં આ રૂટ વેપાર અને રોજગાર માટે નવી તકો ઊભી કરશે.
એર્નાકુલમ–બેંગલુરુ વંદે ભારત એક્સપ્રેસ
દક્ષિણ ભારત માટે વરદાનરૂપ આ ટ્રેન એર્નાકુલમથી બેંગલુરુ સુધીનો સમય 2 કલાક ઘટાડીને ફક્ત 8 કલાક 40 મિનિટ કરશે. કેરળ, તમિલનાડુ અને કર્ણાટકના મુખ્ય વ્યાપારિક અને શૈક્ષણિક કેન્દ્રોને જોડવાથી આ ટ્રેન પ્રાદેશિક વિકાસને ગતિ આપશે.
આ ચાર નવી વંદે ભારત ટ્રેનોના પ્રારંભથી મુસાફરોને વધુ ઝડપ, આરામ અને સુવિધાનો અનુભવ મળશે. વડા પ્રધાન મોદીએ કહ્યું કે “આ ટ્રેનો ભારતના વિકાસના નવા ટ્રેક પર રાષ્ટ્રને આગળ લઈ જઈ રહી છે.”