દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા નજીકથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડીને ગુજરાત પોલીસે સનસનાટી મચાવી દીધી હતી. ખંભાળિયા નજીકથી રૂપિયા 350 કરોડનું 66 કિલો ડ્રગ્સ સાથે એક શખસની પોલીસે ધરપકડ કરી હતી. દ્વારકાની લોકલ ક્રાઇમબ્રાન્ચ અને એસઓજીની ટીમે સંયુક્તરીતે આ ઓપરેશન હાથ ધર્યું હતું. ડ્રગ્સ મુદ્દે ગૃહ મંત્રીએ કહ્યું હતું કે દેશના ઈતિહાસમાં આ સૌથી મોટો પર્દાફાશ છે. તેમણે આ કામગીરી કરનારા પોલીસને અભિનંદન આપ્યા હતાં.
પોલીસે માત્ર 3 દિવસ માંજ મહત્વની કામગીરી કરી છે. તેમણે કહ્યું હતું કે ખૂણે ખૂણેથી ડ્રગ્સના માફિયાઓને શોધવાની કામગીરી કરવામાં આવી છે. અમદાવાદ અને સુરત પોલીસે ડ્રગ્સ પેડલરોને પકડી પાડ્યાં છે. બે મહિનાના સમયગાળામાં જ પોલીસે આ મુદ્દે ગંભીર કામગીરી કરી છે. તેમણે કહ્યું હતું કે, 55 દિવસમાં 245 કરોડથી વધુની રકમનો 5756 કિલોનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.90 થી વધુ આરોપીને પકડી પાડવામાં આવ્યા છે. છેલ્લાં બે મહિનાથી રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા ડ્રગ્સ મામલે 58 કેસ કરવામાં આવ્યા છે. 90 થી વધુ આરોપીને પકડી પાડવામાં આવ્યા છે.
આ મોટો જથ્થો ઝડપાયા બાદ ‘નો ડ્રગ્સ ઈન સુરત’ના અભિયાન સાથે કામ કરતી સુરત પોલીસે ડ્રગ્સ બનાવવા માટે શરૂ થયેલી લેબોરેટરી અને તેના સેટ લઈ ફેક્ટરી શરૂ થાય તે પહેલા જ બંધ કરાવી દીધી હતી. હાલના તબક્કે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશની જો કોઇ મોટી સમસ્યા હોય તો તે ડ્રગ્સ સહિતના નશાકારક પદાર્થોની છે. ગરીબ યુવાનોથી લઇને ગ્લેમર ધરાવતા ફિલ્સ સ્ટાર્સના નબીરાઓ સુધી આ દૂષણ પહોંચી ગયું છે. ખાસ કરીને યુવાવર્ગ માત્ર દેખાદેખીમાં આ નશાનો બંધાણી બની રહ્યો છે. આવા સંજોગોમાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી, ગૃહમંત્રાલયના અધિકારીઓ અને ગુજરાત પોલીસે ડ્રગ્સનો વેપાર અને તેની હેરાફેરીને નેસ્તનાબૂદ કરવાની જે કાર્યવાહી શરૂ કરી છે તે ખરેખર સરાહનીય છે.
અત્યાર સુધી માત્ર દારૂ જુગાર પાછળ દોડતી પોલીસ પહેલી વખત ભવિષ્યની પેઢીને નેસ્તનાબૂદ કરવાની ક્ષમતા ધરાવતા આ ડ્રગ્સ માફિયાઓને વીણી વીણીને ખતમ કરી રહી છે તે રીતે જો એક વર્ષ સુધી સતત આ કામગીરી ચાલુ રહી તો નશાના દળ દળમાં ફસાઇ ચૂકેલા યુવાનોના પરિવારના આશિર્વાદ ગુજરાત પોલીસને મળી શકે તેમ છે. ગુજરાત માટે સૌથી સારી બાબત એ છે કે, હાલના ગૃહમંત્રીનું સંપૂર્ણ ફોકસ ડ્રગ્સના વેપલાને નેસ્તનાબૂદ કરવા પર છે તો બીજી તરફ ડીજીપી તરીકે આશિષ ભાટિયા બેઠા છે. આશિષ ભાટિયા બોલવામાં માનતા નથી તેઓ ફક્ત કામ કરવામાં માને છે અને તેમના માટે એવું કહેવાય છે કે, તેઓ ગુનાખોરીના વૃક્ષનું થડ કાપવામાં માનતા નથી તેને મૂળમાંથી જ ઉખાડી નાંખે છે.
હવે ડ્રગ્સ બાબતે તેમને મંત્રાલય તરફથી છૂટો દોર મળી ગયો હોવાથી આગામી દિવસોમાં ગુજરાતમાં ડ્રગ્સની અનેક મોટી ખેપ પકડાઇ તે દિવસ દૂર નથી. જો કે, ગુજરાત પોલીસના આ સારા અભિયાનથી પણ કેટલાંક નેતાઓના પેટમાં ચૂક આવે છે. તાજેતરમાં જ સુરત પોલીસે ડ્રગ્સની લેબોરેટરી પકડી તે સારી બાબત ગણાવવાના બદલે કોંગ્રેસના એક નેતાએ ગુજરાતની સરખામણી પંજાબ સાથે કરીને ઉડતા ગુજરાત નામ આપી દીધું.
જો કે, આવા નિવેદનથી ગુજરાત પોલીસના અભિયાનમાં કોઇ ફેર પડે તેવું હાલના તબક્કે તો લાગી નથી રહ્યું પરંતુ. આ નેતાએ પંજાબ માટે નિવેદન કરતાં પહેલા વિચારવું જોઇએ કે પંજાબ માટે તેઓ બોલી રહ્યાં છે ત્યાં કોની સરકાર છે? અને ગુજરાતમાંથી જેટલા મોટા જથ્થા ઝડપાયા છે તે કયા રાજ્યમાં જવાના હતા અને ત્યાં કોની સરકાર છે? ગુજરાતમાંથી જેટલો જથ્થો પકડાયો છે તેમાંથી મોટાભાગનો મુંબઇ જવાનો હતો. ગુજરાતનો ઉપયોગ તેઓ રૂટ તરીકે જ કરે છે.