મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra)માં ભારે વરસાદ (Heavy Rain)ના કારણે સમગ્ર રાજ્યમાં પાયમાલી જોવા મળી રહી છે. બે દિવસથી સતત વરસતા વરસાદે રાજ્યના ઘણા ગ્રામીણ વિસ્તારો (rural area)માં તબાહી મચાવી છે. નદીઓ છલકાઈ રહી છે, રસ્તાઓ અને વસાહતોમાં પાણી ભરાય જતા જન જીવન પ્રભાવિત થયું છે.
રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રમાં ભારે વરસાદ અને પૂર (flood)ને કારણે અત્યાર સુધીમાં 13 લોકોના મોત (13 death) થયા છે, જેમાં નાસિક (nasik)માં 1, જાલનામાં 1, બીડમાં 2, ઉસ્માનાબાદમાં 2, પરભણીમાં 2, લાતુર (latur)માં 1 નો સમાવેશ થાય છે. બુલઢાણામાં 3 અને યવતમાલમાં 3 મોત નોંધાયા હતા. આ સિવાય 4 વ્યક્તિઓ ઘાયલ થયા છે. પૂરના કારણે અત્યાર સુધીમાં 205 પશુઓના પણ મોત થયા છે. વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે અને હવામાન વિભાગે વધુ વરસાદની ચેતવણી આપી છે. વરસાદના ખતરાને જોતા એનડીઆરએફ (નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ) ની એક -એક ટીમ ઉસ્માનાબાદ અને લાતુરમાં તૈનાત કરવામાં આવી છે. લાતુર અને ઉસ્માનાબાદમાં બચાવ કામગીરી માટે વાયુસેનાનું હેલિકોપ્ટર પણ મોકલવામાં આવ્યું છે. SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ) ની એક ટીમ જલગાંવમાં તૈનાત કરવામાં આવી છે.
ઘણા જિલ્લાઓમાં વરસાદ માટે હાઈ એલર્ટ જાહેર કરાયું
હવામાન વિભાગે રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદની ચેતવણી જારી કરી છે. સવારની આગાહી મુજબ આગામી 3-4 કલાકમાં પાલઘર, થાણે, મુંબઈ, નાસિક, અહમદનગર, નંદુરબાર અને ધુલેમાં વરસાદની સંભાવના છે. સાથે જ આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે ગાજવીજ અને વીજળી પડવાની સંભાવના છે. વિભાગે એમ પણ કહ્યું હતું કે આગામી થોડા કલાકોમાં રાયગઢ અને રત્નાગિરી જિલ્લાઓમાં ઘણી જગ્યાએ મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ શકે છે.
મુંબઈમાં સવારથી વરસાદ
મુંબઈમાં આજે પણ સવારે ભારે વરસાદ થયો છે. સાથે જ હવામાન વિભાગની આગાહી મુજબ અહીં દિવસભર વરસાદની અસર રહેશે. IMD એ બુધવાર માટે ‘યલો એલર્ટ’ જાહેર કર્યું છે જે સૂચવે છે કે ‘વીજળી, પવન અને વાવાઝોડા સાથે અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ’ થશે. મ્યુનિસિપલ અધિકારીએ જણાવ્યું કે મુંબઈમાં ભારે વરસાદ હોવા છતાં કોઈ મોટી જળબંબાકારની ઘટના બની નથી. જાહેર પરિવહન સેવાઓ પણ સામાન્ય રીતે ચાલી રહી છે.
મહત્વની વાત છે કે હાલ મુંબઈની જીવાદોરી ગણાતી લોકલ ટ્રેનને કોઈ અસર થઇ નથી, અને તમામ સેવાઓ અવિરત ચાલી રહી છે. જો કે મોટાભાગના વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે હાલ તંત્રએ એલર્ટ જાહેર કર્યું છે.