સુરત : સુરત (Surat)ના 3 વર્ષના બાળકને કોરોના થયા બાદ (post covid) તેની સાઈડ ઈફેક્ટમાં હ્રદયની બંને ધમની બ્લોક થઈ જવાનો ભારતનો પ્રથમ MIS-C પ્રકારનો પ્રથમ કેસ (first case in India) જોવા મળ્યો હતો. આ બાળકની સુરતની મહાવીર હોસ્પિ.માં ડો. ધવલ શાહ અને ડો. સ્નેહલ પટેલ સહિત તેમની ટીમ દ્વારા બલૂન એન્જિયોપ્લાસ્ટિ (balloon angioplasty) કરીને તેને સ્વસ્થ કરી દેવામાં આવ્યો હતો.
કોરોનામાં પુખ્તવયના લોકોની સાથે સાથે અનેક બાળકો પણ સંક્રમિત થયા હતા. સુરતમાં પણ વરાછામાં રહેતા 3 વર્ષના બાળકને કોરોના થયો હતો અને તેના થોડા સમય બાદ તેને તાવ અને છાતીમાં દુખાવો થતો હોવાની ફરિયાદ હતી. બાળકને તાવ સતત આવતો હતો. જેથી તેને પ્રથમ બાળરોગ હોસ્પિ.માં દાખલ કરાયો હતો. આ બાળકની વધુ તપાસ કરવામાં આવતા તેને MIS-C પ્રકારનો રોગ હોવાનું નિદાન થયું હતું. આ બીમારીના બીજા સપ્તાહમાં બાળકના હ્રદયની 2D ઈકો કાર્ડિયોગ્રાફી કરવામાં આવતાં તેની બંને કોરોનરી ધમનીઓમાં એન્યુરિઝમ અને એક્ટાસિયા હોવાનું નિદાન થયું હતું.
બાળકની યોગ્ય સારવાર શરૂ કરવામાં આવી હતી છતાં પણ તેની સ્થિતિ બગડી હતી અને ત્રીજા અઠવાડિયામાં તેને છાતીમાં દુ:ખાવો થયો હતો. જેથી ડોકટરો દ્વારા બાળકની સિટી કોરોનરી એન્જિયોગ્રાફી કરવામાં આવી, તો તેમાં જણાયું કે બાળકને જમણી કોરોનરી ધમનીના મૂળમાં મોટા થ્રોમ્બસ છે. જેને કારણે તુરંત મહાવીર હોસ્પિ.ના કાર્ડિયોલોજિસ્ટ ડો. ધવલ શાહ અને ડો. સ્નેહલ પટેલ દ્વારા બાળકની થ્રોમ્બોસકશન અને બલૂન એન્જિયોપ્લાસ્ટી કરી ધમનીને ખોલીને સારવાર કરવામાં આવી હતી. બાદમાં બાળકનો લોહી પાતળું કરવાની સતત દવાઓ આપીને બાળકને સારો કરી દેવામાં આવ્યો હતો. બાળક સંપૂર્ણ સ્વસ્થ થઈ જતાં તેને ઘરે મોકલવામાં આવ્યો હતો. આ સારવારમાં બાળકના પરિવારને 3 લાખ રૂપિયાનો ખર્ચો થઈ જવા પામ્યો છે.
સુરતના બાળકનો આ કેસ આખા ભારતભરમાં પ્રથમ કેસ છે: ડો. સ્નેહલ પટેલ
પીડિયાટ્રિક કાર્ડિયોલોજિસ્ટ ડો. સ્નેહલ પટેલે જણાવ્યું હતું કે, સુરતના બાળકમાં જોવા મળેલો કેસ એ ભારતનો આ પ્રકારનો પ્રથમ કેસ છે. જેમાં બાળકમાં 100 ટકા જમણી કોરોનરી ધમની બ્લોકેજ જોવા મળ્યું હતું. આ બ્લોકેજને કેથ લેબમાં થ્રોમ્બોસકશન અને બલૂન એન્જિયોપ્લાસ્ટી કરીને સફળતાપૂર્વક ખોલી નાખવામાં આવ્યું હતું.
દોઢ જ વર્ષમાં 1000 બાળકોમાં પોસ્ટ કોવિડના કેસ જોવા મળ્યા છે
તબીબોએ જણાવ્યું હતું કે, કોરોનાકાળના માત્ર દોઢ જ વર્ષમાં આશરે 1000 જેટલા 2થી 12 વર્ષ સુધીના બાળકોમાં આ અને અન્ય પ્રકારના પોસ્ટ કોવિડના કેસ જોવા મળ્યા છે. આ બીમારીનું કારણ હજુ સુધી શોધી શકાયું નથી પરંતુ નિષ્ણાંતો દ્વારા તેની તપાસ ચાલી રહી છે. મોટાભાગના બાળકો દેખરેખ અને સારવારથી સંપૂર્ણ સાજા થઈ જાય છે.