વેક્સિનેશનની અસરકારકતા અંગેના માત્ર સુરતના જ આંકડા લઇએ તો શહરેમાં વેક્સિનેશનના 8 માસમાં કુલ 32.73 લાખ લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ મુકાવી દીધો છે. તેમજ 14.62 લાખ લોકોએ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે. પરંતુ જેમણે બંને રસી લઇ લીધી હોય તેવા લોકો પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. પરંતુ તે રેશિયો ખૂબ ઓછો છે. તેમજ કોરોનાથી ઝપેટમાં આવ્યા બાદ હોસ્પિટલાઈઝ થવાનો રેશિયો ઘણો ઓછો છે.
વેક્સિન લીધા બાદ કોરોના થતો નથી એવું નથી. પરંતુ જો વેક્સિન લઈ લીધી હોય તો કોરોના જીવલેણ બનતો નથી. કારણ કે, શહેરમાં વેક્સિન લેનારાઓના એકપણ કોવિડ દર્દીના આજદિન સુધી મોત થયાં નથી. જે રીતે પહેલી અને બીજી લહેરમાં કોરોનામાં લોકો મોતને ભેંટયા હતાં તે ખૂબ જ ગંભીર બાબત હતી. ખાસ કરીને બીજી લહેરમાં તો હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા હતા, સ્મશાનમાં લાકડાઓ ખૂટી પડ્યાં હતાં, કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં ખસેડવા માટે એમ્બ્યુલન્સ ખૂટી પડી હતી. અને ઓક્સિજન માટે તો સોનાથી લદાયેલી ટ્રકો હોય તેવી સુરક્ષામાં તેનું વહન કરવું પડતું હતું.
તેનું કારણ એ જ હતું કે, જે લોકો ગંભીર અવસ્થામાં પહોંચ્યા અથવા તો મોતને ભેંટ્યા તેમણે કોરોનાની વેક્સિન લીધી ન હતી. આ તો વાત થઇ સુરતની પરંતુ સમગ્ર વિશ્વની વાત કરીએ તો દુનિયાભરમાં ચાલતા રસીકરણ અભિયાનનું વિશ્લેષણ કરતા એ સમજી શકાયું છે કે રસી ઘણી પ્રભાવી છે. કોરોના વાયરસના નવા વૅરિયન્ટ આવ્યા છતાં રસીની અસરકારકતા ટકી રહી છે અને ખાસ કરીને કોરોના વાયરસથી પ્રભાવિત વ્યક્તિઓમાં ગંભીર રૂપથી બીમાર થવા અને હૉસ્પિટલમાં દાખલ થવા અથવા આઈસીયુમાં દાખલ થવા અને મૃત્યુની શક્યતાઓને ઘટાડવામાં મદદ મળી છે.
આ શાનદાર પરિણામને કારણે એવી ધારણા બંધાઈ રહી છે કે હાલની પરિસ્થિતિમાંથી બહાર નીકળવામાં રસી જ જાહેરઆરોગ્યનું આધારભૂત સાધન અને રસીની પાછળનું વિજ્ઞાન જ આ ઉપલબ્ધિ માટે બચાવની એક રીત છે. મહામારીના વિશ્લેષણનું માળખું અને જાહેરઆરોગ્યની અવધારણામાં ઊંડાણનો અભાવ છે. મહામારીની પાછળનું મૂળ સમજવામાં રહેલી ખામીથી પણ આ વાત ઉજાગર થાય છે. વિશ્લેષણ કરતી વખતે આપણે માત્ર આરોગ્યનાં પાસાંઓને જ ધ્યાનમાં ન લેવાં જોઈએ. જો સંક્રામક રોગોનો ઇતિહાસ જોઈએ તો એ વાતાવરણમાં આપણી આજુબાજુ જીવાણુઓ વગર જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે. છેલ્લાં 30 વર્ષમાં સંક્રામક રોગોનો આપણે વારંવાર સામનો કરવો પડ્યો છે, આ દરમિયાન રોગચાળા વ્યાપક રીતે જોવા મળ્યા છે.
આનો અર્થ એ થયો કે વૈશ્વિક સ્તરે જોઈએ તો કૅન્સર અને હૃદયની બીમારીઓને કારણે મૃત્યુનું પ્રમાણ વધારે છે, પરંતુ નવા સંક્રામક રોગ જે મહામારીમાં પરિવર્તિત થઈ શકે, એવા રોગોની શક્યતા વચ્ચે આપણે જીવીએ છીએ. આ પ્રકારના રોગચાળા પશુઓમાંથી મનુષ્યમાં પ્રવેશ કરતા જીવાણુઓને કારણે ફેલાય છે. આપણે હજી એ નથી સમજી શકતા કે વારંવાર રોગચાળા ફેલાવા પાછળ શું કારણ છે અને તેની સમાજ પર શું અસર પડે છે. આનાથી નવા સંક્રામક રોગોના રિસર્ચના કેન્દ્રમાં ઇકૉસિસ્ટમને થયેલા નુકસાન અને પશુઓની સાથે વધી રહેલી ક્રિયાપ્રતિક્રિયાને મૂકવામાં આવ્યા છે.
હવાઈયાત્રાનો વ્યાપ વધતા દુનિયાના એક ખૂણે પશુમાંથી મનુષ્યમાં જીવાણુના પ્રવેશની ઘટનાથી સંક્રમણ આંતરરાષ્ટ્રીય સ્તરે ઝડપથી ફેલાય છે. સંક્રમણ જેટલી ઝડપથી ફેલાય છે તેટલી ઝડપી જાહેર આરોગ્યસેવાઓની વ્યવસ્થા નથી હોતી. આ ઉપરાંત અવરજવરનાં કેટલાંક મૉડલની પર્યાવરણ પર અસર થાય છે જે જૈવવિવિધતાના સંતુલનમાં પરિવર્તન માટે કારણભૂત બની શકે છે. કોરોનાની પ્રથમ લહેર પૂરી થઈ પછી સર્વેલન્સ સિસ્ટમને આધારે એ સામે આવ્યું કે સંક્રમણનો ખતરો સામાજિક માળખામાં ઉપરથી નીચે આવીએ તેમતેમ વધતો ગયો, કારણ કે એવી નોકરીઓ જ્યાં કાર્યસ્થળની પરિસ્થિતિ બહુ સારી ન હોય અને શારીરિક રૂપે હાજર રહેવાની જરૂર હોય અથવા રહેઠાણ એવું હોય કે જ્યાં આઇસોલેશન મુશ્કેલ હોય, ત્યાં સંક્રમણનો ખતરો વધી જાય છે.
કોરોનાના રંગરૂપ બદલાતા જાય છે તેમ તેમ તેની આક્રમકતા વધતી જાય છે અને તે ખૂબ જ ઝડપથી શરીરના જુદા જુદા અંગો પર માઠી અસર કરે છે. પરંતુ જો વેક્સિન લીધી હોય તે વ્યક્તિનું એન્ટિબોડી ડેવલપ થઇ ચૂક્યું હોય છે. જેના કારણે આવી વ્યક્તિઓ પર કોરોનાની અસર થતી નથી. જો તે કોરોના સંક્રમીત થાય તો પણ તેને ગંભીર અસર થતી નથી અને હોસ્પિટલ સુધી જવું પડતું નથી. જો હોસ્પિટલ જવું પડે તો પણ ઓક્સિજન કે વેન્ટિલેટર સુધી પહોંચવાની સ્થિતિનું નિર્માણ થતું નથી.
આ જ કારણ છે કે, કોરોનાની વેક્સિનના બંને ડોઝ લીધા હોય તેવી એક પણ વ્યક્તિનું સુરતમાં મોત નિપજ્યું નથી. આખા વિશ્વના તજજ્ઞો પણ આ જ મત આપી રહ્યાં છે. તે તમામનું કહેવું છે કે, વેક્સિનના બંને ડોઝ લીધા હોય તેમને કોરોનાનું નવુ વર્ઝન જે ડેલ્ટા વેરિયેન્ટ તરીકે ઓળખાઇ છે તે માઠી અસર કરી શકતું નથી. ભારતની સર્વોચ્ચ મેડિકલ સંસ્થા એઇમ્સના ડાયરેક્ટર ગુલેરિયાએ પણ હાલમાં જ એક નિવેદન કરીને જણાવ્યું હતું કે, કોરોના હવે મહામારી રહી નથી. તેનું કારણ એ છે કે ભારતમાં હવે મોટા ભાગના લોકો વેક્સિનેટેડ છે અને તેના કારણે જ મોતનો દર પણ ઘટી ગયો છે.