Dakshin Gujarat Main

સતત ત્રણ દિવસથી ભારે વરસાદ: વલસાડ, ચીખલી, સેલવાસ, દાદરાનગર હવેલીમાં નદી-નાળાં છલકાયા

વલસાડ (Valsad) જિલ્લાના ધરમપુર તથા કપરાડામાં દિવસ દરમિયાન પણ જોરદાર વરસાદ (Heavy Rain) પડ્યો હતો. કપરાડામાં ગુરુવારે સવારે ૮થી ૧૦ બે કલાકમાં અઢી ઇંચ વરસાદથી નદી-નાળા છલકાયા હતા. બીજી તરફ ધરમપુરમાં સવારે ૧૦થી૧૨ બે કલાકમાં સવા ઇંચ જેવો વરસાદ પડ્યો હતો. ત્યારબાદ ૧૨થી ૨ દરમિયાન પણ એક ઇંચ જેવો વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.

ગુરુવારે પણ જોરદાર વરસાદને કારણે ધરમપુર તેમજ કપરાડા તાલુકામાં વરસાદનું જોર જોવા મળ્યું હતું. જ્યારે દિવસ દરમિયાન પારડી, વલસાડ તેમજ વાપીમાં અડધો-અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. વલસાડ જિલ્‍લા ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ કંટ્રોલરૂમ (DMC)તરફથી મળેલી વિગતો અનુસાર જિલ્લામાં તા. ૨૩/૦૯/૨૦૨૧ ના રોજ સાંજે પૂરા થતા છેલ્‍લા ૨૪ કલાકમાં ઉમરગામ તાલુકામાં 15 મી.મી., કપરાડા તાલુકામાં 69 મી.મી., ધરમપુર તાલુકામાં 60 મી.મી., પારડી તાલુકામાં 17 મી. મી., વલસાડ તાલુકામાં 16 મી.મી. અને વાપી (Vapi) તાલુકામાં 08 મી.મી. વરસાદ નોંધાયો છે. 

 વલસાડ જિલ્લાનો મોસમ કુલ વરસાદ

  • ઉમરગામ ૯૦.૦૪ ઇંચ
  • કપરાડા ૧૦૧.૯૭ ઇંચ
  • ધરમપુર ૭૮.૯૪ ઇંચ
  • પારડી ૬૯.૩૩ ઇંચ
  • વલસાડ ૬૮.૮૬ ઇંચ
  • વાપી ૮૩.૯૦ ઇંચ

ખાનવેલ, સેલવાસ, દાદરાનગર હવેલીમાં નદી-નાળાં છલકાયા

દાદરા નગર હવેલીમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જેના કારણે નદી,નાળા છલકાયા હતા, તો કેટલાક અંતરિયાળ વિસ્તારમાં કાચા ઘરોમાં પાણી ભરાઈ જતા કાદવ કીચડ માહોલ બની ગયો હતો. સેલવાસમાં આજે 31.8 મી.મી. એટલે કે એક ઇંચથી વધુ અને ખાનવેલમાં 91.0 મી.મી. એટલે કે 3.58 ઇંચ વરસાદ પડ્યો છે. સેલવાસનો સિઝનનો કુલ વરસાદ 2204.2 મી.મી. એટલે કે 86.78 ઇંચ અને ખાનવેલમાં 2534.0 મી.મી. એટલે કે 99.76 ઇંચ વરસાદ થયો છે. મધુબન ડેમનું લેવલ 79 મીટર છે. ડેમમાં પાણીની આવક 22248 ક્યુસેક અને પાણીની જાવક 22788 ક્યુસેક રહી છે.

ચીખલીમાં કડાકાભડાકા સાથે 5 ઇંચ વરસાદ, ઘરની છત ઉડી ગઈ

ચીખલી (Chikhli) પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસતા વધુ 5 ઇંચ વરસાદ નોંધાયો હતો. ઉપરાંત ઉપરવાસમાં ધોધમાર વરસાદને પગલે લોકમાતાઓમાં પૂરની સ્થિતિ સાથે ગ્રામ્ય વિસ્તારના અનેક માર્ગો પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર થંભી ગયો હતો. ચાસા ગામમાં મકાન ધરાશાયી થતા ભર ચોમાસે પરિવારે છત ગુમાવી હતી. ફડવેલના નાગજી ફળિયા પાસે વૃક્ષ વીજ લાઇન પર પડતા ટ્રાન્સફોર્મર સહિત વીજ લાઇન જમીનદોસ્ત થતા વીજળી ડૂલ થઇ હતી. ચીખલી તાલુકામાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. સવારે ચાર વાગ્યાના ચાર કલાકમાં જ ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો અને સાંજે ચાર વાગ્યા સુધીમાં 130 મી.મી. જેટલો વરસાદ નોંધાયો હતો. ઉપરાંત ઉપરવાસમાં પણ વરસાદથી લોકમાતાઓમાં પૂરની સ્થિતિ સર્જાતા કાવેરી નદીના ચીખલી નોલવાડ અને તલાવચોરાના લો-લેવલ પૂલ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.

ચાસા ગામમાં ઘર કકડભૂસ, વૃક્ષ પડતા વીજલાઇન જમીનદોસ્ત

તાલુકાના ચાસા ગામે બુધવારે સાંજે પથ્થર ફળિયામાં વિધવા ધનીબેન પટેલનું ઘર કકડભૂસ થઇ ગયું હતું. આ અંગેની જાણ થતા તાલુકા પંચાયત સભ્ય દમયંતીબેન આહિર, ભાજપના દિનેશ આહીર સહિતના ધસી જઇ જાણ કરાતા પ્રમુખ કલ્પનાબેન ગાંવિત, પીઓ કમ ટીડીઓ હિરેન ચૌહાણની સૂચનાથી સર્વે કરી પંચાયત દ્વારા રિપોર્ટ કરાયો હતો. તાલુકાના ફડવેલમાં નાગજી ફળિયા જતા માર્ગ ઉપર વૃક્ષ ધરાશયી થઇ વીજ લાઇન પર પડતા ટ્રાન્સફોર્મર સહિત વીજ લાઇન જમીનદોસ્ત થતા વાહન વ્યવહાર અટકી જવા સાથે વીજળી ડૂલ થઇ હતી. આ અંગેની જાણ થતા સ્થાનિક તાલુકા પંચાયત સભ્ય મહેશ પટેલ, એપીએમસીના ડીરેક્ટર ચીમનભાઇ સહિતના ધસી જઇ વીજ કંપનીને જાણ કરી હતી. ચીખલી તાલુકામાં આ સાથે સીઝનનો કુલ 64.56 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

ખેરગામ તાલુકામાં ચાર લો લેવલના બ્રિજ પાણીમાં ગરકાંવ

ખેરગામ (Khergam) તાલુકામાં મેઘરાજા આજે પણ યથાવત રહેતા વીતેલા 24 કલાકમાં તાલુકામાં 36 મીમી (1.44 ઈંચ) વરસાદ ખાબક્યો હતો. સાથે ઉપરવાસમાં પણ અવિરત વરસાદ ચાલુ રહેતા ખેરગામ તાલુકામાંથી પસાર થતી તાન, માન અને ઔરંગા સહિતની લોકમાતાઓમાં ઘોડાપુર આવ્યા હતા. જેના કારણે પાટી-ખટાણા, ચીમનપાડા-મરઘમાળ, બહેજ-ભાભા અને નાંધઇ-મરલા માર્ગ ઉપર આવેલા લો લેવલના બ્રિજ આજે પણ પાણીમાં ગરક રહેતા વાહનવ્યવહાર બંધ રહ્યો હતો. ખેરગામ તાલુકા અને ધરમપુર અને વલસાડ તાલુકાના ગામોનો આજે પણ સંર્પક કપાઈ જતા વાહન ચાલકોએ વધુ આર્થિક ભારણ વેઠી લાંબો ચકરાવો લેવાની ફરજ પડી હતી.

Most Popular

To Top