હાલમાં જ ભારતની મુલાકાતે આવી ગયેલા અમેરિકી (US) ગુપ્તચર સંસ્થાના વડા વિલિયમ બર્ન્સ (William Burns)સાથે આવેલા એક અધિકારીને ભારતના પ્રવાસ દરમ્યાન હવાના સિન્ડ્રોમના લક્ષણોનો અનુભવ થયો હતો તેવી વાત બહાર આવતા ફરી એક વાર આ રહસ્યમય કથિત બિમારી કે તકલીફ ચર્ચાના ચગડોળે ચડી છે. હવાના સિન્ડ્રોમ એક રહસ્યમય તકલીફ છે જે અમેરિકી જાસૂસો, રાજદ્વારીઓ અને અધિકારીઓને થાય છે. અમેરિકાના અધિકારીઓ કે કર્મચારીઓને જ આ તકલીફ થાય છે. આ તકલીફની વાત સૌપહેલા ૨૦૧૭માં બહાર આવી હતી જયારે અમેરિકાના કેટલાક અધિકારીઓ ૨૦૧૬ના અંતભાગે ક્યુબાની રાજધાની હવાનામાં હતા ત્યારે તેમને હોટલના ઓરડાઓમાં વિચિત્ર અવાજો સંભળાવા માંડ્યા હતા અને કેટલીક શારિરીક તકલીફો થઇ હતી.
હવાના સિન્ડ્રોમ (air syndrome)માં વિચિત્ર અવાજો સંભળાવા, કાનમાં સીટીઓ વાગવી, શરીરમાં દુ:ખાવા જેવો અનુભવ થવો, બેચેની લાગવી વગેરે લક્ષણો દેખાય છે. આ પાંચ વર્ષમાં અમેરિકાના અનેક અધિકારીઓ અને તેમના કુટુંબીજનોને આ તકલીફ થઇ છે. લગભગ ૨૦૦ જેટલા અમેરિકનો દેશ અને વિદેશમાં આનો ભોગ બની ચુક્યા છે. અને કેટલાક લોકોને તો તકલીફ ઘણા લાંબા સમય સુધી ચાલી હતી. ક્યુબાની રાજધાની હવાનાના નામ પરથી આને હવાના સિન્ડ્રોમ નામ આપવામાં આવ્યું છે. ફક્ત અમેરિકનો જ ભોગ બનતા હોવાથી અમેરિકાના કોઇ શત્રુ દેશનું કાવતરું પણ આને કેટલાક લોકો માને છે. એક સીઆઇએ અધિકારી, કે જે આ મહિને સીઆઇએના ડિરેકટર વિલિયમ બર્ન્સ સાથે ભારતની મુલાકાતે આવ્યો હતો, તેના અંગે અહેવાલ આવ્યો છે કે તેને હવાના સિન્ડ્રોમ જેવા લક્ષણો આ પ્રવાસ દરમ્યાન અનુભવાયા હતા. અમેરિકી મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે આ અધિકારીને ભારતમાં પણ તબીબી સારવાર આપવી પડી હતી.નામ જાહેર નહીં કરાયેલા આ અધિકારીને તબીબી સારવાર આપવામાં આવી હતી એમ સીએનએન દ્વારા ત્રણ અનામી સૂત્રોને ટાંકીને અહેવાલ આપવામાં આવ્યો છે. આ ઘટનાથી અમેરિકી સરકારમાં ચેતવણીના ઘંટ વાગવા માંડ્યા હતા અને વિલિયમ બર્ન્સનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો એમ સૂત્રોએ જણાવ્યું હતું.
સીઆઇએના કેટલાક અધિકારીઓ આ ધ્રુજાવનારા પ્રકરણને બર્ન્સને સીધા સંદેશ તરીકે જુએ છે કે કોઇ પણ સલામત નથી, દેશના ટોચના જાસૂસ માટે સીધેસીધા કામ કરી રહેલા લોકો પણ સલામત નથી એમ બે અન્ય સૂત્રોને ટાંકીને અહેવાલે જણાવ્યું હતું. આ ઘટના અંગેના સંજોગોની તપાસ થઇ રહી છે અને અધિકારીઓએ બાબત હજી નક્કી કરી શક્યા નથી કે આ અધિકારીને તે બર્ન્સ સાથે મુસાફરી કરી રહ્યો હતો એટલે નિશાન બનાવાયો હતો કે અન્ય કોઇ કારણોસર નિશાન બનાવાયો હતો. એક સીઆઇએ પ્રવકતાએ જણાવ્યું હતું કે અમેરિકી સરકાર અને એજન્સી દરેક બનાવને ઘણી ગંભીરતાથી લે છે. અમેરિકાની સરકાર અને ગુપ્તચર એજન્સીઓ આ તકલીફને અંગે પોતાના શત્રુઓને શંકાની નજરે ભલે જુએ પણ કેટલાકના મતે આ હવાના સિન્ડ્રોમ એ એક માનસિક વહેમ માત્ર પણ હોઇ શકે છે.
હવાના સિન્ડ્રોમના લક્ષણો આમ જોવા જાવ તો બહુ ગંભીર પ્રકારના નથી. પરંતુ આ તકલીફ કથિત રીતે ફક્ત અમેરિકનો, અને તેમાં પણ અમેરિકી રાજદ્વારીઓ, અમેરિકી જાસૂસો અને અધિકારીઓને જ થઇ રહી હોવાથી તે તકલીફ રહસ્યમય બની ગઇ છે. આમાં સૌથી વધુ પ્રચલિત થિયરી કોઇ શત્રુ દેશના કાવતરાની જ માનવામાં આવે છે અને તેમાં ખાસ કરીને રશિયા અને ચીન પર જ આંગળી ચિંધાય છે. માઇક્રોવેવ તરંગો વડે અમેરિકી અધિકારીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે તેવી શંકા વ્યક્ત કરવામાં આવે છે અને આ બાબતે રશિયન અને ચીની બનાવટના સૂક્ષ્મ તરંગ સાધનોની તપાસ પણ કરવામાં આવી હતી. બીજી બાજુ, કેટલાક આને એક માત્ર માનસિક વહેમ જેવી વાત ગણે છે. એક અગ્રણી અમેરિકી ન્યૂરોલોજીસ્ટે જણાવ્યું હતું કે ખરેખર તો આ તકલીફ સામૂહિક માનસશાસ્ત્રીય તકલીફ જેવી છે. માસ હિસ્ટીરિયા જેવી આ તકલીફ છે,
જેમાં સમૂહની એક વ્યક્તિ કહે કે મને આ તકલીફ થાય છે તો તે જૂથના તમામ લોકોને તેવી તકલીફનો અનુભવ થાય છે. કોઇ જૂથને કહેવામાં આવે કે તમારા ખોરાકમાં ઝેર હતું તો બધાને ઉબકા, ઉલ્ટી જેવી તકલીફો શરૂ થઇ જાય તેવું પણ આમાં હોઇ શકે છે. તો વળી, કેટલાક તો આવા લક્ષણોને ભૂતપ્રેત અને મેલી વિદ્યા સાથે પણ સાંકળે છે! તો ક્યુબામાં જે અધિકારીઓને તકલીફ થઇ હતી તેમની તપાસ કરાઇ હતી તો તેમના મગજમાં ઇજા પણ જણાઇ હતી! એમ એક અહેવાલ જણાવે છે. જ્યાં સુધી પૂરી ગંભીરતાપૂર્વક અને પારદર્શી રીતે આ કથિત હવાના સિન્ડ્રોમ અંગે તપાસ નહીં થાય ત્યાં સુધી તેનું રહસ્ય ઉકેલાય તેમ નથી.