નવી દિલ્હી : આવતા મહિને યુએઇ (UAE)માં રમાનારા ટી-20 વર્લ્ડકપ (T-20 world cup) માટે જ્યારે ભારતીય ટીમ (Indian cricket team)ના પસંદગીકારો (selector) જ્યારે ટીમની પસંદગી કરશે ત્યારે તેમની સામે વધારાના સ્પીનરની ભૂમિકા માટે રહસ્યમયી સ્પીનર વરૂણ ચક્રવર્તી (varun chakraborty) અને લેગ બ્રેક બોલર રાહુલ ચાહર (rahul chahar)માંથી કોઇ એકની પસંદગી કરવાનો પડકાર રહેશે. તેની સાથે જ વધારાના વિકેટકીપર તરીકે પ્રતિભાશાળી સંજૂ સેમસન (sanju samson)શ્રીલંકામાં મળેલી તકનો ફાયદો ન ઉઠાવી શકતાં તેના પર સંભવત: ઇશાન કિશનને સરસાઇ મળવાની સંભાવના છે.
એવી આશા છે કે ચેતન શર્માની આગેવાની હેઠળની પસંદગી સમિતિ મંગળ અથવા બુધવારે મુંબઇમાં બીસીસીઆઇના હેડક્વાર્ટરમાં બેઠક કરશે અને તેમની સાથે વિરાટ કોહલી માન્ચેસ્ટરથી અને કોચ શાસ્ત્રી લંડનથી તેમની સાથે ઓનલાઇન જોડાશે. બીસીસીઆઇ અઘ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહ પસંદગી સમિતિના સંયોજક હોવાના નાતે આ મહત્વપૂર્ણ બેઠકમાં જોડાશે. ભારતીય ટીમના સ્પીનરમાં યજુવેન્દ્ર ચહલ અને રવિન્દ્ર જાડેજાના સ્થાન પાકાં માનવામાં આવે છે. જ્યારે વિકેટકીપર તરીકે ઋષભ પંતનો સમાવેશ નક્કી છે અને તેની સાથે કેએલ રાહુલ પણ વિકેટકીપીંગ કરી શકે છે. સૂર્ય કુમાર યાદવને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે, તો શ્રેયસ ઐય્યરની પણ વાપસીની સંભાવના છે. વધારાના ઓપનીંગ બેટ્સમેન માટે શિખર ધવન અને પૃથ્વી શો વચ્ચે સપર્ધા થઇ શકે છે.
બોલિંગ વિભાગમાં દાવેદારોની સંખ્યા ઘણી વધારે છે તેમાંથી કોનો સમાવેશ થશે
ભારતીય ટીમના ઝડપી બોલિંગ વિભાગમાં ટી-20 વર્લ્ડકપ માટે જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને મહંમદ શમીનું સ્થાન લગભગ પાકું છે. તેમની સાથે જ શાર્દુલ ઠાકુર, દીપક ચાહર અને મહંમદ સિરાજ પણ દાવેદાર તરીકે નામ આગળ કરી રહ્યા છે. આ સિવાય ગુજરાતના ભાવનગરનો ચેતન સાકરિયા અને ટી નટરાજન પણ દાવો કરી રહ્યા છે. નટરાજન જો કે લાંબા સમયથી સ્પર્ધાત્મક ક્રિકેટથી દૂર છે જ્યારે ચેતન સાકરિયાને લગભગ નેટ બોલર તરીકે ટીમ સાથે લઇ જવામાં આવી શકે છે.
જેમની પસંદગી લગભગ પાકી છે તે ખેલાડીઓ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, લોકેશ રાહુલ, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐય્યર, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા, યજુવેન્દ્ર ચહલ, મહંમદ શમી, દીપક ચાહર, શાર્દુલ ઠાકુર.
વધારાના ઓપનર : શિખર ધવન/પૃથ્વી શો, રિઝર્વ વિકેટકીપર : ઇશાન કિશન/સંજૂ સેમસન, વધારાના સ્પીનર : વરૂણ ચક્રવર્તી/રાહુલ ચાહર. ડાબોડી બોલર : ચેતન સાકરિયા/ટી નટરાજન. જાડેજાનો વિકલ્પ : અક્ષર પટેલ/કૃણાલ પંડ્યા. આ ઉપરાંત વોશિંગ્ટન સુંદરની પસંદગી તેની ફિટનેસ પર નિર્ભર રહેશે.