SURAT

યુનિ.ની 6 ગ્રાન્ટેડ કોલેજો માટે આખરે સરકારે ઝુકી જતાં ટીચર્સ અને સ્ટુડન્ટન્સની માંગણીઓનો વિજય

સુરત: શહેર (Surat)ની સાર્વજનિક પ્રાઇવેટ યુનિ.ની છ ગ્રાન્ટેડ કોલેજો (collage) માટે આખરે સરકારે ઝુકી જતાં ટીચર્સ (teachers) અને સ્ટુડન્ટન્સ (student)ની માંગણીઓનો વિજય થયો છે. રાજયપાલે ખાનગી યુનિ. અંગે સુધારા વટહુકમ (ordinance) બહાર પાડતાં હવે આ પ્રશ્નનો કાયમી ઉકેલ આવી ગયો છે.

સુરત શહેર સહિત સમસ્ત દક્ષિણ ગુજરાતમાં સાર્વજનિક તેમજ બારડોલી (bardoli)ની ઉકા તરસાડીયા ખાનગી યુનિ.ની ગ્રાન્ટેડ કોલેજનો લઇને વિવાદ ચગ્યો હતો. આ બે સંસ્થાએ પોતિકી ખાનગી યુનિ. બનાવતા વીર નર્મદ યુનિ.એ આ કોલેજોનું જોડાણ રદ કરી દીધું હતું. જેને કારણે વિદ્યાર્થીઓની સાથે શિક્ષણવિદ્દોમાં પણ ભારે નારાજગી વ્યાપી જવા પામી હતી. કારણ કે સુરત શહેરમાં એમ.ટી.બી.આર્ટસ, કે.પી.કોમર્સ, પી.ટી,સાયન્સ, એસ.પી.બી. ઇગ્લીશ મિડીયમ કોલેજ તેમજ વી.ટી.ચોકસી લો કોલેજ સહિત બારડોલીની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજને ગ્રાન્ટેડ સ્ટેટસ મટી જાય તેવી સ્થિતિ અને ભય પેદા થયો હતો. આ મામલે ભારે વિરોધ પણ કરાયો હતો. જે તે કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા પણ બેઠકો કરી આંદોલન કરવાની તૈયારીઓ કરવામાં આવી હતી.

આ અંગે ગુજરાત રાજ્ય શૈક્ષિક સંઘ દ્વારા શિક્ષણ વિભાગના અગ્રસચિવ હૈદર તથા અન્ય શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે લગાતાર ત્રણ કલાકની મેરેથોન બેઠક પણ કરવામાં આવી હતી. આ બેઠકમાં શૈક્ષિક સંઘના આગેવાનો દ્વારા ગ્રાન્ટેડ કોલેજના મામલે રજૂઆતો પણ કરવામાં આવી હતી. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના કેતન દેસાઇએ કહ્યું હતું કે, સરકારે ખાનગી યુનિ.ના મામલે જે પરિપત્ર બહાર પાડ્યો છે. તેને શૈક્ષિક સંઘ દ્વારા આવકારવામાં આવ્યો છે.

હાલમાં વિધાનસભાનું સત્ર ચાલું નહીં હોવાથી રાજ્યપાલ દ્વારા વટહુકમ બહાર પડાયો

સામાન્ય રીતે ખાનગી યુનિ.ના એક્ટમાં સુધારો કરવો હોય તો વિધાનસભામાં કરવો પડે પરંતુ હાલમાં વિધાનસભા સત્ર ચાલું નથી. જેને કારણે રાજયપાલે ખાનગી યુનિ.એકટની કલમોમાં સુધારો કરતો વટહુકમ બહાર પાડયો હતો.

આખરે ગ્રાન્ટેડ કોલેજના મામલે સરકારે ઝુકવું જ પડ્યું: કોંગ્રેસ અગ્રણી કદીર પીરઝાદા

શહેરની એમ.ટી.બી.આર્ટસ કોલેજના એલ્યુમનિ એસોસિયેશનના આગેવાન અને કોંગ્રેસના નેતા કદીર પીરઝાદાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, સાર્વજનિક એજયુકેશન સોસાયટી સંચાલિત ગ્રાન્ટેડ કોલેજોને સરકારે નર્મદ યુનિ. સાથે જોડાણ કાયમી રાખવા નિર્ણય કર્યો છે. તે સમગ્ર વિદ્યાર્થી આલમની જીત છે. આ લડતમાં અલગ અલગ તમામ કોલેજના એલ્યુમનિ એસોસિયેશન સહિત ટીચિંગ સ્ટાફ અને સંચાલકો એકજુથ થયા હતા. અને સમસ્યાનું નિરાકારણ લાવવા ઉગ્ર લડત છેડવા ચિમકી આપી હતી. જેને પગલે સરકારને સોસાયટીની છ કોલેજોને પ્રાઇવેટ યુનિ.થી મુકત કરવી પડી છે. તે આવકાર્ય બાબત છે. સાર્વજનિક એજયુકેશન સોસાયટીનું સ્ટેન્ડ પણ વાજબી છે. હવે આ તમામ કોલેજો ગ્રાન્ટેડ રહેશે અને તેમાં ફી વધારો પણ થશે નહિ. જેથી ગરીબ અને મિડલ કલાસ ફેમિલીના સંતાનોને નજીવી ફી સાથે પદવી હાંસલ કરવાની તક મળશે.

ગ્રાન્ટેડ કોલેજના મામલે સૌથી પહેલા પોતે વિરોધ કર્યાનો આપની વિદ્યાર્થી પાંખનો દાવો

ગ્રાન્ટેડ કોલેજને નર્મદ યુનિ. સાથે જોડાયેલી રાખવા માટે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ (CYSS) દ્વારા પણ દેખાવો કરવામાં આવ્યા હતા. 22 જુલાઈના રોજ સૌપ્રથમ વખત વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું કે એમના દ્વારા તમામ ગ્રાન્ટ ઈન એઇડ કોલેજોનું જોડાણ રદ કરવામાં આવી રહ્યું છે. ૨૩ જુલાઇના રોજ આ નિર્ણયનો વિરોધ સૌ પ્રથમ વખત CYSS દ્વારા સુરત ખાતે આ અંગે કુલપતિને ચપ્પલ દેખાડીને કરવામાં આવ્યો હતો. ૨૬ જુલાઇના રોજ આમ આદમી પાર્ટી, ગુજરાત દ્વારા આ મુદ્દાને ગંભીર ગણાવી અમદાવાદ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી આંદોલનની ચીમકી આપવામાં આવી હતી. ૨૬ જુલાઇના રોજ સોશિયલ મીડિયા કેમ્પેઈન થકી સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓને જાગૃત કરવામાં આવ્યા હતા.29 જુલાઇના રોજ ખાનગીકરણને લઈને આણંદ ખાતે 500થી પણ વધારે વિદ્યાર્થીઓ એકઠા થઇ ખાનગીકરણ અટકાવવા સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. આપની વાતને સરકારે સ્વીકારવી પડી હોવાનો દાવો આપ દ્વારા કરવામાં આવ્યો હતો.

સરકાર સાથે શૈક્ષિક સંઘ દ્વારા 30 મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી

સરકાર સાથે શૈક્ષિક સંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રજ્ઞેશભાઈ શાહ, ગુજરાત રાજ્ય શૈક્ષિક સંઘના કેતન દેસાઈ, વસંતભાઈ જોશી અને ગૌરાંગભાઈ ભાવસારની ઉપસ્થિતિમાં લગભગ 30 મુદ્દા પર વિગતવાર ચર્ચા થઈ હતી. જેમાં ત્રિપલ સી પ્લસ અને હિન્દી, સીએસના પ્રમોશન, વિદ્યા સહાયક ,પાર્ટ ટાઈમ અધ્યાપક, અધ્યાપક સેવાની અનુભવ, ઈ એલ, સેવા જોડાણ, સાતમા પગાર પંચના અટકેલા સ્ટીકર, એરિયર્સ જેવા રાજ્યના શિક્ષણને લગતા અનેકવિધ પ્રશ્નોની રજૂઆત તથા ચર્ચા અને હકારાત્મક સકારાત્મક અભિગમ સાથે થઈ હતી.

Most Popular

To Top