Business

તામિલનાડુમાં ફરીથી લોકડાઉન લાગતા વેપાર ઉદ્યોગો બંધ: સુરતના કાપડ ઉદ્યોગ પર સીધી અસર

સુરત: દેશમાં થોડા સમય પહેલાં કોરોના (Coron)ની બીજી લહેર શાંત રહ્યા બાદ તામિલનાડુ (Tamilnadu)માં ફરીથી કોરોનાએ માથુ ઉચકતા રાજ્ય સરકારે તકેદારીના ભાગરૂપે કેટલાંક શહેરોમાં ફરીથી 9 ઓગસ્ટ સુધી લોકડાઉન (Lock down)ની જાહેરાત કરતાં તમામ માર્કેટો અને વેપાર ઉદ્યોગો બંધ કરવામા આવ્યાં છે. જેની સીધી અસર સુરત (Surat)ના કાપડ ઉદ્યોગ (Textile industry) પર વર્તાય તેવી શક્યતા છે.

એક તો ચેન્નાઇ સહિતના વેપારીઓએ જે ઓર્ડર આપ્યા હતા તે રદ કરાવી રહ્યા છે અને સુરતના વેપારીઓએ આગામી દિવાળીને ધ્યાનમાં રાખી જે તૈયારીઓ શરૂ કરી હતી તેના પર બ્રેક લાગી ગઇ છે. કોરોનાની બીજી લહેર બાદ કાપડ માર્કેટની ગાડી અત્યાર સુધી પાટે ચડી નથી. અન્ય રાજ્યોમાંથી જે રીતે ઓર્ડર મળવા જોઇએ તે પ્રમાણમાં ઓર્ડર નહી મળતા વેપારીઓ નિરાશ છે. દક્ષિણભારતના રાજ્યોમાં પણ આજ પરિસ્થિતિ છે. સામાન્ય દિવસો કરતા પચાસ ટકા ઓર્ડરજ મળતા વેપારીઓ જેમ-તેમ ગાડુ ગબડાવી રહ્યાં છે. તેવામાં ફરીથી તમિલનાડૂમાં કોરોનાના કેસો વધતા સુરતનો વેપાર અવરોધાય તેવી શંકાઓ જણાઇ રહી છે.

થોડા દિવસોના અંતર બાદ અમુક દિવસોથી તામિલનાડુમાં અમુક શહેરોમાં કોરોનાના 2000 જેટલા કેસો પ્રતિદિન મળી આવતા ત્યાંની સરકારે વેપાર ઉદ્યોગ માટે લોકડાઉનની જાહેરાત કરી સખતાઇ પૂર્વક કોરોના ગાઇડલાઇન અનુસરવા માટે ઓર્ડર કર્યો છે. જેની સાથેજ ત્યાંના વેપારીઓએ ઓર્ડર રદ કરાવી દીધા છે. પાછલી દિવાળી પર વેચાયેલા માલનો પેમેન્ટ આવવની શરૂઆત થઇ હતી હવે તે પણ અટવાઇ જશે એટલું જ નહીં પરંતુ દિવાળીને ધ્યાને લઇ અહીંના વેપારીઓએ જે ગણતરીથી કાપડ બનાવવાની શરૂઆત કરી હતી તેને પણ માઠી અસર પહોંચી છે. ફોસ્ટાના પ્રવક્તા રંગનાથ શારડાએ જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલાથી જ અહીંના વેપારીઓ દક્ષિણભારતના વેપારીઓની ડિમાન્ડને ધ્યાને લઇ સાડી અને ડ્રેસ મટીરિયલ્સ બનાવવા માટેની શરૂઆત કરી હતી પરંતુ હવે વેપારીઓમાં ભય છે કે, જો કોરોના વધશે તો તેમનો તૈયાર માલ નહીં વેચાય, આ તમામ શંકાઓ વેપારીઓને પરેશાન કરી રહી છે.

અન્ય વેપારી હરીશ શાહુએ જણાવ્યું હતું કે કોરોના બાદ માંડમાંડ પેમેન્ટ આવવાની શરૂઆત થઇ હતી પરંતુ હવે તે ફરીથી અટવાશે અને આડીની સીઝન એટલે કે ત્યાં ડિસ્કાઉન્ટ પર કાપડ વેચવા માટેની સીઝન શરૂ થઇ છે તે પણ નાકામ થતા સુરતના વેપારને મોટું નુકશાન થવાની શક્યતા છે.

Most Popular

To Top