સુરત: શહેરના અલથાણ ખાતે રહેતા અમીત નામના યુવકે શેરબજાર (Share market)ના રોકાણકાર ભાગીગારો (Investor parter)ની રૂપિયાની માંગણીથી કંટાળી આપઘાત (Suicide) કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. અમીતે શેરબજારમાં 25 લાખ નાંખ્યા પછી પણ ભાગીદારો દબાણ કરતા હોવાની સ્યુસાઈડ નોટ (Suicide note) મળી આવતાં પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.
અલથાણ ખાતે સુમન અમૃત ફ્લેટ્સમાં રહેતા અમીતભાઈ અશ્વિનભાઈ સુથાર છેલ્લા એક મહિનાથી સલાબતપુરા ખાતે એક્સિસ બેંકમાં ક્રેડિટ કાર્ડ વિભાગમાં નોકરી કરતા હતા. બિનલ સુથાર સાથે 6 મહિના પહેલાં લગ્ન 30 ડિસેમ્બર-2020નાં રોજ લગ્ન થયાં હતાં. સવારે બીનલને નોકરી ઉપર અમીત સિટીલાઈટ મહેશ્વરી ભવન ઉતારી ગયો હતો. દરમિયાન તેને સારું નહીં હોવાથી તે ઘરે જ આરામ કરશે તેવું કહીને નીકળી ગયો હતો. બપોરે અમીતે બીનલને ફોન કરીને તે જમી કે નહીં? તેમ પૂછ્યું હતું. બાદ તેની તબિયત સારી નહીં હોવાથી ફોન બંધ કરી સૂઈ જાઉં છું. તું રિક્ષામાં ઘરે આવી રહેજે તેમ કહ્યું હતું. સાંજે બીનલબેને ઘરે આવીને દરવાજો ખખડાવતાં અમિતે ખોલ્યો નહોતો. બીનલે પાડોશીને મદદ માટે બોલાવ્યા, ઘણા પ્રયાસ બાદ દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો તો અમિત બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. પતિને લટકતો જોઈને બીનલબેનની ચિચિયારીઓ સાંભળી પડોશીઓ ભેગા થઈ ગયા હતા. ખટોદરા પોલીસે મૃતદેહ નવી સિવિલમાં ખસેડી વધારે તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસને સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં મિત્ર કમલેશ સતીષભાઈ પટેલ અને ભાર્ગવ જયંતીભાઈ ચૌધરીનાં નામ મળી આવતાં બંને સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરાઈ છે.
મિત્રોને 25 લાખ રૂપિયા રોકાણ કરવા આપ્યા પછી પણ પૈસા માંગતા હતા
અમીતનાં વર્ષ-2020માં બીનલબેન સાથે લગ્ન થયાં હતાં. એકાદ વર્ષ પહેલાં તેઓ સુરત રહેવા આવ્યાં હતાં. અમીતે તેના મિત્ર કમલેશ સતીષભાઈ પટેલ અને ભાર્ગવ જયંતીભાઈ ચૌધરી (બંને મૂળ રહે., વિસનગર, મહેસાણા) સાથે મળી અડાજણમાં શેર માર્કેટનું કામ કરતા હતા. ત્રણેય મિત્રોની ઓફિસ પાલ ગામ રોડ ગેલેક્ષી સર્કલ પાસે આવેલી છે. છેલ્લા દોઢેક મહિનાથી અમીત શેરમાર્કેટના કામને લઈને પરેશાન રહેતો હતો. બીનલે આ અંગે વારંવાર પૂછતાં અમીતે જણાવ્યું હતું કે, ગયા બે વર્ષથી પોતે તેમના બંને મિત્ર કમલેશ પટેલ અને ભાર્ગવ ચૌધરીને બીજી પાસેથી માંગીને, બેંકમાંથી લોન લઈને તથા પોતાના પાસેના 25 લાખ રૂપિયા આપ્યા છે. તેમજ શેર માર્કેટના આઈ.પી.ઓ.માં ભરવા બીજા માણસો પાસેથી લઈને રૂપિયા આપ્યા છે.
છતાં બંને હજી રૂપિયા માંગ માંગ કરે છે. શેર માર્કેટમાં ભરેલા રૂપિયા અને બિઝનેસના બંનેમાંથી કોઈ પરત આપતા નથી. જેથી છેલ્લા એક મહિનાથી અમીત સલાબતપુરા ખાતે એક્સિસ બેંકમાં ક્રેડિટ કાર્ડ વિભાગમાં નોકરી કરવા લાગ્યો હતો. આ દરમિયાન બંને મિત્ર અવારનવાર ફોન અને મેસેજ કરી રૂપિયા માટે હેરાન કરતા હતા.