SURAT

ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળાં મારવા જેવો ઘાટ: સુરતમાં સરકારી અનાજ મુદ્દે તપાસ થશે

સુરત: સરકારી રેશનિંગ (Government ration)ની પરવાના ધરાવતી દુકાનો (Stall)માં ચાલી રહેલી અનાજની હેરાફેરી મામલે અમદાવાદની ક્રાઇમ બ્રાંચ (Ahmadabad)ની તપાસ બાદ સુરત (Surat)નો પૂરવઠા વિભાગ સફાળો બેઠો થયો છે. હવે પૂરવઠા વિભાગ મામલતદાર પાસે તપાસ કરાવશે.

સુરત શહેરમાં વરસોવરસથી કેટલાંક રાજસ્થાની રેશનિંગના દુકાનદારો સરકારી અનાજ સગેવગે કરવામાં માહિર છે. સુરત શહેરમાં ઠેર ઠેર સસ્તા અનાજની દુકાનોના પરવાના ભાડે અપાય છે. અને ભાડે દુકાન રાખનાર સરકારી રેશનિંગનું અનાજ બાપનો માલ સમજી વગે કરી નાંખે છે. ભૂતકાળમાં આવા પરવાનેદારો સામે અનેક વખત પગલાં ભરાયાં હતાં. છતાં સરકારી અનાજ હજમ કરનારા સુધરવા નથી માંગતા. તાજેતરમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બારકોડેડ રેશનકાર્ડ ધારકોના 62 હજાર જેટલા યૂઝર આઇડી અને અન્ય ડેટાના આધારે મહિનો કરોડો રૂપિયાનું અનાજ ગપચાવી જનારાઓનું કૌભાંડ પકડ્યું હતું. આ કૌભાંડમાં અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે સુરતના પુણા સહિતના વિસ્તારોમાં તપાસ કરી હતી. અને પ્રાથમિક તપાસમાં 45 દુકાનદારની કૌભાંડમાં સાઠગાંઠ હોવાનું શોધી કાઢ્યું હતું. આ કૌભાંડ લાંબા સમયથી ચાલતું હતું. કહેવાય છે કે, આ કૌભાંડનો સ્ટેટ લેવલ ફિગર એકસો કરોડને પાર હશે. પરંતુ સુરત શહેરમાં 52 લાખનાં ઘઉં, 44 લાખના ચોખા અને 3 કરોડની ખાંડ સગેવગે થઇ છે. પરંતુ પૂરવઠા વિભાગમાં ચાલતી હપ્તાની સિસ્ટમને પગલે સ્થાનિક બાબુઓએ પણ આંખ બંધ કરી દીધી હતી.

જો અમદાવાદ પોલીસ સુરત તપાસ કરવા માટે નહીં આવતે તો આ કૌભાંડ હજી પણ અવિરત આગળ ચાલ્યા કરત. સુરતની વાત કરીએ તો મહુવા તાલુકામાં 1, ચોકમાં 7, રાંદેર ઝોનમાં 11, કતારગામ ઝોનમાં 17, કામરેજમાં 6 અને પુણા ઝોનમાં 2 તેમજ વરાછા ઝોનમાં 1 દુકાનમાં યૂઝર આઇડી અને ડેટો ચોરી કરોડો રૂપિયાનું અનાજ હજમ થઇ ગયું હતું. નવાઇની વાત એ છે કે, સુરત જિલ્લામાં દરેક ઝોન મુજબ પૂરવઠા નિરીક્ષક તેમજ સેન્ટ્રલાઇઝ્ડ ધોરણે એક આની ઉપર નજર નાંખતાં પૂરવઠા અધિકારી સહિતની ટીમ ફરજ બજાવે છે. છતાં એકપણ અધિકારી કે નિરીક્ષક સુધી ગરીબોનું અનાજ હજમ થઇ જતું હોવાની એક ફરિયાદ સુધ્ધાં નહીં આવી તે વાત ઘણું કહી જાય છે. એક રીતે તે આ સૂચક બાબત છે કે, સુરત જિલ્લા પૂરવઠા તંત્રને આ કૌભાંડની ખબર જ હશે. પરંતુ આજદિન સુધી કોઇ બૂમ નહીં પડતાં ગુપચૂપ રીતે કૌભાંડ ચાલી રહ્યું હતું. આ તો અમદાવાદ પોલીસે સપાટો બોલાવી સુરત પૂરવઠા વિભાગની પોલ ખોલી કાઢી. બાકી હજી કૌભાંડ અટકતે તેમ નહોતું.

હવે કલેક્ટરે ટીમ બનાવી ઘરે ઘરે જઈ તપાસ માટે તૈયારી કરી
સુરત શહેરમાં 45 રેશનિંગની દુકાનમાં યૂઝર આઇડી વેચી દીધા બાદ કૌભાંડીઓ સરકારી અનાજ સગેવગે કરી જતા હતા. રાજ્યવ્યાપી આ કૌભાંડનો આંકડો સો કરોડને પાર કરી જાય છે. પરંતુ સુરત શહેરનો ચોક્કસ ફિગર જાણી શકાયો નથી. પરંતુ આ કૌભાંડને પગલે બુધવારે સુરત કલેક્ટર આયુષ ઓકે તપાસના આદેશ આપી દીધા છે. પોલીસ રિપોર્ટ આવે એ પહેલાં પેરેલલ પૂરવઠા વિભાગની ટીમને પણ શંકાસ્પદ દુકાનોમાં તપાસ કરવા દેવાશે. સુરત કલેક્ટરે આ માટે પૂરવઠા અધિકારી, ઝોનલ અધિકારી, કારકૂન તેમજ પોલીસની ટીમ બનાવી સમાંતર તપાસ કરવા આદેશ કરી દીધો છે. આવતીકાલથી આ ટીમ પોતાની તપાસ ચાલુ કરી દેશે. કહેવાય છે કે, ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળાં મારવા જેવો આ ઘાટ છે. સુરત કલેક્ટરે આવી દુકાનોમાં જે જે ગ્રાહકોનાં નામો હતાં તેમના ઘરે જઇ ઉલટ તપાસ કરવા આદેશ આપ્યો છે. આ દુકાનોમાંથી ગ્રાહકોને અનાજ મળ્યું છે કે કેમ તેનું ક્રોસ વેરિફિકેશન કરાશે.

પૂરવઠા વિભાગમાં દુકાન દીઠ બે હજારની પ્રસાદી લેવાય છે
સુરત શહેર અને જિલ્લામાં પૂરવઠા વિભાગમાં ભારે ગોબાચારી ચાલે છે. પૂરવઠા વિભાગને સરકારે ધીરે ધીરે ઘણેખરે અંશે પારદર્શિત કરી નાંખ્યું છે. તેમ છતાં કૌભાંડીઓ હજી પણ કારીગરી કરી જાય છે. સુરત શહેરમાં પૂરવઠા વિભાગમાં દરેક ઝોનલ કચેરીઓમાંથી દુકાનો દીઠ ધૂમ હપ્તા આવે છે. કહેવાય છે કે, એક એક દુકાનદીઠ બે હજાર મેઇન ઓફિસનો હપ્તો છે. તે સિવાય ઝોનનો હપ્તો અલગ અને આ લાંચીયા રિવાજ નિભાવતા વચ્ચે વચ્ચે કોઇ બૂમ પડે કે કૌભાંડ બહાર આવે તો તેનો ભાવ અલગ છે. સુરત શહેરમાં ગરીબોના નામે અનાજ કૌભાંડીઓ હજમ કરી જાય છે. પરંતુ પૂરવઠા વિભાગના કેટલાક લાંચીયા બાબુઓને કારણે કોઇ ઠોસ પગલાં ભરી શકાતાં નથી.

Most Popular

To Top