SURAT

હવે સુરતથી સીધો ચેન્નાઈનો એક્સપ્રેસ હાઈવે બનશે: આશરે 50 હજાર કરોડના ખર્ચનો અંદાજ

સુરત: વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા શહેરોમાં ચોથા ક્રમનું શહેર ગણાતા સુરત (શહેરની વિકાસની ગતિ હવે વધુ તેજ બનશે. સુરત શહેર અત્યાર સુધીમાં દેશના ચાર મહાનગરો પૈકી દિલ્હી, મુંબઈ અને કોલકત્તાથી જમીન માર્ગે સીધું જોડાયેલું હતું પરંતુ હવે સુરતથી સીધો ચેન્નાઈનો એક્સપ્રેસ હાઈવે બનશે. કેન્દ્ર સરકાર દ્વારા આની જાહેરાત કરી દેવામાં આવી છે અને આ માટે ડીપીઆર બનાવવાનો કોન્ટ્રાક્ટ પણ આપી દેવામાં આવ્યો છે. આશરે રૂપિયા 50 હજાર કરોડના ખર્ચે આ એક્સપ્રેસ વે બનશે.

કેન્દ્ર સરકારના ભારતમાલા પરિયોજના હેઠળ આ પ્રોજેકટ (Project)ને સાકાર કરવામાં આવશે. આ એક્સપ્રેસ વે 1461 કિ.મી.નો બનશે. સુરત-ચેન્નાઈ નેશનલ હાઈવે કોરિડોર (National high way corridor)ના નામે ઓળખાનાર આ એક્સપ્રેસ વેને કારણે ચેન્નાઈથી મુંબઈ વચ્ચેનું 100 કિ.મી.નું અંતર ઘટી જશે. આ એક્સપ્રેસ વે ગુજરાતની સાથે મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશમાંથી પસાર થઈને તમિલનાડુ પહોંચશે. ચાર લેનનો બનનાર આ એક્સપ્રેસ વેમાં સુરત, નાસિક, અહેમદનગર, સોલાપુર, કાલાબુર્ગી, કુર્નુલ, કડપ્પા અને તિરૂપતિથી પસાર થશે.

સુરતથી નવસારી, વલસાડ, ધરમપુરથી નાસિક સુધી એક્સપ્રેસ વે ખેતરોમાં થઈને જશે

સુરતથી ચેન્નાઈનો જે એક્સપ્રેસ વે બનનાર છે તેમાં સુરતથી નાસિક માટે હાલના કોઈપણ હાઈવેનો ઉપયોગ કરવામાં આવશે નહીં. સુરતથી નાસિક માટે સુરતથી નવસારી, વલસાડ, ધરમપુરથી નાસિક સુધી ખેતરોમાં થઈને એક્સપ્રેસ વે બનાવવામાં આવશે. આ માટે કયા ગામડાઓમાંથી હાઈવે પસાર કરવો તેનો અભ્યાસ ચાલી રહ્યો છે. આગામી દિવસોમાં કયા ગામના કયા સરવે નંબરમાંથી એક્સપ્રેસ વે પસાર થશે તેનું જાહેરનામું પણ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બહાર પાડવામાં આવશે.

આ એક્સપ્રેસ વે સુરતને જોડતો ચોથો હાઈવે બનશે, દક્ષિણ ભારતની સાથે નાસિક સહિતના મહારાષ્ટ્રના વિસ્તારોનો સંપર્ક પણ ગાઢ બનશે

હાલમાં સુરતથી નેશનલ હાઈવે નંબર 48 પસાર થઈ રહ્યો છે. દિલ્હીથી મુંબઈના આ હાઈવે સાથે સુરત પણ જોડાયેલું છે. આગામી દિવસોમાં વડોદરાથી મુંબઈ સુધીના એક્સપ્રેસ વે સાથે પણ સુરત જોડાશે. સુરતને જોડતો નેશનલ હાઈવે નંબર 53 સીધો કોલકત્તા જાય છે. સુરતથી આગામી દિવસોમાં બૂલેટ ટ્રેન પણ પસાર થવાની છે. જેથી સુરતથી ચેન્નાઈનો નવો એક્સપ્રેસ વે બનતાં જ સુરતથી દક્ષિણ ભારતનો જોડતો નવો જ રૂટ સુરતવાસીઓને મળશે. આ રૂટ માત્ર દક્ષિણ ભારત જ નહીં પરંતુ સુરતથી મહારાષ્ટ્રના નાસિક સહિતના વિસ્તારોના જોડાણ માટે પણ મહત્વનો સાબિત થશે.

એક્સપ્રેસ વે બનતાં સુરતથી ચેન્નાઈ મારફત દક્ષિણ ભારત વેપારને નવી તકો મળશે

સુરતથી ચેન્નાઈ સાથેનો વેપારી સંબંધ પણ ઘણો ઘનિષ્ઠ છે. ખાસ કરીને સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ માટે દક્ષિણ ભારતમાં જમીન માર્ગે માલ મોકલવો એટલો સરળ નહોતો પરંતુ સુરતથી ચેન્નાઈનો સીધો એક્સપ્રેસ વે બનતાં સુરતથી મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારત સુધીનો વેપાર વધશે. ચેન્નાઈથી નિકાસની તકો પણ સુરતના ઉદ્યોગો માટે વધશે.

સુરતથી નાસિક અને અક્કલકોટથી મહેબુબનગર સુધીનો એક્સપ્રેસ વે માટે નવા રસ્તાઓ બનાવાશે

સુરતથી ચેન્નાઈના એક્સપ્રેસ વે માટે સુરતથી નાસિક અને અક્કલકોટથી મહેબુબનગર સુધીનો રસ્તો ગ્રીનફિલ્ડ એટલે કે ખેતરોમાંથી પસાર થશે. આ માટે સરકાર દ્વારા જમીન સંપાદન કરવામાં આવશે. જ્યારે બાકીનો રસ્તો હાલમાં ટુ લેનનો છે. જેને પહોળો કરીને ફોર લેનનો કરવામાં આવશે.

હાલમાં જેની પર એક્સપ્રેસ વે બનવાનો છે તે રસ્તો ટુ લેનનો હોવાથી વાહનચાલકો તેને વધારે પસંદ કરતા નથી, પરંતુ હવે સમસ્યા નહીં રહે

હાલમાં મોટાભાગની ટ્રક ચેન્નાઈથી મુંબઈ પહોંચવા માટે કર્ણાટકમાંથી પસાર થતી હતી. જેને કારણે ટ્રકો દ્વારા બેંગ્લુરૂ, ટુમુકુરુ, ચિત્રદુર્ગા, દેવનગીરી, હવેરી, બેલગામ, કોલ્હાપુર, સતારા અને પૂણેનો 1614 કિ.મી.નો રસ્તો કાપવો પડે છે. પરંતુ આ નવો એક્સપ્રેસ વે બની જતાં ટ્રકચાલકો માટે 100થી 120 કિ.મી.નો રસ્તો ઘટી જશે. હાલમાં જે રસ્તા પર એક્સપ્રેસ વે બનવાનો છે. તે ટૂંકો છે પરંતુ આ રસ્તો માત્ર ટુ લેનનો હોવાને કારણે ટ્રકચાલકો તેને પસંદ કરતા નથી. પરંતુ એક્સપ્રેસ વે બની જતાં આ સમસ્યા દૂર થઈ જશે.

સુરતથી નાસિક સુધીના એક્સપ્રેસ વે માટે ડીપીઆર બનાવવાના કોન્ટ્રાક્ટ આપી દેવાયા છે

સુરતથી ચેન્નાઈના એક્સપ્રેસ વે અંગે નેશનલ હાઈવે ઓથોરિટીના સુરતના ડીજીએમ અને એક્સપ્રેસ વેના પ્રોજેકટ ડાયરેકટર તુષાર વિયાસએ જણાવ્યું હતું કે, સુરતથી નાસિક સુધીના એક્સપ્રેસ વે બનાવવા માટેના ડીપીઆર તૈયાર કરવા માટેનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે. ડીપીઆરની કામગીરી હાઈવે ઓથોરિટીનું નાસિક વિભાગ કરી રહ્યું છે. જ્યારે સુરત વિભાગ દ્વારા સુરતથી નાસિક સુધીનો રસ્તા કયા ગામડાઓથી લઈ જવો તેની કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં કયા ગામડા અને સરવે નંબર આવશે તે નક્કી કરવાની કામગીરી ચાલી રહી છે. આગામી દિવસોમાં આ માટે જાહેરનામું પણ બહાર પાડવામાં આવશે.

Most Popular

To Top