સુરત: રવિવારે સવારે અને સાંજે સુરત શહેર (Surat)માં ધોધમાર વરસાદ (Heavy rain)પડતા ઠેરઠેર પાણી ભરાયાં હતાં. રવિવારે વહેલી સવારે સુરત એરપોર્ટ (airport)ના રન-વે વિસ્તારમાં ભારે વરસાદ (rain on run way)ને લીધે વિઝિબલિટી (Law visibility) ઓછી જણાતાં સ્પાઇસજેટ એરલાઇન્સની જયપુર-સુરતની ફ્લાઇટ (Flight) સુરત એરપોર્ટના રન-વે પર પ્રથમ પ્રયાસે લેન્ડ થઇ શકી ન હતી. પવન સાથે વરસાદ પડી રહ્યો હોવાથી પાયલટે ફ્લાઇટ લેન્ડ કરવાને બદલે ફરી ઉપર લઇ જવાનો નિર્ણય લીધો હતો. તે પછી વરસાદનું જોર અને પવનની ગતિ ઓછી થતા બીજા પ્રયાસે આ ફ્લાઇટ લેન્ડ કરવામાં સફળતા મળી હતી. સુરત એરપોર્ટના રનવે વિસ્તારમાં વિઝિબિલિટીની સમસ્યાને લીધે કેટલીક ફ્લાઇટ 15મીનિટથી 25 મીનિટ મોડી રહી હતી.
શહેરમાં વિરામ બાદ વરસાદની નવી ઈનિંગ રવિવારે ધમાકેદાર અંદાજમાં શરૂ થઈ છે. તેમાં પણ રવિવારે તો આખો દિવસ કાળાડીંબાગ વાદળોની જમાવટ વચ્ચે સુરજનારાયાણ દેખાયા જ નહોતા અને આખો દિવસ સાંજ જેવો માહોલ છવાયેલો રહ્યો હતો. સવારથી જ વિવિધ ઝોનમાં વરસાદથી જળબંબાકાર થઇ ગયું હતું. શહેરમાં દિવસ દરમિયાન સરેરાશ પોણા ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. તેથી જનજીવન અસરગ્રસ્ત થયું હતું. જ્યારે ઉધના ઝોનમાં તો બપોર સુધીમાં ધોધમાર પાંચ ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા હતા.
શહેરમાં લાંબા સમય બાદ મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. રવિવારની વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. વિજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે શહેરમાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે. મનપાના ફ્લડ કંટ્રોલમાંથી પ્રાપ્ત માહિતી મુજબ શહેરમાં સવારના 6 થી સાંજના 8 સુધીમાં ઉધના ઝોનમાં પાંચ ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. જેમાં મોટા ભાગનું પાણી તો બપોર પહેલા જ વરસ્યું હતું. સેન્ટ્રલ ઝોનમાં પોણા ચાર ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે સૌથી ઓછો વરાછા ઝોન એ અને બી માં ઝોનમાં સવા એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. મોડી સાંજે પણ ફરીથી વરસાદની રમઝટ બોલતા રાતે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. આ સાથે સુરતનો મૌસમનો સરેરાશ કુલ 23 ઇંચ વરસાદ નોધાયો છે.
સુરતીલાલાઓનો રવિવાર સુધારતા મેઘરાજા, લોકો વરસતા વરસાદમાં ફરવા નીકળી પડ્યા
રવિવારની રજા હોય અને સુરતીજનો પરિવાર સાથે મોજ માણવા સવારથી જ ઘરની બહાર નીકળી જતા હોય છે. ત્યારે રવિવારે સવારથી જ મેઘરાજાએ વરસવાનું ચાલુ કર્યુ હતું. દિવસ આથમતા મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ ચાલુ કરી હતી. સુરતીજનોએ પરિવાર સાથે તો ક્યાંક મિત્રો સાથે બાઇક પર સવાર થઇને વરસાદમાં ભીંજાવાની મોજ માણી હતી. જ્યારે બીજી તરફ ખાણીપીણાની લારી કે રેસ્ટોરન્ટમાં જયાફત માણવા લાઇનો જોવા મળી હતી.