ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ (test series) શરૂ થાય તે પહેલા ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket team) માટે માઠા સમાચારો આવ્યા છે. ભારતીય ટીમના બે ખેલાડીઓ કોરોનાથી સંક્રમિત (Corona Positive) થઇ ગયા છે. જેથી આ બંને ખેલાડીઓ હવે ટીમ સાથે ગુરુવારે ડરહમની યાત્રા કરી શકશે નહીં. ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ટીમની મુશ્કેલી સતત વધી રહી છે. આજે સવારે રિષભ પંત સહિત બે ખેલાડીઓ કોરોના સંક્રમિત હોવાના સમાચાર સામે આવ્યા હતા. સાંજ થતાં ટીમના થ્રોડાઉન નિષ્ણાંત દયાનંદ જારાની પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. સૂત્રો અનુસાર સપોર્ટ સ્ટાફ સાથે જોડાયેલા ત્રણ સહાયકોને પણ આઇસોલેશનમાં મોકલી દેવામાં આવ્યા છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (world test championship) બાદ હાલ ટીમ ઇન્ડિયાનો બ્રેક ચાલી રહ્યો છે અને આ દિવસોમાં ખેલાડીઓ પરિવાર સાથે ઇંગ્લેન્ડમાં રજા માણી રહ્યા છે. જે બે ખેલાડીઓ કોરોના પોઝિટીવ આવ્યા છે તેમાંથી એક રિકવર થઇ ગયો છે જ્યારે બીજા ખેલાડીનો જલ્દીથી ટેસ્ટ કરવામાં આવશે. જોકે, આ બંને ખેલાડીઓના નામ જાહેર કરવામાં આવ્યા નથી. સમાચાર એજન્સીના રિપોર્ટ અનુસાર, બંને ખેલાડીઓને ઠંડી લાગવી, ખાંસી જેવા લક્ષણો દેખાયા હતા. જેથી ટેસ્ટ કરવામાં આવતા બંને કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, હાલ બંનેની તબિયત સ્થિર છે અને એક ખેલાડીનો રિપોર્ટ નેગેટિવ આવી ચુક્યો છે જ્યારે બીજાનો ટેસ્ટ ૧૮ જુલાઈએ કરવામાં આવશે. ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ આ ખેલાડી પણ ટીમ સાથે જોડાઈ જશે તેમ જણાવાયું છે.
ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ લંડનમાં છે અને હવે ટીમ ડરહમ જશે. માત્ર જે ખેલાડી પોઝિટીવ આવ્યા છે, તે ટીમ સાથે જઈ શકશે નહીં. બાયોબબલમાં સામેલ થવા પહેલા તમામ ખેલાડીઓના ટેસ્ટ કરવામાં આવશે. જાણકારી મળ્યા અનુસાર, ખેલાડીઓ ત્રણ-ચાર દિવસ પહેલા જ કોરોના રસીનો બીજો ડોઝ લઇ ચુક્યા છે. તેમજ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCI તરફથી ખેલાડીઓને વિબંલડન અને યુરો કપ જોવા જવા માટે પણ મનાઈ ફરમાવવામાં આવી હતી. કાઉન્ટી પ્રશાસનની એક શાખા છે, જેમ ભારતમાં જિલ્લા અને રાજ્યો હોય છે. આ પ્રકારનું વિભાજન મુખ્યત્વે બ્રિટન અને અમેરિકામાં જોવા મળે છે. આ પ્રકારની કાઉન્ટીઓ વચ્ચે રમાતી ડોમેસ્ટિક ક્રિકેટને કાઉન્ટી ક્રિકેટ કહેવાય છે. કાઉન્ટી ક્રિકેટ મુખ્યત્વે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમવામાં આવે છે. ક્રિકેટની શરૂઆત આ કાઉન્ટીઓથી જ થઇ હોવાનું માનવામાં આવે છે. ભારતીય ટીમ પ્રેકટીસ માટે કાઉન્ટી ક્રિકેટ રમશે.
અહીં એ નોંધવું મહત્વનું છે કે, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ ઓગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડિયામાં રમાશે. ભારતીય ટીમ પાંચ મેચની સીરીઝ રમવાની છે. આ પહેલા 20 જુલાઈએ ભારતની ટીમે કાઉન્ટી મેચ રમવાની હશે, જે ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચ હશે.