SURAT

સુરત કાપડ માર્કેટોની 65 હજારથી વધુ દુકાનોમાં પાણીનું કનેક્શન નથી,પણ વેરો વસૂલવામાં આવે છે

સુરત: રિંગ રોડ સ્થિત કાપડ માર્કેટ (Textile market)માં 140 જેટલી કાપડ માર્કેટોની 65 હજારથી વધુ દુકાનોમાં પાણીનું કનેક્શન (Water connection) નહીં હોવા છતાંય મનપા દ્વારા વેપારીઓના દુકાનવેરામાં પાણીનો વેરો (Water tax) પણ વસૂલવામાં આવે છે. જેની સામે ફોસ્ટા (Fosta)એ વિરોધ વ્યક્ત કરી મનપા કમિશનર (Municipal commissione)ને રજૂઆત કરી છે અને પાણી વેરો માફ કરવામાં આવે તેવી માંગ કરી છે.

ફોસ્ટાએ મનપા કમિશનર બંછાનિધિ પાનીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, રિંગરોડ પર આશરે 140 માર્કેટો આવી છે. જેમાં ફક્ત 25 જેટલી માર્કેટોમાં મનપાનું પાણીનું કનેક્શન છે જેનું બિલ માર્કેટ એસોસિએશન ચૂકવી આપે છે. તે સિવાયની માર્કેટોમાં આશરે 65 હજાર જેટલી દુકાનોમાં પાણીનું કનેક્શન નહીં હોવા છતાંય વેરામાં પાણીવેરો ઉમેરીને વસૂલવમાં આવે છે. હાલ કોરોનાને લીધે વેપારીઓ પરેશાન છે. પેમેન્ટ નહીં મળતા તેઓ આર્થિક સંકટમાં ભેરવાઇ ગયા છે. આવા સમયે વેપારીઓને કારણ વગરના ટેક્સમાંથી રાહત આપવી જોઇએ.

કાપડ માર્કેટના વેક્સિનેશન સેન્ટરો નિયમિત ચાલુ રાખવાની માંગ
ફોસ્ટાએ મનપાને રજૂઆત કરી હતી કે, કાપડ માર્કેટમાં શરૂ કરવામાં આવેલા વેક્સિનેશન સેન્ટરો દરરોજે ચાલુ રાખવામાં આવે, કાપડ માર્કેટમાં લાખોની સંખ્યામાં મજૂરો છે. જો આ તમામ મજૂરોને વેક્સિન નહીં આપવામાં આવે તો ફરીથી પરિસ્થિતિ બગડી શકે છે. કોરોનાની ત્રીજી લહેર સામે લડવા માટે માર્કેટ વિસ્તારમાં કાર્યરત તમામ વેક્સિનેશન સેન્ટરો દર રોજે ચાલુ રાખવામાં આવે અને મોટી સંખ્યામાં કામદારોને વેક્સિન મળે તેવી વ્યવસ્થા ગોઠવવા રજૂઆત કરી હતી.

બીજી તરફ વન નેશન-વન ટેક્સની ગણતરી સાથે જીએસટીનો કાયદો અમલમાં લાવવામાં આવ્યો હતો. પરંતુ આ કાયદો શરૂઆતથી કાપડ વેપારીઓ માટે મુશ્કેલીરૂપ હતો અને આજે પણ જીએસટીના કેટલાક કાયદા વેપારીઓને પરેશાન કરી રહ્યા છે. કાપડ ઉદ્યોગમાં યાર્નથી લઇ વિવિંગ અને પ્રોસેસિંગ સહિત તમામ તબક્કે અલગ-અલગ જીએસટી રેટ હોવાથી વેપારીઓને રિફંડ માટે ક્લેઇમ કરવો પડે છે અને ઇન્તેજાર કરવો પડે છે. આ રીતે જ સાડી કે જેના પર 5 ટકા લેખે જીએસટીનો દર નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે સાડીને પેક કરવા માટે આવતાં મટિરિયલ્સ પર 12 ટકા કે 18 ટકા લેખે જીએસટી લાગે છે. આ બંનેમાં અલગ-અલગ જીએસટીનો દર હોવાથી એક્યુમલેટેડ ટેક્સેસન બની જાય છે. હવે જો વેપારીઓ સાડી વેચે છે ત્યારે તેઓ પાંચ ટકા લેખે જીએસટી ઉમેરીને વેચે છે. જ્યારે પેકિંગ મટિરિયલ્સની વધારાની ડ્યૂટી તેમની સરકાર પાસે ક્રેડિટ થાય છે. જેને લીધે વેપારીઓની મૂડી બ્લોક થઇ રહી છે. હાલ કોરોનાને લીધે વેપારીઓની હાલત નબળી થઇ છે. તેઓ આર્થિક સંકટમાં મુકાયા છે. જો સરકાર દ્વારા તેમને આ રિફંડ ચૂકવવામાં આવે તો રાહત થશે.

સીએ રાજેશ ભાઉવાલાએ જણાવ્યું હતું કે, સાડી પર પાંચ ટકા, જ્યારે સાડીનાં પેકિંગ મટિરિયલ્સ પર 12 કે 18 ટકા જીએસટી દર હોવાથી વેપારીઓની મોટી રકમ જામ થઇ ગઇ છે. જે રિફંડ આપવું જોઇએ. આ અંગે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત પણ કરવામાં આવી છે. જો રિફંડ કરવામાં આવે તો વેપારીઓને મોટી રાહત થાય તેમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હવે સમય પ્રમાણે વેપારની પદ્ધતિ બદલાઇ છે. અન્ય રાજ્યોના વેપારીઓ સુરતના વેપારીઓ પાસે પેકિંગ બોક્સ સાથે સાડીઓ મંગાવે છે. પરિણામે બોક્સ સાથે સુરતના વેપારી સાડીઓ મોકલે છે. જેના પર 18 ટકા સુધી જીએસટી લાગે છે. બદલાયેલા વેપાર ધારામાં સુરતના વેપારીઓની મોટી રકમ બ્લોક થઇ જાય છે.

Most Popular

To Top