World

રશિયામાં વિમાન ક્રેશ થતા 28 લોકોના મોત! મંત્રાલય અનુસાર વિમાન રડારથી પણ ગાયબ થઈ ગયું

મોસ્કો: રશિયાના દૂર પૂર્વના પ્રદેશમાં 28 લોકો સાથેનું એક વિમાન ખરાબ હવામાનમાં ઉતરાણ કરવાના દેખીતા પ્રયાસમાં દેખીતી રીતે તૂટી (Russian plane crash) પડ્યું હતું અને આ વિમાનમાં બેઠેલા તમામ લોકોનાં મોત (Death) થયા હોવાનો ભય સેવાય રહ્યો છે.

પલાના ટાઉનમાં એરપોર્ટ (Palana town airport) નજીકથી એન્તોનોવ એએન-26 વિમાનનો ભંગાર મળી આવ્યો હતો એમ અધિકારીઓએ જણાવ્યું હતું. આ વિમાને ઉતરાણ વખતે ધુમ્મસ અને વાદળોનો સામનો કરવો પડ્યો હતો જયારે તેની સાથેનો સંદેશ વ્યવહાર કપાઇ ગયો હતો અને તે રડાર (Radar) પરથી અદ્રશ્ય થઇ ગયું હતું એમ કામચતકા પ્રદેશના અધિકારીઓએ જણાવ્યું હતું.

રશિયાની નાગરિક ઉડ્ડયન એજન્સી રોસાવિઆત્સિયાએ જણાવ્યું હતું કે વિમાનના ભાગો એરપોર્ટના રન-વેથી લભગભ ૩ માઇલ(પ કિમી) દૂરથી મળી આવ્યા હતા. વિમાનના ફૂયુઝલેજનો એક ભાગ એક પર્વતના ઢાળ પરથી મળી આવ્યો હતો અને બીજો ભાગ ઓખોત્સ સમુદ્રમાં તરતો મળી આવ્યો હતો. રશિયન મીડિયાના અહેવાલ મુજબ વિમાનના છ ક્રૂ સભ્યો અથવા 22 મુસાફરોમાંથી કોઇ બચ્યું નથી. જો કે હજી સુધી કોઇ મૃતદેહ મળી આવ્યો નથી અને અહેવાલોને કોઇ સત્તાવાર સમર્થન મળ્યું નથી. બનાવ અંગે ક્રિમિનલ તપાસ શરૂ કરવામાં આવી છે. આ વિમાન ઉતરાણ કરતી વખતે સમુદ્રી ઢાળમાં તૂટી પડ્યું હોવાનું માનવામાં આવે છે.

સ્થાનિક પરિવહન મંત્રાલયના જણાવ્યા અનુસાર વિમાન રડારથી પણ ગાયબ થઈ ગયું હતું. આ વિમાન કામચતકા એવિએશન એન્ટરપ્રાઇઝ કંપનીનું હતું. સ્થાનિક અધિકારીઓએ કહ્યું કે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. તે જ સમયે, રોઇટર્સના એક અહેવાલમાં ઇન્ટરફેક્સને ટાંકીને જણાવ્યું છે કે નબળી દૃશ્યતા વચ્ચે વિમાન ઉતરવાનો પ્રયાસ કરતી વખતે શિખર સાથે ટકરાઈ ગયું હોય શકે છે. માહિતી મળતાની સાથે જ સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. અધિકારીઓએ કહ્યું છે કે ગુમ થયેલા વિમાનને શોધવા માટે બે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે.

કામચતકા સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિમાન ઉતરવાનું હતું પરંતુ પલાનાના વિમાનમથકથી આશરે 10 કિલોમીટર (છ માઇલ) દૂર તેની સાથે સંપર્ક ખોવાઈ ગયો. પલાનાની સ્થાનિક સરકારના વડા ઓલ્ગા મોખરેવા વિમાનમાં સવાર હતા.

Most Popular

To Top