SURAT

હવે સિવિલમાં સેંકડો દર્દીઓની સારવારમાં મ્યુકરમાઈકોસિસની દવા પણ ખૂટી પડી

સુરત: શહેરની નવી સિવિલ હોસ્પિટલ (surat civil hospital)માં અત્યાર સુધી મ્યુકરમાઈકોસિસ (Myucarmycosis)ના સેંકડો દર્દીઓની સારવાર થઇ છે. આ દર્દીઓને રજા આપ્યા બાદ ફરી આ બીમારીનો ચેપ લાગે નહીં તે માટે કેટલીક દવાઓ (Medicine) સિવિલમાંથી આપવામાં આવે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ દવાઓ ખૂટી પડતાં દર્દીઓને રજા આપ્યા પછી તેમના સંબંધીઓ હોસ્પિટલમાં દવા લેવા ચંપલ ઘસી રહ્યા છે. પરંતુ દવા ઉપલબ્ધ થઇ રહીં નથી.

શહેરમાં કોરોનાના કેસ શાંત થઈ રહ્યા હતા ત્યારે બીજી બાજું મ્યુકરમાઇકોસિસ વધારે આક્રમક બનીને દર્દીઓને ભરડામાં લઈ રહ્યો હતો. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના સાજા થયેલા અને રજા આપવામાં આવી હોય તેવા દર્દીઓને પૂરતી દવા આપવામાં આવી રહી નથી. મ્યુકરમાઈકોસિસના દર્દીઓને ફરી આ રોગ થાય નહીં તે માટે તબીબો પોસા કોનાઝોલ નામની ટેબ્લેટ આપી રહ્યા છે. પરંતુ નવી સિવિલ તંત્ર દર્દીને પુરતી દવા નહીં આપતા દર્દીના સંબંધીઓને ધક્કે ચઢવાનો વારો આવ્યો છે. દવા નહીં મળતા દર્દીને ફરી મ્યુકરમાઈકોસિસ થવાના ભયથી પરિવારજનોની ચિંતામાં વધારો થયો છે. આજે અઠવાડિયાથી નવી સિવિલમાં ચંપલ ઘસી રહેલા સંબંધીઓએ સુપ્રિન્ટેન્ડન્ટને રજૂઆત કરી હતી.

ટેબ્લેટનો પુરતો જથ્થો સરકારમાંથી આવતો નથી એટલે દર્દીઓને આપવામાં વિલંબ થાય છે
આ અંગે નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.રાગિનીબેન વર્માએ જણાવ્યું હતું કે, પોસા કોનાઝોલ ટેબ્લેટનો પુરતો જથ્થો રાજ્ય સરકારમાંથી આવી રહ્યો નથી. જેને કારણે દર્દીઓને આપવામાં વિલંબ થઈ રહ્યો છે. હાલ લોકલ પરચેસ કરીને દવા મેળવી પુરી પાડવામાં આવી રહી છે. એટલે દર્દીઓને એડજસ્ટ કરીને આપવામાં આવી રહી છે. તેમ છતાં સરકારમાં ફરી એક વખત દવાઓની અછતને લઈ ધ્યાન દોરાશે.

બીજી તરફ છેલ્લા છ દિવસથી સચિન જીઆઇડીસી સહિતના ઔદ્યોગિક વિસ્તારોના જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વેક્સિનનો જથ્થો નહીં મોકલાતા કામદારોને રસી આપવાની પ્રક્રિયા પડી ભાંગી છે. રોજ વહેલી સવારથી કામદારો છેલ્લા છ દિવસથી વેક્સિનેશન સેન્ટર પર આવે છે અને રસી મુકાવ્યા વિના પરત જઇ રહ્યા છે. એકતરફ રાજ્ય સરકાર દ્વારા ઔદ્યોગિક અને વાણિજ્યિક સંસ્થામાં કામ કરતા કર્મચારી અને કામદારોને 7 જુલાઈ સુધીમાં રસી મુકાવી દેવા આદેશ કરવામાં આવ્યા છે, બીજી તરફ તંત્ર તરફથી રસીનો પૂરતો સ્ટોક ઉપલ્બ્ધ કરાવવામાં આવતો નહીં હોય અનેક સેન્ટરો બંધ થઈ ગયા છે.

સચીન જીઆઈડીસીના રોટરી હોસ્પિટલ વેક્સીન સેન્ટરમાં તા. 21 જૂનથી છ દિવસ માટે વેક્સીનેશન કેમ્પ ચાલ્યો હતો. આ 6 દિવસમાં 1200 કામદારોએ રસી મુકાવી હતી, પરંતુ ત્યાર બાદ છેલ્લાં સાત દિવસથી જિલ્લા પંચાયત પાસે વેક્સીનનો જથ્થો ઉપલ્બ્ધ નહીં હોય સેન્ટર બંધ થઈ ગયું છે.

Most Popular

To Top