SURAT

જન સુવિધા કેન્દ્રો પર જ લોકોને દુવિધા: આવકના દાખલા માટે બહુમાળી ખાતે સર્જાયા લાંબી કતારોના દ્ર્શ્યો

સુરત: સુરત જિલ્લા નવનિયુકત કલેકટર (SURAT DISTRICT COLLECTOR) આયુષ ઓક (AYUSH OAK)એ સિટીના પાંચેય જનસેવા કેન્દ્ર (JAN SEVA KENDRA) ઉપર આવક સહિતના દાખલાઓ ઓનલાઇન (ONLINE) પ્રથા બંધ કરવા નિર્ણય કર્યો હતો.

કલેકટરે કહ્યું હતું કે, ટાઉટો પાસે લોકોને ન જવું પડે અને ઝડપથી દાખલા મળી જાય તે માટે વ્યવસ્થાતંત્ર સેટ કરી દેવાયું છે. દરેક જનસેવા કેન્દ્ર ઉપર અરજદારે જાતે જવું પડશે. તેમને દાખલા માટે ટોકન આપવામાં આવશે. અને અનુમાન હતું કે જેથી ઓનલાઇ એપાઇન્ટમેન્ટના સ્લોટમાં નંબર નહીં લાગવાની સમસ્યાનો અંત આવશે. જો કે ઓનલાઇન પ્રથા બંધ થતાં લોકોનો જમાવડો કેન્દ્રો પર થઈ રહ્યો છે. અને સુરતના નાનપુરા સ્થિત જનસુવિધા કેન્દ્રો પર લોકોએ લાંબી લાંબી કતારોમાં ઊભા રહેવાની ફરજ પડતા સુવિધાની જગ્યાએ દુવિધા ઊભી થઈ છે.

અગાઉ જિલ્લા કલેકટર આયુષ ઓકે શહેરના પાંચ મામલતદાર કચેરીઓ ખાતે કાર્યરત જનસેવા કેન્દ્રોની મુલાકાત લીધી હતી. અને અરજદારોને નિયત સમયમર્યાદામાં સરળતાથી દાખલાઓ મળી રહે તે માટે વધારાના મેનપાવર સહિતની વ્યવસ્થાઓ ઉભી કરવાની તાકીદ પણ કરી હતી. જિલ્લા કલેકટર આયુષ ઓકે સુરત શહેરના મજુરા, ઉધના, કતારગામ, અડાજણ, પુણા તાલુકાની મામલતદાર કચેરીઓ ખાતે કાર્યરત જનસેવા કેન્દ્રોની મુલાકાત લઈને જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરવાની સુચનાઓ આપી હતી. કારણ કે નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થતા જનસેવા કેન્દ્રો ખાતે જાતિ તથા આવકના દાખલા મેળવવા માટે અરજદારોનો ધસારો જોવા મળે છે.

આ દરમિયાન અરજદારો સરળતાથી ફોર્મ ભરી શકે તે માટે અઠવાલાઈન્સના જનસેવા કેન્દ્ર ખાતે ‘જનસહાયતા કેન્દ્ર’ને કલેકટર આયુષ ઓકે ખુલ્લુ મુકયું હતું. સાથે જ અન્ય મામલતદાર કચેરીઓ ખાતે પણ ‘જનસહાયતા કેન્દ્રો’ શરૂ કરવાની તાકીદ તેમણે કરી હતી. જોકે આવી કોઈપણ વ્યવસ્થાનો હાલ અભાવ હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. જેમાં ખાસ સુરતના મુખ્ય કેન્દ્ર ગણાતા બહુમાળી ખાતે લોકો સતત આ તમામ પ્રકારના દાખલા હેતુ આવતા હોય છે, ત્યારે આ લોકોને હાલ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સોમવારે વહેલી સવારથી નવા સત્રમાં પ્રવેશવાંછુ ઉમેદવારોને વિવિધ દાખલા હેતુ જન સેવા કેન્દ્ર પર કતારો લગાવાની ફરજ પડી હતી. અને બહુમાળી ખાતે લોકોએ ભર તડકામાં રસ્તા પર પણ લાંબી લાંબી કતારો લગાવતાં દ્ર્શ્યો સર્જાયા હતા.

Most Popular

To Top