પુષ્કરસિંહ ધામી (PUSHKAR SINH DHAMI) ઉત્તરાખંડ (UTTRAKHAND)ના નવા મુખ્ય પ્રધાન (CM)બનશે. શનિવારે દહેરાદૂનમાં યોજાયેલી ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી પદ પરથી તીરથસિંહ રાવતનાં રાજીનામા બાદ, ઘણા નામ આ પદની રેસમાં હતા, જેને પુષ્કરસિંહ ધામીએ હરાવ્યા છે. રવિવારે રાજભવનમાં થશે શપથ ગ્રહણ સમારોહ.
આરએસએસની નજીક ગણાતા પુષ્કરસિંહ ધામી ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તેઓ બે વાર ખટીમાથી ધારાસભ્ય ચૂંટાયા છે. ધામિનો જન્મ 16 સપ્ટેમ્બર 1975 માં પિથોરાગ જિલ્લામાં થયો હતો. તેમણે કહ્યું કે ભાજપે મને લોકોની સેવા કરવાની તક આપી. લોકોનાં પ્રશ્નો ગમે તે હોય, તેમનું નિરાકરણ લાવવામાં આવશે. કહ્યું કે હાઈકમાન્ડે તેમનામાં વિશ્વાસ ઠાલવ્યો છે. તે આ વિશ્વાસ પર ચોક્કસથી ખરા ઉતરશે.
બપોરે 3 વાગ્યે ભાજપના તમામ ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી હતી. દિલ્હીથી પાર્ટી હાઈકમાન્ડે કેન્દ્રીય પ્રધાન નરેન્દ્રસિંહ તોમરને નિરીક્ષક તરીકે દહેરાદૂન મોકલ્યા હતા. પુષ્કરસિંહ ધામીના નામની જાહેરાત થતાં જ રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલ રાજકીય સંકટ પણ સમાપ્ત થઈ ગયું છે. આ સંકટ ત્યારે શરૂ થયું જ્યારે કેન્દ્રીય નેતૃત્વ દ્વારા રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન તીરથસિંહ રાવતને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. દિલ્હીમાં તિરથ રાવત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા. આ પછી, શુક્રવારે મોડી રાત્રે, તેઓ ઉત્તરાખંડના રાજ્યપાલ બેબી રાની મૌર્યાને મળ્યા અને રાજીનામું સુપરત કર્યું. તેમણે તેમના રાજીનામાનું કારણ બંધારણીય સંકટ હોવાનું જણાવ્યું છે.
મુખ્યમંત્રી બન્યા પછી ભાજપને સતત વિવાદિત નિવેદનો આપતા તીરથસિંહ રાવતે સાડા ત્રણ મહિનામાં રાજીનામું આપી દીધું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પાર્ટીએ દિલ્હી બોલાવીને તેમના રાજીનામાની માગ કરી હતી અને તેમણે પાર્ટી અધ્યક્ષ જે.પી.નડ્ડાને રાજીનામું પણ સોંપી દીધું છે.કુંભ ( kumbh) દરમિયાન તીરથ સિંહ રાવતે જેવી રીતે ભીડ એકઠી થવા માટે છૂટ આપી હતી અને ત્યારપછી કોરોના ( corona) તપાસના નામે જે કૌભાંડો બહાર આવ્યા તેમાં એના નજીકના લોકો સામેલ હતા. આ ઘટસ્ફોટો થતા એમની સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. આમ પણ તીરથ જેવી રીતે કામ કરી રહ્યાં હતા એના પરથી લાગતું હતું કે આગામી ચૂંટણીમાં એમનું પત્તું સાફ થઈ જશે. જોકે, ભાજપ તિરથને કેન્દ્રમાં પણ પદ આપી શકે છે, કેમ કે તે પૌડી ગઢવાલ બેઠક પરથી સંસદ પણ છે.
ખરેખર, તીરથસિંહ રાવત આ વર્ષે 10 માર્ચે મુખ્યમંત્રી બન્યા, જેના કારણે તેમને 10 સપ્ટેમ્બર સુધી કોઈ પણ સંજોગોમાં ધારાસભ્ય બનવું પડ્યું. કોરોના સમયગાળાને કારણે પેટાચૂંટણીની ઘોષણા હજુ સુધી કરવામાં આવી ન હોવાથી, ભાજપે મુખ્યમંત્રી બદલવાનો નિર્ણય કર્યો. આ પછી, તીરથસિંહ રાવતની જગ્યાએ પુષ્કરસિંહ ધામીને રાજ્યના નવા મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા છે.